પ્રમોલગેશનમાં બેદરકારી દાખવનાર માપણી એજન્સીના પેમેન્ટ અટકાવાયા: કડક પગલા ભરાશે
સમગ્ર રાજયમાં આઝાદી બાદ પ્રથમ વખત જ હાથ ધરાયેલી તસુ એ તસુ જમીનની ફેરમાપણી અને પ્રમોલગેશનની કાર્યવાહીમાં ખાનગી એજન્સીએ કરેલા ગરબડ ગોટાળાના કારણે ગામે-ગામથી વિરોધ વંટોળ ઉઠતા અંતે રાજય સરકાર દ્વારા રી-સર્વેની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે અને ગોટાળા કરનાર જમીન માપણી એજન્સીના પેમેન્ટ અટકાવી દઈ કડક પગલા ભરવામાં આવી રહ્યા હોવાનું મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે કેબિનેટ બેઠક બાદ સતાવાર રીતે જાહેર કર્યું હતું.
ગઈકાલે મળેલી કેબિનેટની બેઠક બાદ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જમીન રી-સર્વે અને પ્રમોલગેશનમાં થયેલી ભુલોની વ્યાપક ફરિયાદો બાદ ૬ હજાર ગામોમાં કરાયેલો રી-સર્વે સ્થગિત કરવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જમીન રી-સર્વેમાં રહેલી ક્ષતિઓના કારણે ગામે-ગામથી વિરોધ ઉઠયો હતો અને સરકાર સુધી ધારાસભ્ય અને અગ્રણીઓની અનેક ફરિયાદો પહોંચી હતી.
વધુમાં મહેસુલ મંત્રીએ ઉમેર્યું હતું કે, જમીન રી-સર્વે કાર્યવાહી અંતર્ગત અત્યાર સુધીમાં જે ૬ હજાર ગામોમાં રી-સર્વે પૂર્ણ કરાયો હતો તેવા ગામોમાં એન્ટ્રી પડતી ન હતી પરંતુ હવે આ રી-સર્વે સ્થગિત કરી દેવામાં આવતા ખેડુતોની મુશ્કેલી દુર થશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, રી-સર્વેની કામગીરીમાં ક્ષતિઓ કરનાર જુદી-જુદી એજન્સીઓના પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યા છે અને આવી એજન્સીઓ વિરુઘ્ધ કડક પગલા ભરવામાં આવનાર હોવાનું પણ તેઓએ સતાવાર રીતે જાહેર કર્યું હતું.
બિનખેતી પ્રક્રિયા ઓનલાઈન બનાવતી રૂપાણી સરકાર
રાજય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હવેથી રાજયમાં બિનખેતીની પ્રક્રિયા સરળ બનાવી ઓનલાઈન કરી દેવામાં આવી હોવાનો સતાવાર પરીપત્ર જારી કર્યો છે. અત્યારસુધી બિનખેતી પ્રક્રિયા માટે ૯૦ દિવસથી લઈ બે કે ત્રણ વર્ષ સુધીનો સમયગાળો વ્યતિત થતો હતો. જેને પગલે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ તમામ રેવન્યુ રેકોર્ડનું ડિજિટલાઈઝેશન કરી બિનખેતી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે ઓનલાઈન એન.એ. મંજુરી આપવા નિર્ણય કર્યો છે.