દિલ્હીથી ફ્રેન્કફર્ટની ફલાઈટમાં ૨૦ હજાર ફુટે કેબિનમાં હવાનું દબાણ ઘટતા પ્લેનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાયું
દિલ્હીથી ફ્રેન્કફર્ટ જનારી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકઓફની થોડી જ ક્ષણો બાદ અચાનક વાયુનું દબાણ ઘટતા ૨૦ હજાર ફુટની ઉંચાઈએ ૨૨૦ મુસાફરોને ગભરામણ થતા જીવ અઘ્ધરતાલ થયા હતા. એર ઈન્ડિયાની બોઈંગ નંબર ૭૮૭ની ફલાઈટ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી ટેકઓફ થઈ હતી જયારે ફલાઈટ ૨૦ હજાર ફુટની ઉંચાઈએ પહોંચ્યું તે દરમિયાન કેબિનમાં રહેલા ૨૨૦ મુસાફરોને હવાનું દબાણ ઘટતા જ ગભરામણ મહેસુસ થવા લાગી જોકે એઆઈ-૧૨૧ ફલાઈટના પાયલોટ રાજસ્થાન એર સ્પેસથી પરત આવી દિલ્હીમાં ૪ વાગ્યાની આસપાસ ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં સફળ રહ્યા હતા. હવાનું દબાણ ઘટતા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી એ સમયે તાત્કાલિક ધોરણે તેમને ઓકિસજન માસની સુવિધા ઉપલબ્ધ કરાવાતા કોઈ જાનહાની થઈ ન હતી.