આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
અબતક,રાજકોટ
માત્ર દેશના સીમાડાની સુરક્ષા જ નહીં, પણ શાંતિના સમયમાં કાયદો અને વ્યવસ્થા તથા કુદરતી કે માનવસર્જીત આફતોમાં પણ હરહંમેશ ફરજ અદા કરવા તત્પર ભારતીય સૈન્યની કામગીરી અને ઇતિહાસ અદ્વિતીય છે. દેશની સલામતી અને સાર્વભૌમત્વની જાળવણી માટે સદા સમર્પિત એવા દેશના સૈન્યના જવાનો પ્રત્યે ઋણ અદા કરવાનું સમાજ માટેનું અનેરૂ પર્વ એટલે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ.
સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે ઉદાર હાથે ફાળો નોંધાવવા અપીલ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદજીએ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે દેશના સીમાડાની રક્ષા કાજે ધૈર્ય અને હિૈમત સાથે સતત કાર્યરત સૈન્યના યોધ્ધાઓ પ્રત્યેના આદરને વ્યકત કરવા પ્રતિ વર્ષ 7મી ડીસેમ્બરે સમગ્ર રાષ્ટ્રમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ઉજવવામાં આવે છે.
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે માતૃભૂમિની રક્ષા અને સાર્વભૌમત્વને અખંડિત રાખવાના આ કાર્ય દરમિયાન અનેક યોધ્ધાઓએ જાન ન્યોછાવર કર્યા છે તો અનેક ઘાયલ પણ થયા છે. દેશના ગૌરવ સમાન આ તમામ સૈનિકો પ્રત્યે આદર વ્યકત કરવા અને ઋણ ચુકવવા આ દિવસે દરેક નાગરીક ઉદાર હાથે પોતાનો ફાળો નોંધાવે તેવી અપીલ તેઓએ કરી છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવો સૈન્યના સાહસને બિરદાવ્યું
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવો સૈન્યના સાહસને બિરદાવ્યું
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીને ગૌરવ સમાન ગણાવી શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું હતું કે, સેનાના જવાનોના અપ્રતિમ સાહસ, ધૈર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ અને તેમનું સન્માન કરવા આપણે સશસ્ત્ર સેનાએ ઘ્વજદિનની ઉજવણી કરીએ છીએ. તેઓએ તમામ નાગરિકોને આ દિવસે સૈન્કો પ્રત્યે ઋણ અદા કરવા માટે ભંડોળમાં ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માં ભોમની સુરક્ષા – અખંડિતતા, સાર્વભૌમત્વ અને શાંતિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા સૈનિકોના અભિવાદન અર્થે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવી સૈનિકો અને તેમના પરિવારજનોના કલ્યાણાર્થે નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા નમ્ર અપીલ કરી છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયડુ, કેન્દ્રીય રક્ષા રાજયમંત્રી અજય ભટ્ટ, રાજયના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી વગેરેએ પણ નાગરિકોને સેનાના જવાનો માટે ઉદાર હાથે ફાળો નોંધાવવા અનુરોધ કર્યો છે.