જિલ્લામાં નોંધણી થયેલા ૨૭૦૦૦ પૈકી ૯૩૯ ખેડુતો પાસેથી ૧૯૦૦૦ કવીન્ટલ મગફળીની ખરીદી: રાજયમાં કુલ ૯૩,૦૦૦ કવીન્ટલ મગફળી ખરીદાઈ.
રાજયભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. જેમાં ૧૯,૦૦૦ કવીન્ટલની ખરીદી સાથે રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. રાજકોટ જિલ્લામાં નોંધણી થયેલા ૨૭,૦૦૦ પૈકી અત્યાર સુધીમાં ૯૩૯ ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા સહિત રાજયભરના ૧૨૨ કેન્દ્રો ખાતે ગત તા.૧૫થી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તા.૧ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ હતી. ગઈકાલ સુધીમાં રાજકોટ જીલ્લામાં કુલ ૨૭ હજાર ખેડુતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વહેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગઈકાલ સુધીમાં રાજકોટ જિલ્લાના કેન્દ્રો ખાતે રજીસ્ટ્રેશન થયેલા ૨૭,૦૦૦ પૈકી ૯૩૯ ખેડુતો પાસેથી ૧૯,૦૦૦ કવીન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.
આ રીતે ગુજરાત રાજયમાં અત્યાર સુધીમાં ૪૫૩૫ ખેડુતો પાસેથી ૯૩,૦૦૦ કવીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જયારે આ ખરીદીમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મગફળી ટેકાના ભાવે વહેંચવા માટે ખેડુતો ૩૦મી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત રજીસ્ટ્રેશન બાદ તેઓ ૩ મહિના સુધી પોતાની મગફળી નિયત કરાયેલા સ્થળે જઈને વહેંચી શકશે.