- કાલાવડ રોડ પર આવેલા સ્પાના કર્મચારી અને નશામાં ધૂત ગ્રાહક વચ્ચે સરાજાહેર મારામારી
રાજકોટ શહેરમાં સ્પામાં ઓઠા તળે દેહ વિક્રય સહિતનું દુષણ સતત વધી રહ્યું છે. સ્પાના ઓઠા તળે દેહ વેપારનો કાળો કારોબાર સતત ધમધમતો તેવા અહેવાલો છાસવારે સામે આવતા હોય છે. એટલું જ નહિ સ્પામાં નશાની મહેફિલોથી માંડી અનેક ગોરખધંધા કરવામાં આવતા હોય તેવું પણ અનેકવાર સામે આવી ચૂક્યું છે. તેવામાં શહેરના કાલાવડ રોડ પર આવેલા એક સ્પામાં ગઈકાલે બોલાચાલી થયાં બાદ સરાજાહેર મારામારી કરવામાં આવી હતી. ત્યારે આ ડખ્ખો કંઈ બાબતનો હતો તે પણ એક મોટો સવાલ છે. એક અહેવાલ અનુસાર ગ્રાહક તરીકે આવેલા શખ્સને રાહ જોવાનું કહેતા ઉશકેરાયેલા શખ્સે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ માથાકૂટ કરી હતી તો બીજી બાજુ સ્પામાં થતાં ’બે નંબરના વહીવટ’ના પૈસા બાબતે આ ડખ્ખો ઉદભવ્યાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર વૈશાલીનગરમાં ભાડાના મકાનમાં રહેતા અને કાલાવડ રોડ પર વર્લ્ડ સ્પામાં હાઉસકીપર તરીકે નોકરી કરતાં વિશાલ રામસીંગભાઇ વિશ્વકર્મા (ઉ.વ.19)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભૂપત પીઠા કંટારિયાનું નામ આપ્યું હતું. વિશાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે સવારે દશેક વાગ્યે પોતે સ્પા પર હતો ત્યારે ભૂપત સ્પા કરાવવા આવ્યો હતો. સ્પા કરનાર કર્મચારી હાજર ન હોય થોડી રાહ જોવાનું કહેતા ભૂપત સોફા પર લાંબો થઇને સૂઇ ગયો હતો. થોડીવાર બાદ ભૂપત ઊભો થયો હતો અને વિશાલના ચપ્પલ પહેરી ચાલવા લાગ્યો હતો.
વિશાલે પોતાના ચપ્પલ પહેરવાનું કહેતા ભૂપત ઉશ્કેરાયો હતો અને તેણે વિશાલને ગાળો ભાંડી હતી અને જતો રહ્યો હતો અને જો કે, પરત આવી છરી ઝીંકી દીધી હતી. હવે બીજી બાજુ જે માહિતી મળી રહી છે તે મુજબ સ્પામાં થતા ’બે નંબરી’ વહીવટ કે જેના પૈસા રૂમની અંદર જ આપવાના હોય તે બાબતે ડખ્ખો ઉદભવ્યો હતો અને અંતે આ ડખ્ખો મારામારી સુધી પહોંચ્યો હતો. સ્પામાં પૈસા આપવા બાબતે બોલાચાલી થતાં સ્પાના નેપાળી કર્મચારીએ નશામાં ધૂત શખ્સની જાહેરમાં ધોલાઈ કરી હતી.
હવે મામલામાં ખરું સત્ય શું છે તે તો તપાસનો વિષય છે પણ મૂળ વાત એ છે કે, અનેક ગોરખધંધાનું પીઠું બની રહેલા સ્પા પર તંત્રે તૂટી પડવાની તાતી જરૂરિયાત છે. શહેરમાં દિન પ્રતિદિન સ્પાની સંખ્યામાં થતો વધારો દેહ વેપાર સહિતના દુષણને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે પોલીસે ફક્ત સ્ટાફનું રજીસ્ટ્રેશનની ખરાઈ કરીને સંતોષ માની લેવાથી કશું નહિ થયાં પણ છટકુ ગોઠવી રેઇડ કરવામાં આવે તો અનેક કાળા કારોબાર પરથી પડદો ઊંચકાઈ શકે છે.
આશરે ત્રણ માસ પૂર્વે પણ વર્લ્ડ સ્પામાં થયો’તો ડખ્ખો
રવિવારે જે સ્પામાં ડખ્ખો થયો હતો તે જ વર્લ્ડ સ્પામાં આશરે 3 માસ પૂર્વે પણ ડખ્ખો થયો હતો. જે બાબતે પોલીસ ફરિયાદ તો થઇ ન હતી પણ સામ-સામે 15-20 લોકોના ટોળા ધસી આવ્યા હતા પરંતુ સદનસીબે આ ડખ્ખો જૂથ અથડામણમાં પરીણમ્યો ણ હતો. ત્યારે આ સ્પામાં પોલીસે બારીકાઇથી ચેકીંગ હાથ ધરી દાખલારૂપ કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.
સ્પા સંચાલક એકથી વધુ વાર દેહ વેપારના કાળા કારોબારમાં ઝડપાઈ ચુક્યો છે!!
વર્લ્ડ સ્પાનો સંચાલક અગાઉ એકથી વધુ વાર દેહ વેપારના કાળા કારોબારમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને હાલ આ શખ્સ બે જેટલાં સ્પાનું સંચાલન કરી રહ્યો છે ત્યારે અંદાજ લગાવી શકાય છે કે, આ બંને સ્પામાં કેવા ગોરખધંધા કરવામાં આવતા હશે.