પરંતુ આ રાહત કાર્યોના સમયે (કટકી કરવાના સમયે) જ આ નિમણૂંક તાલુકા પ્રમુખ બનારાજાને “કોળીયામાં માખી જેવી લાગતી હતી !
મનુષ્ય મન નો કોઈ કાર્ય, દ્રષ્ય પ્રત્યેની લાગણી કે વર્તુણુક કે વસ્તુ સ્થિતિ અંગે વિચારવાનો દ્રષ્ટિકોણ એટલે મનોવૃત્તી અને આ મનોવૃત્તી મુજબ તે દરેક કાર્ય કારણમાં પ્રતિભાવ આપતો હોય છે સમગ્ર સૃષ્ટિમાં હાલ તો મનુષ્ય સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે. માનવ બાળક વિકસીત થઈ ને મોટુ થાય અને સમજણ શકિત આવી જાય એટલે તેને ગમો અણગમો, ઉપયોગી બીન ઉપયોગી, ઉપદ્રવીકે બીન ઉપદ્રવી, હાનીકારક કે મદદરૂપ અથવા તે પૈકી કોઈ નહી ફકત ઉપેક્ષા. આવી અનેક મનોવૃત્તિઓ ધીરેધીરે ટેવરૂપે વિકસે છે. જેવા કુટુંબ, સમાજ, શિક્ષણ, મિત્ર વર્તુળ કે સોબત સંગત હોય તે પ્રમાણે અને સંજોગો અનુભવોથી દરેક વ્યકિતની મનોવૃત્તિ બને છે. વળી દરેક વ્યકિતમાં જાતી ગત જન્મગત અને અમુક અંશે મનોવૃત્તિઓ વારસાગત અને પૂર્વ જન્મની પણ હોય છે. આ રીતે વ્યકિતમાં ઉપર જણાવેલ દરેક સંજોગોની મનોવૃત્તિઓ ભળતા વ્યકિતગત એક જુદીજ મનોવૃત્તિ બને છે.આથી સમાજમાં મનુષ્યની મનોવૃત્તિઓ જુદી જુદી જોવા મળે છે.
સાદગીની અને સ્વરક્ષાત્મક મનોવૃત્તિ
તે સમયે મુળી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) દવે વય મર્યાદાને કારણે નિવૃત થયા અને ટીડીઓ તરીકે મી. પટેલ આવ્યા મી. પટેલને પણ નિવૃત્તિને એક બે વર્ષ જ બાકી હતા તે સમયે સમગ્ર રાજયમાં કારમો દુષ્કાળ પડયો હતો. મુળી તાલુકો તે સમયે આમેય પંચાળી ગરીબ અને પછાત તો હતો જ તેમાં દુકાળ પડતા સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તાબડતોબ રાહત કામો શરૂ થયા આમ તો આ રાહત કાર્યો જનતાના ટેક્ષના નાણાથી જ થતા હોય છે. છતા આવી કુદરતી આફતોમાં આ રાહત કાર્યો તે દરીદ્રનારાયણના સેવાનાં યજ્ઞો જ હોય છે. તેમ છતાં આવા કાર્યોમાં પણ અમુક પેધી ગયેલા ધંધાદારી રાજકારણીઓ સરકારી કર્મચારીઓ, અધિકારીઓની મદદથી મોટા કૌભાંડો કરી ને આવા દારૂણ પ્રસંગોને પણ રૂપીયા કમાવાના અવસરમાં ફેરવી નાખે છે. પરંતુ જયારે આવા ભોપાળા છતા થાય ત્યારે તો સરકારી કર્મચારીઓ જ જેલમાં જાય છે. રાજકારણીઓ જેલમાં ગયાનું જાણ્યું નથી.
ટીડીઓ પટેલ ખુબ અનુભવી અને જમાનાના ખાધેલા હતા ઉપરાંત ગાંધીવાદી હતા. તેમણે મુળી ખાતે હાજર થઈ ને આ તાલુકા પંચાયતનો વિચિત્ર અને ગંદો ઈતિહાસ જાણ્યો તથા અગાઉની મી.આઈડીયા (તાલુકા પંચાયત કર્મચારી) અને તાલુકા પ્રમુખ બનારાજાના કૌભાંડોની વાત જાણી તથા આ મી.આઈડીયાને કારણે જ એક નિવૃત ટીડીઓ ને જેલમાં જવાનું થયેલું તે વાત પણ જાણી જુઓ પ્રકરણ ૬૩ ‘કર્મના નિયમો’ મી. પટેલ ગાંધીવાદી એટલે તેમનામાં સંપૂર્ણ સાદાઈ, સફેદ લેંધો ઝબ્બો અને માથા ઉપર સફેદ ગાંધી ટોપી, પગમાં ચામડાના દેશી ચપ્પલ રહેતા મુળીમાં ટીડીઓને રહેવાનું કવાર્ટર ન હતુ તેથી તાલુકા પંચાયતના કર્મચારી જે મુળી સરકારી મકાનમાં નહિ રહેતા સુરેન્દ્રનગરથી અપડાઉન કરતા હતા તેમનું મકાન ખાલી પડયું હતુ આથી આ પડતર મકાનની સાફ સફાઈ કરાવી તેમાં પલંગ ખુરશી વી. મુકાવી ટીડીઓ પટેલે તેમાં નિવાસ કર્યો. તેમને કુટુંબ કબીલો લાવવાનો ન હતો. એકલા જ રહેવાનું હતુ તેથી બે ખાનાનું ટીનનું ટીફીન મંગાવી લીધું ને લોજમાં બંધાવી દીધું પોતાના વાહનમાં સાયકલ રાખેલી અને સરકારી જીપનો ઉપયોગ કરતા જ નહી. ઘરનું કામ સાફ સફાઈ કપડા લતા ધોવાના વિગેરે કાર્યો ગાંધી વિચારધારા સ્વાશ્રયી રીતે જાતે જ કરવાના કોઈ કામવાળા રાખેલા નહી.
ટીડીઓ પટેલને મુળી તાલુકા પંચાયતનો વહીવટ જાણીને મનોમન થયું કે નિવૃતીનાં આરે કયાં આવી આફતમાં આવી ગયો. વળી દુષ્કાળનાં વિરાટ રાહતકાર્યો લાખો રૂપીયાનો વહીવટ બીલ તાત્કાલીક બનાવી, બીલ પાસ કરી નાણા ચૂકવણી સુધીની કાર્યવાહી વળી આ કામો થયા? ન થયા, કેટલા બાકી વિગેરે મોટાભાગની કાર્યવાહી તાલુકા પંચાયતે તેમના કર્મચારીઓ અને તલાટી મંત્રીઓ દ્વારા કરવાની હતી આ રાહતકાર્યોનો હિસાબ જ તાલુકા પંચાયત રાખતી પરંતુ કાર્યો કયા કરવા કોના દ્વારા કરાવવા વિગેરેમાં સતાધારી રાજકારણીઓ તેમના ગામે ગામના ધંધાદારી રાજકીય એજન્ટોદ્વારા જ થતા હોય છે. આમ ધંધાદારી રાજકારણીઓ મોટાભાગના રાહત કાર્યો કાગળ ઉપર ચાલુ કરી પૂરા જાહેર કરી દેતા અને ખોટા બીલો બનાવી મજૂરોના ખોટા નામઠામો લખી બીલની ચૂકવણીમાં અંગુઠાનાં નિશાન મારી દેતા એટલા મોટા કામો થતા કે પછી હાથનાં અંગુઠાને બદલે પગનાં અંગુઠા પણ મારતા અને ચૂકવણુ કરતા ! તાલુકાના ઓગણ સીતેર ગામોમાં અને તેના વિશાળ સીમ વગડામાં રાહત કાર્યો ચાલતા તેની ખાત્રી અને ચોકસી ટીડીઓ ઉપરાંત મામલતદાર અને બીજા અધિકારીઓ ઓચિંતા ચેકીંગ ક્રી ખાત્રી કરતા કામના સ્થળો ઉપર મજૂરોના મસ્ટર (હાજરી પત્રક) રહેતા પરંતુ દરેક ગામમાં અનેક રાહત કાર્યો ચાલતા હોય અર્થશાસ્ત્રના નિયમ મુજબ ‘જથ્થો વધે તો ગુણવતા ઘટે’ તે સિધ્ધાંત દરેક જગ્યાએ લાગુ પડે જ. આવા જથ્થા બંધ અનેક કામોમાં ધંધાદારી રાજકારણીઓ તેમના ટાયા (ગામે ગામ દલાલો) દ્વારા ગોઠવણ કરી જ લેતા હોય છે.
ટીડીઓ પટેલ આવા સંજોગોમાં વહેલી સવારથી મોડી રાત્રી સુધીમાં કામ માં લાગેલા રહેતા વળી બનારાજા જેવા તાલુકા પ્રમુખનો ભરોસોશું? તે રીતે પોતાની ઓફીસમાં તમામ ટપાલો, બીલો જાતે જોઈ વાંચી ખાત્રી કરી વિચારી ને સહીઓ કરતા, શંકાસ્પદ ટપાલ, પત્ર, અહેવાલ, બીલ કે ફાઈલ પરત જ કરતા. આથી પ્રમુખ બનારાજા ટીડીઓ ને પોતાના હોદાની રૂએ કહેતા ‘આતો રાજના કામ છે ચાલ્યા કરે, આવી ચીકાશ કરશો તો કામો કેમ થશે?’ પટેલ તેમને કહેતા નિયમ મુજબ જ થાય. આથી બનારાજા માથે હાથ મૂકી ને કહેતા ‘આ દુષ્કાળમાં (તેમના મતે કમાવાના સમયે) તમારી જેવા ચીકણા અધિકારી અહી ન ચાલે’ આથી પટેલ કહેતા ‘હા સાહેબ તમે મારી બદલી કરાવી નાખો હું પણ અહીથી છૂટું કેમકે પેલા મી.આઈડીયા અને નિવૃત ટીડીઓની જેમ મારે જેલમાં જવુ નથી’
આ વાત અત્યારે કદાચ કોઈના માનવામાં ન આવે પણ એ સત્ય હકિકત છે અને આશ્ચર્ય જનક પણ છે. કે ટીડીઓ પટેલ તે સમયે ૪૦-૪૦ કિલોમીટર ગામડાઓમા અને તે પણ ઉનાળાના ધોમતડકામાં રાહત કાર્યો ચેક કરવા પોતાની ‘રામપ્યારી’ સાયકલ ઉપર ફરતા ! સાયકલના હેન્ડલ ઉપર પોતાના હોદાનું પૂઠાનું બોર્ડ લગાડેલ હોય અને તેના ઉપર જે ગામોની વીજીટ કરવાની હોય તેના પણ નામ લખેલા હોય, અને હેન્ડલ ઉપર જ બે ખાનાનું ટીનનું ટીફીન લટકાડેલું હોય આ દ્રશ્ય જોઈને ફોજદાર જયદેવ જ નહિ આખો મુળી તાલુકો આશ્ર્ચર્ય ચકિત હતો. જયદેવને મનમાં દયા ઉપજતી કે આ દુષ્કાળનાં ઉનાળાની ધોમધખતી પાંચાળની ગરમ ભૂમી ઉપર અને રેતીની ઉડતી ડમરીઓ વચ્ચે આ ઉમર લાયક વ્યકિત કેવો ભોગ આપે છે? આ પણ એક સજજન ગાંધીવાદી મનોવૃત્તિ જ હતી ને! અને જયદેવ મનમાં ખુશ થતો કે સરકારે બરાબર રીતે બનારાજા ઉપર આ ટીડીઓને મૂકયા છે.
ઓફીસમાં ટીડીઓની સહી લેવાની હોય તો ઉભા ઉભા જ ન થાય, ફાઈલને ટેબલ ઉપર મૂકતા તેનો બરાબર અભ્યાસ કરી વિચારીને સહી કરતા. જો પ્રમુખ બનારાજા જેવા કોઈ ફાઈલ ઉતાવળે મૂકીને સહી માટે કહે તો ઈશારાથી અને થોડુ પણ અર્થસભર બોલીને જોયા જેવી કરતા. જયારે બનારાજા સહી માટે ઉતાવળ કરે તો ટીડીઓ પ્રથમ પોતાના બંને હાથની મુઠીઓ વાળે પછી બંને હાથ એક બીજા ઉપર ચોકડી બનાવતા મૂકે અને પછી ધીમેથી ખોલે ‘હ…મ..હમ…. પોલીસ….. જયદેવ હાથકડી પહેરાવી દેશે ! વિશેષ કાંઈ ચર્ચા જ નહિ!
અગાઉના સમયમાં તાલુકા પંચાયતની જીપ જયાં ત્યાં રખડતી ફરતી, પ્રમુખ બનારાજા અને તેમના ટાયા ફરતા રહેતા પરંતુ આ સરકારી જીપની લોગબુકમાં સહી ટીડીઓની થતી. પરંતુ ટીડીઓ પટેલે તેના ડ્રાઈવરને સ્પષ્ટ કહ્યું કે લોગબુક સહી માટે પોતા પાસે નહી લાવતા બનારાજાની જ સહીઓ લેવા જણાવી દીધુ મુળીના લોકોએ ટીડીઓની સાયકલનું નામ હંસી મજાકમાં ભલે ‘રામ પ્યારી’ રાખેલુ પરંતુ પટેલ આખા તાલુકામાં સફર તો આ રામપ્યારી ઉપર જ કરતા સરકારે ભલે બનારાજા ઉપર આવા ટીડીઓ માથા ઉપર માર્યા હતા. પણ સમગ્ર તાલુકાને આ ટીડીઓએ મનોરંજન સાથે એક આદર્શ ઉદાહરણ રૂપ સાદાઈના પ્રતિક રૂપે તેઓ ફરજ બજાવી રહ્યા હતા !
એક દિવસ મુળી ફોજદાર જયદેવ કોઈ ગુન્હાની તપાસમાં રાજકોટ આવ્યો તપાસની કાર્યવાહી પૂરી થઈ ગઈ. તે સમયે શ્રાવણ મહિનાના સાતમ આઠમના તહેવારો ચાલતા હતા ગમે તે તહેવાર હોય પણ પોલીસને શાંતી કે રજા હોય જ નહી ઉલટાનું બંદોબસ્તનું વધારાનું ભારણ હોય ! તે વખતે રાજકોટનો સાતમ આઠમનો મેળો શાસ્ત્રી મેદાનમા ભરાતો હતો. તપાસ પૂરી થઈ એટલે રાયટર જયુભા એ કહ્યું સાહેબ રાજકોટનો મેળો જોવા છે. જયદેવે કહ્યું કાંઈ વાંધો નહી હું લીમડા ચોકમાં બેસીશ તમે મેળામાં ફરી આવો. તેમ કહી જીપ ને લીમડા ચોકથી શાસ્ત્રી મેદાનમાં લેવડાવી ત્યાંજ મેળાનું મોટુ પ્રવેશ દ્વાર ચોગાનમાં હતુ સાંજના પાંચેક વાગ્યા હતા મેળો હજુ જામતો જતો હતો. મેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ એક ફોજદાર સાહેબ ખુરશી નાખી ને બેઠા હતા આજુબાજુમાં ત્રણ ચાર કોન્સ્ટેબલો હતા.
જયદેવે તેના જવાનોને મેળામાં જલ્દી આંટો મારી લેવાનું કહી પેલા ફોજદાર સાહેબ પાસે ગયો, તે જયદેવની જ બેચના ફોજદાર ચનુભાઈ હતા. જયદેવ તેના વતનમાં હાઈસ્કુલમાં ભણતો ત્યારે આ ચનુભાઈ ત્યાં જમાદાર તરીકે હતા આમ બહુ જુનો પરીચય હતો. બંને લાંબા સમયે મળ્યાનો આનંદ વ્યકત કર્યો, ચા-પાણી પીધા. જયદેવે ચનુભાઈને કહ્યું કે આવડા મોટા શહેરના આ સુંદર મેળામાં તમારો માભો પડે છે. તમે આખા મેળાના ઈન્ચાર્જ છો! આથી ચનુભાઈ બોલ્યા શું ધુળ માભો છે? આ એની એજ જમાદારી છે. આ નાકુ પકડીને ચોકીદારી કર્યા કરવાની મજા તો તમારે છે. તાલુકાના રાજા સ્વતંત્ર જીપ અને આખા તાલુકામાં તમારો હુકમ ચાલે ! જયદેવે કહ્યું ‘તેની સામે જવાબદારીઓ પણ એટલી ને ? કેટલા ગામડા ખુંદવાનાં ? આથી ચનુભાઈએ સીધું જ પુછી લીધું કે તો આપણે અરસપરસ બદલી માટે રીપોર્ટ આપવો છે? જયદેવ કાંઈ બોલ્યો નહી.
થોડીવારે જયદેવે કહ્યું કે આ પહેલા તમે જમાદારી કરતા હતા તેના કરતા અત્યારે અધિકારી તરીકે તો મજા આવતી હશે ને? થોડીવાર તેઓ કાંઈ બોલ્યા નહી અને દેશી ૩૦ નંબર સળગાવી ઉંડા કસ ખેંચીને ધુમાડાના ગોટા ઉડાડતા હતા ત્યાં એક કાર આવી આ કારમાં એક સ્ત્રી અને એક પુરૂષ બેઠા હતા સ્ત્રીના ખોળામાં રૂની પૂણી જેવું સફેદ પોમેડીયન કુતરૂ ઉંચુ નીચુ થતુ હતુ અને બારીમાંથી ડોકીયા કરતું હતુ.
પૂરૂષ કારમાંથી ઉતરીને બહાર ગયો પણ સ્ત્રી તો કારમાં બેઠી બેઠી પોમેડીયનને રમાડતી હતી ફોજદાર ચનુભાઈએ જયદેવને કહ્યું સામેની કારમાં શું દેખાય છે? જયદેવે કહ્યું એક સ્ત્રી પોમેડીયન ને ખોળામાં લઈને બેઠી છે. આથી ચનુભાઈએ કહ્યું કે આ અહીની ફોજદારી કરતા તો તમને આ પોમેડીયન વધુ ભાગ્યશાળી નથી લાગતુ? આથી જયદેવ હંસી પડયો અને કહ્યું તમે પણ શું મશ્કરી કરો છો. આથી તેમણે કહ્યું ‘ખરેખર અહી નોકરીમાં જરાય મજા નથી’ જયદેવ મનમાં વિચારતો હતો કે તેમનો દ્રષ્ટીકોણ જ ફરી ગયો લાગે છે. પછી ભગવાન જાણે અહી રાજકોટ શહેરમાં નોકરી અંગેની પરિસ્થિતિ શું હોય? તેવામાં મુળી પોલીસ જવાનો આવી જતા જયદેવે ફોજદાર ચનુભાઈની રજા લઈ મુળી જવા રવાના થયો પરંતુ તે મનમાં વિચારતોતો કે વ્યકિત પોતાના મનથી જ સુખી કે દુ:ખી થતી હોય છે.
શાસ્ત્રોમાં સાચુ જ લખ્યું છે કે, ‘કુદરત જે સ્થિતિમાં રાખે, જીવાડે, તકલીફ કે મજા, સુખ કે દુ:ખ એ આવવા જવા વાળી સ્થિતિ છે. કાયમી નથી આથી નીર્લેપ ભાવે અને દ્રષ્ટીએ જીવનમાં સંજોગો પ્રમાણે સાક્ષી (દ્રષ્ટા) ભાવે જ રહેવું ! જીવનમાં પાર ઉતરવાનો એક માત્ર અને સાચો રસ્તો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com