31000 દિવડાંઓનો દીપોત્સવ
અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ ખાતે મંદિર નિર્માણના પ્રારંભ સમારોહમાં મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ
શતચંડી મહાયજ્ઞ અને 31000 દિવડાંના દિપોત્સવ સાથે મંદિર નિર્માણનો શુભારંભ: 2025 સુધીમાં વિશ્વના સૌથી ઉંચા વિશ્વ ઉમિયાધામનું નિર્માણ સંપન્ન થશે
જગત જનની માં ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવાં વિશ્વના સૌથી ઉંચા 504 ફૂટ માં ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ સોમવારે શતચંડી મહાયજ્ઞ, 31000 દિવડાંના દિપોત્સવ, શોભાયાત્રા અને વ્યસનમુક્તિ બાઇકરેલીના આયોજન સાથે શુભારંભ થયો હતો. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ સહિત સંતો અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિશ્વના સૌથી ઉંચામાં ઉમિયાના મંદિર- વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કાર્ય 2025 સુધીમાં સંપન્ન થઇ જશે. જાશપુર અમદાવાદ ખાતે નિર્માણધિન જગત જનની માં ઉમિયાના મંદિરની આકૃતિના આકારમાં 31000 દિવડાં પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દિપોત્સવની ઉજવણી કરાઇ હતી. વિશેષરૂપે દિપોત્સવમાં 300 થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમા સેવીકા બહેનોએ 31000 દિવડાં પ્રગટાવ્યા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજના સહકારના સથવારે પ્રગતિના સોપાન સર કરવાનો ભાવ કેળવવાનું આહવાન કરતાં તેઓએ વધુમાં કહ્યું હતું કે આપણે જીતવાનું લક્ષ્ય ચોક્કસ રાખવું જોઇએ, પરંતુ તેમાં કોઇને હરાવવાનો ભાવ ન હોવો જોઇએ. સમાજના ઉત્તમકાર્ય સહકારની ભાવનાથી જ સાકાર થાય છે. મુખ્યમંત્રીએ પાટીદાર સમાજે શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રે નેત્રદિપક કામગીરીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ ક્ષેત્રોમાં પાટીદાર સમાજે કરેલી કામગીરી અન્ય સમાજ માટે પ્રેરણારૂપ છે.
100 થી વધુ યજમાન પરિવારોએ શતચંડી મહાયજ્ઞનો લાભ લીધો હતો. જેમાં મુખ્ય યજમાન પરિવારનો લાભ વિશ્વ ઉમિયાધામના લક્ષ્મીદાતા પટેલ પરિવાર (ગોરેગાંવ), મુંબઇ વતી પંકજભાઇ જોઇતારામ પટેલ પરિવારે લીધો હતો. આ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, રજનીભાઇ પટેલ, મંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદિપભાઇ પરમાર, ઋષીકેશભાઇ પટેલ, વિનોદભાઇ મોરડીયા, સૌરભભાઇ પટેલ, સાંસદ હસમુખભાઇ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.