૧૯ શખ્સો તુટી પડયા: હુમલાખોરોની શોધખોળ ચાલુ
જોડીયાના તારાણા ગામે રહેતા ખેડુત યુવાન સહિત ચાર લોકો પર ૧૯ શખ્સે હુમલો કરતા ચારેય ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. ખેતરમાં વિજ લાઈન પસાર કરવાનાં થાંભલા નાખવા મુદે બોલાચાલી બાદ તમામ શખ્સે હુમલો કરતા ગામમાં તંગદીલી પ્રસરી જતા પોલીસ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો છે.
જોડીયા તાલુકાના તારાણા ગામે રહેતા સાંધાભાઈ ભલુભાઈ નાતડા અને મેપામાઈ માંડણભાઈ સહિતના ખેતરો બાજુબાજુમાં આવ્યા છે. જે ખેતરોમાં વિજ લાઈન પસાર કરવા માટે વિજ પોલ નાખવાની કામગીરીની તજવીજ ચાલી રહી હતી. જે દરમિયાન શુક્રવારે સાંધાભાઈએ પોતાના ખેતર વચ્ચેની વિજ થાંભલા પસાર કરવાની ના પાડી શેઢે નાખવા કહ્યું હતુ જે મામલે બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ શનિવારે સવારે સાંધાભાઈ ભલુભાઈ ઉપરાંત વાસુરભાઈ ઉપરાંત આયદાનભાઈ અને હમીરભાઈ સહિતના ચાર વ્યકિત ઉપર બોલાચાલીનું મનદુ:ખ રાખી ઘાતક હથીયારો સાથે ઘસી આવેલા હિરા ભૂરા, સાંધા માંડણ, રમેશ લખમણ, વિપુલ લખમણ, મયુર લખમણ, રામા ભુરા, રણમલ હિરા સહિતના ૧૯ શખ્સોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં સાંધાભાઈ ભલુભાઈને ઈજા ઉપરાંત આયદાનભાઈ, હમીરભાઈ, જીલુભાઈ સહિતને પણ ઈજાઓ સાથે તાકીદે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા જોડીયાના પીએસઆઈ ગોહિલ, ઉપરાંત એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડીગ યો હતો.