ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા કેરી કાઠિયાવાડીનું પ્રિય ભોજન હોય છે. પ્રારંભે કેસર, હાફૂસના જલ્વા બાદ તેની વિદાય વેળાનો જૂન પ્રારંભના સમયે મીઠી સાકર જેવી કચ્છી મેવો ‘કેસર’ આવતા જ રાજકોટની કેરી બઝાર ઉભરાતી જોવા મળી રહી છે. ખાવામાં મીઠી મધ જેવીને ઓછી બગડતી કચ્છી કેરી બારમાસે ભરવા પણ ઉત્તમ ગણાય છે.
અત્યારે બઝારોમાં 5 કિલોના બોક્સના 500 થી 600 ભાવ ચાલી રહ્યા છે. આંબા ઉપર પાકેલી ‘સાખ’ કચ્છની કેરી હોવાથી તેની મીઠાસને મધુરતા બધી કેરી કરતા વધારે જોવા મળે છે. કાનભાઇ મેંગોવાળાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ કે છેલ્લા 15 દિવસથી કચ્છની કેસરની હોંબેશ આવક શહેરમાં છલકાઇ છે, લોકોની માંગને પહેલી પસંદ આ કચ્છની કેરી જોવા મળે છે.
કાચી કેરી માત્ર ચાર દિવસમાં પાકી જતી હોવાથી લોકો ચોમાસાના વરસાદ પહેલા જ લેતા હોય છે. જૂનાગઢની કેસરને મહારાષ્ટ્રની હાફૂસ કેરી બાદ સીઝનનાં અંતિમગાળામાં અને ચોમાસા પહેલા કચ્છની કેસરથી બઝારો છલકાતી જોવા મળે છે. ઘણા લોકો વરસાદ બાદ કેરી ખાતા ન હોવાથી એના આગમન પહેલા કચ્છનો ટેસ્ટની મીઠાશ માણી લેતા જોવા મળે છે. દર વર્ષે રાજકોટની રંગીલી પ્રજા કચ્છના આ મેવા ‘કેસર’ના કટકા કે રસનો ગમતો ટેસ્ટ પરિવાર સાથે માણતા હોય છે.