જયંત ગજજર મ્યુઝીકલ ગ્રુપ અને ચાર પ્લે બેક સિંગર સાથે ખેલૈયાઓ ધુમ મચાવી: રોજ અવનવા ઈનામોની વણઝાર: ૪૦૦૦થી વધુ લોકો બેસી તેવું અદકેરું આયોજન
રાજકોટ શહેરમાં વસતા સમસ્ત ગુર્જર-સુતાર જ્ઞાતિનાં ભાઈઓ-બહેનો માટે નવરાત્રી નિમિતે ૯ દિવસીય અર્વાચીન દાંડિયારાસનું ગુર્જર-સુતાર જ્ઞાતિ દ્વારા જાજરમાન આયોજન સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે કરવામાં આવ્યું છે. ચોથા નોરતે સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં ગુર્જર-સુતાર જ્ઞાતિનાં ભાઈઓ-બહેનોએ દાંડિયાની રમઝટ બોલાવી હતી અને મન મુકીને નાચ્યા હતા. મેદાનમાં એક લાખ સ્કવેર ફુટમાં એક લાખ વોટ સાઉન્ડ સિસ્ટમનાં સથવારે નાઈટ વિઝન સીસીટીવી કેમેરા અને સિકયોરીટી બાઉન્સરની વ્યવસ્થા તેમજ અદ્યતન સુવિધા સાથે ધમાકેદાર આયોજનમાં ખેલૈયાઓ ઝુમી ઉઠયા હતા.
ગુર્જર-સુતાર જ્ઞાતિનાં પ્રમુખ રસિકભાઈ બદ્રકીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્ઞાતિનાં ઉત્સાહી ખેલૈયાઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિનાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જયંત ગજ્જર મ્યુઝીકલ ગ્રુપ તેમજ ચાર પ્લેબેક સિંગર સાથે નવે-નવ દિવસ ખેલૈયાઓ ઝુમી ઉઠવાના છે અને રોજ અવનવા ઈનામોની વણઝાર અને છેલ્લા દિવસે મેગા ફાઈનલમાં પણ એકટીવા, બાઈક સહિતનાં ઈનામો રાખવામાં આવ્યા છે. ૪૦૦૦ થી વધુની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ રાસનું ખુબ જ મોટા લાઈવ સ્ક્રીન દ્વારા પ્રસારણ પણ કરવામાં આવ્યું છે.
આ આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ રસિકભાઈ બદ્રકીયા, કાંતીભાઈ તલસાણીયા, પ્રદિપ કરગથરા, અરવિંદ ત્રેટીયા, ગોરધનભાઈ ચાપાનેરા, કિશોર અંબાસણા, નટુ જાદવાણી, હરીભાઈ સિણરોજા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.