અનસોર્ટેડ હીરાની આયાત પર જીએસટી ૩ ટકાથી ઘટાડીને ૦.૨૫ ટકા કરાતાં રાહત
૯ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં હીરા ઉદ્યોગની સૌથી મોટી સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું હતું અને અનસોર્ટેડ રફ હીરા પરની આયાત ડ્યૂટી ઘટાડીને ૦.૨૫ ટકા કરવામાં આવી હતી. માત્ર એક કેટેગરીના હીરા પરની અલગ ડ્યૂટીના કારણે સમગ્ર ઉદ્યોગમાં ગૂંચવણ સર્જાઈ હતી તેના કારણે ઉદ્યોગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ અંગે વિગતવાર રજૂઆત કરી હતી.
સરકારે બે કેટેગરીમાં ૦.૨૫ ટકા ટેક્સ રાખ્યો હતો પરંતુ અનસોર્ટેડ રફ હીરાની આયાતમાં ૩ ટકાના દરે ટેક્સ લાગુ કરી દેતાં ઉદ્યોગમાં ગૂંચવણ જોવા મળી રહી હતી અને સુરત ડાયમન્ડ એસોસિયેશને તથા જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) સહિતના સંગઠનોએ તમામ પ્રકારના હીરામાં ૦.૨૫ ટકાના દરે જીએસટી ગણવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.
ઉદ્યોગનાં સૂત્રોના જણાવ્યા મુજબ કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કિમ (કેપીસીએસ)માં રફ હીરાની ત્રણ કેટેગરીને હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ (એચએસ)ના કોડ ૭૧૦૨.૧૦, ૭૧૦૨.૨૧ અને ૭૧૦૨.૩૧માં ક્લાસિફાઇ કરી છે. જોકે, જીએસટી શિડ્યુલમાં ૭૧૦૨.૧૦ અનસોર્ટેડ રફ ડાયમન્ડ માટે નવું ક્લાસિફિકેશન આપીને તેના પર ૩ ટકા જીએસટી રેટ લાગુ કર્યો હતો જ્યારે બાકીની બે કેટેગરીમાં ૦.૨૫ ટકા રેટ રાખ્યો હતો. સુરત ડાયમન્ડ એસોના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે અગાઉ રફ હીરાની આયાત પર કોઈ પ્રકારની ડ્યૂટી નહોતી અને સરકારે ૦.૨૫ ટકા જીએસટી લાગુ કર્યો તેની સામે પણ અમે વિરોધ કર્યો નહોતો પરંતુ આ પ્રકારે માત્ર એક કેટેગરીના રફ ડાયમન્ડ પર અલગ દર હોવાના કારણે કસ્ટમ્સમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે મોટી ડાયમન્ડ કંપનીઓ દ્વારા જે રફ ડાયમન્ડ વેચવામાં આવે છે તે સોર્ટેડ હીરા હોય છે, જ્યારે નાના કારખાના માલિકો અને વેપારીઓ સીધા જ દુબઈ, એન્ટવર્પ અને દક્ષિણ આફ્રિકાથી જે ઇન્ડસ્ટ્રિયલ, જેમ્સની નજીકના અને જેમ ક્વોલિટી હીરા આયાત કરે છે તે અનસોર્ટેડ હોય છે. તેથી અનસોર્ટેડ રફ ડાયમન્ડ પરના ૩ ટકા જીએસટીની સૌથી વિપરીત અસર આ નાની કંપનીઓ પર પડવાની ભીતિ હતી.