સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા દ્વારા વિશ્ર્વભરના પ્રવાસીઓને ગુજરાત તરફ આકર્ષવાના સરકારના પ્રયાસો સફળ થવા તરફ
શનિવારે ૨૭૦૦૦ લોકોએ નર્મદા સાઈટની મુલાકાત લીધી: તંત્રને ૫૦ લાખથી વધુ રૂપીયાની આવક થઈ
વિશ્ર્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નર્મદા ખાતે અનાવરણના હજુ માત્ર ૧૨ દિવસ જ થયા છે ત્યાં દરરોજ હજારોની સંખ્યામાં ટુરીસ્ટો ઉમટી રહ્યા છે.
૩૧ ઓકટોબરથી માંડી આજદિન સુધીના ૧૨ દિવસના સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૧.૧૦ લાખ લોકોએ મુલાકાત લીધી છે. તેમાં પણ ખાસ કરીને ગત શનિવારના રોજ ૨૭૦૦૦ લોકો ઉમટી પડયા હતા જે આ બાર દિવસનો સૌથી મોટો રેકોર્ડ છે.
ઉલ્લેખનીય છે કે, અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષનું બીરુદ મેળવનાર એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નર્મદા સાઈટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ ઓકટોબરના રોજ અનાવરણ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને સામાન્ય લોકો માટે ખુલ્લી મુકી હતી.
કરોડો રૂપિયાના ખર્ચે બનેલ આ પ્રતિમાના કદને વિશાળ ન્યાય મળી રહ્યો હોય તેમ દરરોજ હજારો યાત્રાળુઓ અહીં ઉમટી રહ્યા છે. અત્યાર સુધીમાં તંત્રને પર્યટકોને કારણે ૫૦ લાખથી વધુની આવક પણ થઈ ચુકી છે.
જોકે, મનાઈ રહ્યું છે કે, દિવાળીની રજાઓના કારણે આટલી બહોળી સંખ્યામાં પર્યટકો વિશ્ર્વની ઉંચી પ્રતિમાને નિહાળવા આવ્યા હતા અને બહોળી આવક થઈ હતી પરંતુ હવે રજા ખત્મ થતા તંત્રની આવકમાં પણ મહદઅંશે ઘટાડો નોંધાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્ર્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અંગે વધુ વિગત આપતા ગુજરાત ટુરીઝમના પ્રિન્સીપાલ સેક્રેટરી એસ.જે.હૈદરે કહ્યું કે, સરદાર પટેલની ઉંચી પ્રતિમાએ વિશ્ર્વ આખામાં રેકોર્ડ નોંઘ્યો છે અને ટુરીસ્ટો માટે અલગ જ પ્રકારનું આકર્ષણ ઉભુ કર્યું છે. જેના કારણે વિશ્ર્વભરના પ્રવાસીઓ ગુજરાત તરફ આકર્ષાયા છે.
તંત્રની આવકની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહી છે. ટુરીસ્ટોના ઘસારાને કારણે હાલ હોટેલ, રેસ્ટોરન્ટો સંપૂર્ણપણે બુક છે. યુનિટી સાઈટ ખાતે બનાવાયેલ સરદારની પ્રતિમા ઉપરાંત તંબુઓ, ફલાવર વેલી, સરદાર જીવન પરની પ્રદર્શનીએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.