ઉજાગરા કર્યા સિવાય કામગીરી પુરી થઈ શકે તેમ નથી
લોકશાહીનો અવસર એવી વિધાનસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુના નેતૃત્વ હેઠળ ચૂંટણી સ્ટાફ દિવસ-રાત કામગીરી કરી રહ્યો છે. જસદણ તથા ગોંડલ વિધાનસભા મતક્ષેત્રમાં રોડ તેમજ નાકાઓ પર વાહનચેકિંગની કામગીરી ચાલુ છે, જ્યારે બંને મતક્ષેત્રમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ઓફિસોમાં સ્ટાફ મોડીરાત સુધી કામગીરી કરી રહ્યો છે.
આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે 72-જસદણ બેઠકની સમગ્ર કામગીરી સુચારુ રીતે થાય તથા ઉપલી કચેરીને કરવાનું રિપોર્ટિંગ નિયત સમય મર્યાદામાં ચોકસાઈથી થાય તે માટે ચૂંટણી અધિકારી રાજેશ જી. આલના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી કામગીરી કરતી વિવિધ ટીમો દિવસ-રાત કાર્યરત છે. શ્રી એસ. જી.દત્તાણીના નેજા હેઠળ ફ્લાઈંગ સ્કવોડ ટીમ તથા જે. જે. રોજાસરાના નેજા હેઠળ સ્ટેટીક સર્વેલન્સ ટીમ નિયમિત રીતે દિવસે તથા મોડી રાત્રે પણ વાહન ચેકીંગ કરી રહી છે. ઉપરાંત, કચેરીઓમાં પણ મોડીરાત સુધી ચૂંટણીની કામગીરી ચાલી રહી છે.
જ્યારે 73-ગોંડલ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી કે. વી. બાટીના નેજા હેઠળ કર્મચારીઓ ખડેપગે ચૂંટણીને અનુલક્ષીને વિવિધ કામગીરીઓ કરી રહ્યા છે. જેમાં ઝોનલ ઓફીસરોની મિટિંગ તથા કર્મચારીઓને ઈ.વી.એમ અને વી.વી.પેટ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર મેજિસ્ટ્રેટઓ દ્વારા મતદાન મથકોની મુલાકાત લઇ વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં ફ્લાઈંગ સ્કવોડ અને સ્ટેટીક સર્વેલન્સની 9-9 ટીમ દ્વારા રાત્રી દરમિયાન મોડે સુધી વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
જસદણ વિધાનસભા તથા ગોંડલ વિધાનસભા વિસ્તારમાં વાહન ચેકિંગ, કંટ્રોલ રૂમ જેવી 24 કલાક ચાલતી કામગીરી માટે 3 શિફ્ટમાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. આમ, ચૂંટણી શાખાના આદેશ મુજબ નિયુક્ત અધિકારીઓ તથા કર્મચારીઓ વિધાનસભા સામાન્ય ચૂંટણીની ફરજ આયોજનપૂર્વક તથા જવાબદારીપૂર્વક નિભાવી રહ્યા છે.