સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળી સિન્ડીકેટ ૫ એકરના નિયમના ઓઠા નીચે કામદાર કોલેજની અંતે મંજૂરી ફરી એક વખત રદ્દ કરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાઈકોર્ટના આદેશને પગલે આજરોજ સિન્ડીકેટની સરપ્રાઈઝ બેઠક મળી હતી. તેમાં માત્ર કામદાર સાયન્સ કોલેજની માન્યતાના વિવાદને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકારી કુલપતિની ડો.નિલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ફરી એક વખત ૫ એકરના નિયમના ઓઠા હેઠળ કામદાર કોલેજની અંતે મંજૂરી ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રદ્દ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કામદાર સાયન્સ કોલેજે બી.એસ.સી.નો પ્રથમ વર્ગ શરૂ કરવા માટે બે વર્ષ અગાઉ જોડાણ માટેની મંજૂરી માંગી હતી. જો કે, તે સમયના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે કામદાર કોલેજના વર્ગો શરૂ કરવા માટે મંજૂરી આપી ન હતી.
ત્યારબાદ કામદાર કોલેજ સામેથી જ હાઈકોર્ટ પાસે એલ.આઈ.સી. નીમવાની અરજી કરી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એલ.આઈ.સી. તો નિમવામાં આવી પરંતુ રીપોર્ટ અનુસાર ૫ એકર જગ્યા ન હોય તો કોલેજને માન્યતા મળી શકે નહીં જો કે રિપોર્ટ આવ્યા બાદ કામદાર કોલેજ બીજીવાર હાઈકોર્ટમાં રીવ્યુ માંગી. હાઈકોર્ટના આદેશને પગલે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તત્કાલીન સિન્ડીકેટની બેઠક બોલાવી પડી. જો કે આજની આ સિન્ડીકેટ બેઠકમાં ધંધાદારી સિન્ડીકેટ સભ્યોની કોલેજને આંચ ન આવે તે માટે નવી સાયન્સની કોલેજ માન્યતા રદ્દ કરવાના નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિના જણાવ્યા અનુસાર આજે સિન્ડીકેટ સભ્યોની બેઠક મળી હતી. જેમાં કામદાર સાયન્સ કોલેજ શરૂ કરવાની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ ૫ એકર જગ્યા સહિતના નિયમો ખુટતા હોવાને કારણે સર્વાનુમતે કામદાર કોલેજને મંજૂરી ન આપવાનો નિર્ણય કરાયો છે. આ રિપોર્ટ હાઈકોર્ટને મોકલવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અનેક કોલેજો પાસે ની ૫ એકર જમીન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામદાર કોલેજના નવા જોડાણ અંગે સિન્ડીકેટની તાબડતોબ બેઠક બોલાવવામાં આવી હતી. જો કે ૫ એકર જગ્યા ન હોવાને કારણે કામદાર કોલેજના બી.એસ.સી.ના વર્ગોને મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ અહીં પવન એ ઉભો થાય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અનેક કોલેજો એવી છે કે, જેમની પાસે ૫ એકર જમીન ન હોય તો પણ કોલેજો ધમધમી રહી છે. સમગ્ર મામલે એવું સામે આવી રહ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેનામાં વજન વધારે કે જેનું વજન વધારે તે વાત ફલિત થઈ રહી છે.