ખંભાળીયાથી સુરત કતલખાને લઇ જવાતી આઠ ભેંસનો જીવ બચાવ્યો: ગુનો નોંધવામાં પોલીસની આનાકાનીથી જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા: મોડીરાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરાયા બાદ ગુનો નોંધ્યો
શહેરના માધાપર ચોકડી પાસેથી ભેસોને કતલખાને લઇ જઇ રહેલા ટ્રકને જીવદયા પ્રેમીઓએ ઝડપી પોલીસ હવાલે કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધવામાં આનાકાની કરી જીવદયા પ્રેમીઓને વિના કારણે પરેશાન કરતા હોવાથી જીવદયા પ્રેમીઓનું ટોળુ મોડીરાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના નિવાસ સ્થાને ઘસી જતાં ટ્રક ચાલક અને ક્લિનર સામે ગુનો નોંધવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જીવ દયા પ્રેમીઓએ આઠ ભેસનો જીવ બચાવી પાંજરાપોળ હવાલે કરાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ એસટી વર્કસ સોપ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં વિર નર્મદ ટાઉનશીપમાં રહેતા ઉમેશ કિરીટભાઇ વાજાને જી.જે.૩૭ટી. ૪૫૮૮ નંબરના આઇસર ટ્રકમાં આઠ જેટલી ભેસને કતલખાને લઇ જવાતી હોવાની માહિતી મળતા તેઓએ પોતાની સાથે જોડાયેલા જીવદયા પ્રેમી પરેશભાઇ ધોફળ, ધવલભાઇ જરીયા, ભરતભાઇ, અલ્પેશભાઇ અને રવિરાજસિંહ માધાપર ચોકડી પાસે મોડીરાતે વોચ ગોઠવી ભેસના જીવ બચાવવા પહોચી ગયા હતા.
દરમિયાન જી.જે.૩૭ટી. ૪૫૮૮ નંબરનો ટ્રક ત્યાં આવતા ટ્રકમાં આઠ ભેસને ટૂંક દોરડાથી બાંધી ટ્રકમાં પુશને પીવાના પાણીની કે ઘાસની વ્યવસ્થા કર્યા વિના ક્રુરતાથી ખીચોખીચ ભરેલા હોવાનું જણાવતા ટ્રકને ગાંધીગ્રામ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામના ટ્રક ચાલક સવદાસ રણમલ ભોતીયા અને ધના રામા ભોતીયા સામે કાયદેસર કાર્યવાહી કરવાની આનાકાની કરી બંને સામે પોલીસ સ્ટાફે કુણું વલણ દાખવી જીવદયા પ્રેમીઓ સાથે વિના કારણે ઘર્ષણમાં આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફની વર્તુણ અંગે મોડીરાતે જીવદાયા પ્રેમીઓ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના નિવાસ સ્થાને ઘસી ગયા હતા. જીવદયા પ્રેમીઓની રજૂઆત બાદ ગાંધીગ્રામ પોલીસે ટ્રક ચાલક અને ક્લિનર સામે પશુઘાતકીપણા અંગેનો ગુનો નોંધી ટ્રક કબ્જે કર્યો હતો. બંનેની પૂછપરછ દરમિયાન તેઓએ જામખંભાળીયાથી આઠ ભેસને ટ્રકમાં સુરત કતલખાને લઇ જતા હોવાનું બહાર આવતા બંને સામે કાયદેસર કાર્યવાહી કરી ભેસને પાંજરાપોળમાં મોકલી દીધી છે.