સશસ્ત્ર અથડામણમાં ત્રણ ઘવાયા: 15 સામે નોંધાતો ગુનો: હોસ્પિટલમાં નાસભાગ
રાજકોટ સિવીલ હોસ્પિટલ જંગનું મેદાન બની ગયું હોય તેવા બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. જેમાં ગઈકાલ રાત્રીનાં સમયે ‘એક ફૂલ દો માલી’ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યુવતીના પ્રશ્ર્ને બે જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું છે. જેમાં ત્રણ યુવાનો ઘવાતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને 15 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં મેઈન ગેઈટ પાસે બે જુથ સામસામે આવતા સશસ્ત્ર ધીંગાણુ ખેલાયું હતુ જેથી હોસ્પિટલમાં નાસભાગ મચી ગયો હતો. બનાવ અંગે પ્ર.નગર પોલીસનાં પી.આઈ. એલ.એલ. ચાવડાને થતા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ કૃષ્ણનગરમાં રહેતા સાહીલ શેખના કેટ્રર્સમાં કામ કરતી નેહાને નવાજ માંડકીયા નામનો શખ્સ હેરાન કરતો હતો જે બાબતે બંને વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. જેનું સમાધાન કરવા માટે બંને સિવીલમાં મળ્યા હતા. જયાં વાત બગડતા બંને વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ ખેલાયું હતુ જેથી સાહિલ શેખના મીત્ર જાકીર કુરેશીની ફરિયાદ પરથી પોલીસે નવાજ ઘાંચી, અખતર કાદરી, ઋત્વીક લુવાણા, દિવ્યેશ હેબલ, નવાજ હેમલભાઈ, ઋષી અને મુસ્તાક ઘાંચી વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જયારે નવાજ માંડકીયાએ પણ સાહિલ શેખ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. અને ફરિયાદમાં જણાવ્યું હતુ કે સાહીલ શેખને નેહા સાથે પ્રેમ સંબંધ હતો અને નેહા તેની સાથે છેલ્લા સાત મહિનાથી રહેતી હતી અને નવાજને પણ નેહા સાથે પ્રેમ સંબંધ હતો જે બાબતની સાહીલને જાણ થતા બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. જે મુદે સમાધાન માટે તેઓ સીવીલ હોસ્પિટલમાં મળ્યા હતા. જયાં નવાજ પર સાહિલ શેખ, જાકીર કુરેશી, સલમાન ઉર્ફે ભોલો, ભાવિક હોથી સમીર સીપાઈ, સલુ મકરાણી, ઈમરાન અને શાહરૂખે હુમલો કર્યો હતો. જેથી પોલીસે નવાજની ફરિયાદ પરથી તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જ સીવીલમાં મારામારીનો બનાવ પ્રકાશીત થયો હતો જેમાં મીત્રની ખબર કાઢવા આવેલ બે યુવાનો પર બે મહિલા સહિત ચાર લોકોએ છરી વડે હુમલો કર્યો હતો.