આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને તાત્કાલીક અસરથી ફરજિયાત રજા ઉપર મોકલી દેવાયા બાદ એમ.નાગેશ્વર રાવને વચગાળાના સીબીઆઈ ચીફનો કાર્યભાર સોંપાયો
સીબીઆઈના જોઈન્ટ ડિરેકટર અરૂણકુમાર શર્મા સહિતના અધિકારીઓને તાત્કાલીક નવી પોસ્ટીંગ અપાઈ
દેશની સૌથી મહત્વની તપાસ સંસ્થા સીબીઆઈમાં ઈનફાઈટ ચરમસીમાએ પહોંચી ગઈ છે. સીબીઆઈનો આંતરીક કલહ અદાલત સુધી પહોંચ્યા બાદ હવે રાજકારણ પણ શરૂ થઈ ચૂકયું છે. અગાઉ વડાપ્રધાન કાર્યાલયે સીબીઆઈના ચિફ આલોક વર્મા અને ડેપ્યુટી રાકેશ અસ્થાના વચ્ચેનો મામલો સમાધાનથી શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ વિવાદ જેમ જૂનો થતો જાય છે તેમ વધુને વધુ વકરી રહ્યો છે.
વિગતો અનુસાર સરકારે હવે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે અને તાત્કાલીક અસરથી સીબીઆઈના ચિફ આલોક વર્મા અને ડેપ્યુટી રાકેશ અસ્થાનાને ફરજીયાત રજા પર મોકલી દેવાયા છે.
સીબીઆઈના બન્ને વડાઓને રજા પર ઉતારી દીધા બાદ ટ્રાન્સફરનો દૌર શરૂ કરાઈ ચૂકયો છે. એમ.નાગેશ્વર રાવ હવે સીબીઆઈના ચિફ તરીકે કાર્યભાર સંભાળશે. ડીએસપી સીબીઆઈ એ.કે.બસીની ટ્રાન્સફર પોર્ટ બ્લેયર ખાતે કરવામાં આવી છે. જયારે એડીશ્નલ એસ.પી. સીબીઆઈ એસ.એસ.ગુમનું ટ્રાન્સફર જબલપુર થયું છે.
આ ઉપરાંત ડીઆઈજી મનીષકુમાર સિન્હા, ડીઅાઈજી તરૂણ ગોબા, ડીઆઈજી જસ્બીરસિંહ, ડીઆઈજી અનીષ પ્રસાદ, ડીઆઈજી કે.આર.ચોરસીયા તથા એસ.પી.સતીષ ડાંગરનું પણ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આમાથી મોટાભાગના અધિકારીઓ સીબીઆઈના રાકેશ અસ્થાના સામેના કેસની તપાસ કરી રહ્યાં હતા.
આ ઉપરાંત સીબીઆઈના જોઈન્ટ ડિરેકટર (પોલીસી) અરૂણકુમાર શર્મા, એ.આઈ.મનોહર તથા ડીઆઈજી અમીતકુમારને તાત્કાલીક પ્રભાવથી નવા પોસ્ટીંગ પર મોકલી દેવાયા છે. બીજી તરફ અધિકારીઓની ઓફિસો સીલ કરવા મામલે સીબીઆઈએ ખંડન કર્યું છે અને આવું કંઈ કરવાનું ન આવ્યું હોવાનો દાવો પણ કર્યો છે. હવે સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાના મામલે તપાસ સીબીઆઈ ડીઆઈજી તરૂણ ગોબા, એસ.પી.સતીષ ડાંગર અને જોઈન્ટ ડિરેકટર વી.મુરુગુસન કરશે.
સીબીઆઈની ઈનફાઈટથી માલ્યાને લાભ થશે ?
સીબીઆઈના બે દિગ્ગજ અધિકારીઓ વચ્ચેની ઈનફાઈટના કારણે હજારો કરોડનું ફુલેકુ ફેરવી ચૂકેલા વિજય માલ્યાને લાભ થઈ શકે તેમ છે. સીબીઆઈના સ્પેશ્યલ ડિરેકટર રાકેશ અસ્થાના અત્યાર સુધી વિજય માલ્યાના કેસની તપાસ કરતા હતા. હવે વિજય માલ્યા યુકેની કોર્ટમાં એવો દાવો કરી શકે કે જેઓ મારી તપાસ કરતા હતા તેમની સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે અને તેમની જ સંસ્થા તેમની સામે તપાસ કરી રહી છે. પરિણામે આ મામલે ગુંચવણો થશે તેવી શકયતા છે.
આલોક વર્મા સુપ્રીમ કોર્ટના દ્વારેફરજીયાત રજા ઉપર ઉતારી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે આલોક વર્મા વડી અદાલતમાં પહોચ્યા છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયાધીશ એસ.કે.કોલ અને ન્યાયાધીશ કે.એમ.જોશેફની ખંડપીઠે આ મામલો હાથમાં લીધો છે. સીબીઆઈના નિર્દેશક વર્માએ સંયુકત નિર્દેશક એમ.નાગેશ્વર રાવની તપાસ સંસ્થામાં પ્રમુખ પદે નિયુક્તિના નિર્ણયને પણ પડકાર્યો છે.
સીબીઆઈની છબી ખરડતી બચાવવા અધિકારીઓને હટાવવા જરૂરી હતા: જેટલી
સીબીઆઈના વડાને હટાવવાનો બચાવ કેન્દ્ર સરકારે કર્યો છે. મંત્રી અરૂણ જેટલીએ કહ્યું છે કે, દેશની સૌથી મોટી તપાસ સંસ્થાની ખરડાતી છબી બચાવવા માટે આવો નિર્ણય લેવો જરૂરી હતો. સીવીસીની ભલામણ બાદ કેન્દ્ર સરકારે અધિકારીઓને હટાવવાનો નિર્ણય લીધો છે.
સીસીબીઆઈની છબી પ્રમાણીત રાખવા આ જરૂરી હતું. અધિકારી નિર્દોષ હશે તો તેમને ફરીથી સીબીઆઈમાં લેવામાં આવશે. જેટલીએ વિરોધ પક્ષોના આક્ષેપોનું ખંડન કર્યું હતું. સીબીઆઈમાં હાલ ખુબજ વિચિત્ર અને કમનસીબી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હોવાનું અરૂણ જેટલીએ કહ્યું હતું. અધિકારીઓ એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યાં છે ત્યારે બન્નેની તપાસ કોણ કરશે તે અંગે પણ પ્રશ્ન ઉભા થયા છે. સીબીઆઈ એકટની સેકશન ૪૧ હેઠળ હવે સીવીસી તપાસ કરી શકશે.
૧૫૦ મહિલા ટ્રાફિક બ્રિગેડની સ્વયંસેવક તરીકે રવિવારે ભરતી
રાજકોટ ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા તા. ર૮-૧૦ ના રોજ પોલીસ હેડ કવાટર ખાતે ૧પ૦ જેટલી મહીલા ટ્રાફીક બ્રિગેડઝની પસંદગી કરવાનો નિર્ણય ટ્રસ્ટની તાજેતરમાં મળેલ મીટીંગમાં લેવામાં આવ્યોહતો.આ પસંદગી માટે ઉમેદવાર ની વય ૧૮ થી ૩પ વર્ષ ૯ પાસ સ્ત્રી તેમજ તેમજ ઉંચાઇ પ ફુટ ર ઇંચથી વધુ ઉંચાઇ ના સપ્રમાણ વજન ધરાવતા શારીરીક રીતે સક્ષમ રાજકોટ શહેરના રહીશ, તેમજ જેમના વિરુઘ્ધ કોઇ ગુન્હો નોંધાયેલ ન હોય તેવા ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં સામેલ થઇ શકશે અને પસંદગી ને પાત્ર કરાશે.
આ પસંદગી સમીતીના અઘ્યક્ષ તરીકે ડી.એમ. વાઘેલા, અતુલ સઘવી, વિજય પારેખ, નીતીન ભગદેવ, જયેશ ઉ૫ાઘ્યાય વગેરે એક સમીતી બનાવવામાં આવી છે.આ અંગેના જરુરી ફોર્મ તેમજ અન્ય વિગત માટે રાજકોટ શહેર ટ્રાફીક શાખા જામટાવર ખાતે સંપર્ક સાધવો તેમ ટ્રસ્ટના ઉપ-પ્રમુખ જયેશ ઉ૫ાઘ્યાય તથા જીસીપી સિઘ્ધાર્થ ખત્રી ની યાદીમાં જણાવાયું છે.