ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારત જીતથી માત્ર 2 વિકેટ જ દૂર છે. ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 વિકેટ ગુમાવી 258 રન બનાવ્યાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન કમિન્સે માર્યા છે. કમિન્સે 61 રન પૂરાં કર્યાં છે અને હજુ તે ક્રિઝ પર છે. બીજી ઈનિંગમાં જાડેજાને ફાળે 3 વિકેટ જ્યારે બુમરાહ અને શમીને ફાળે 2-2 વિકેટ આવી છે. તો ઈશાંત શર્મા પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ભારતે 399 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજા ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે સારી શરૂઆત કરી હતી. મયંક અગ્રવાલ અને રૂષભ પંતે છઠ્ઠી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી. ત્રીજા દિવસની રમત પૂરી થતાં સુધીમાં ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાને 54 રન હતો. ચોથા દિવસે મયંક અને પંતે વધુ 29 રન જોડ્યાં. આ દરમિયાન મયંક નાથન લિયોનની ઓવરમાં બે છગ્ગા પણ માર્યાં, પરંતુ બીજી ઈનિંગમાં 50 રન બનાવતા ચુકી ગયો. તે જ્યારે આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 83 રન હતો. મયંકના આઉટ થયા બાદ ટીમના ખાતામાં 17 રન જ જોડાયાં હતા કે રવિન્દ્ર જાડેજા પણ પેવેલિયન પરત ફર્યો. જે બાદ વધુ 6 રન જોડાયા અને પંત પણ ટિમ પેનના હાથે કેચઆઉટ થયો. તે સમયે ભારતનો સ્કોર 106 રન હતો.
રૂષભના આઉટ થતાં જ કેપ્ટન વિરાટ કોહલીએ ઈનિંગ ડિકલેર કરી હતી. આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી પૈટ કમિન્સ 27 રન આપીને સૌથી વધુ 6 વિકેટ ઝડપી, જે તેની કારકિર્દીનો બેસ્ટ પણ છે. જોશ હેઝલવુડ બે ખેલાડીઓને પેવેલિયન પરત મોકલવામાં સફળ રહ્યાં.