ઘોડા વછૂટી ગયા બાદ તબેલે તાળા જેવા ઘાટ વચ્ચે ગેરકાયદે બાંધકામ કરનાર ૭૦ આસમીઓને નોટિસ
ગેરકાયદે બાંધકામોની નગરી તરીકે જાણીતા મોરબી શહેરમાં કોમન જીડીસીઆર લાગુ પડ્યા બાદ અંતે પાલિકાનું તંત્ર જાગ્યું છે અને ગેરકાયદે બાંધકામ કરનારા ૭૦ અસામીઓને ધડાધડ નોટિસ ફટકારતા ખાસ કરીને બિલ્ડર લોબીમાં ફફડાટ મચી જવા પામ્યો છે.મોરબી શહેરમાં બાંધકામ પરવાનગી કે કામ્પલિશન સર્ટિફિકેટ લેવા જેવી કાયદાકીય જોગવાઈનો ઉલળીયો કરી કમાઈ લેવાની ગણતરી સાથે વર્ષોથી બિલ્ડરો દ્વારા નિયમભંગ કરાતો આવ્યો છે એ સંજોગોમાં નવા જીડીસીઆરના અમલ અને રેરા કાયદાનું અસ્તિત્વ અમલમાં આવતા મોરબી વિસ્તારમા પાલિકાએ મંજુરી વિનાના બાંધકામ સામે લાલ આંખ કરી છે.
મોરબી પાલિકાના સતાધીશો દ્વારા વિવિધ વિસ્તારમાં ચાલતા ૭૦ બાંધકામ કરનારા આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા કોમન જીડીસીઆર લાગુ કર્યા બાદ બાંધકામ મંજુરી ઓનલાઈન કરી સરળ બનાવવામાં આવી છે તેમજ રેરાના અમલીકરણ બાદ બાંધકામ મંજુરી ફરજીયાત હોવા છતાં બિલ્ડરો પોતાની મનમાની ચલાવતા હોય છે ત્યારે મંજુરી વિના બાંધકામ રોકવા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા ત્રણ ટીમો બનાવી નિયમિત ચેકિંગ શરૂ કરાવવામાં આવ્યુ છે. જે અન્વયે પાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો અને ૭૦ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.
બાંધકામ મંજુરી નહિ લેનાર આસામીઓને નોટીસ ફટકારી ત્રણ દિવસમાં નિયમ મુજબ બાંધકામ પરવાનગી લેવા તાકીદ કરવામાં આવી હતી આમ છતાં પણ જો મંજુરી લેવામાં નહિ આવે તો ત્રણ દિવસ બાદ મિલકત સીઝ કરવામાં આવશે તેમ પણ ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું.