૩૯ કોલેજોમાં ૧૦ ટકા બેઠકો પણ ભરાઈ નથી ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને કોલેજ મળી છતાં પ્રવેશ લેવા તૈયાર નથી
ડિગ્રી એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે હાલમાં ચાલી રહેલી કાર્યવાહી સમિતિ દ્વારા ૩૧ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ફાળવણી કરવામાં આવી હતી. જોકે પ્રથમ રાઉન્ડના અંતે એન્જીનિયરીંગમાં ૬૪ ટકા જેટલી બેઠકો ખાલી પડેલી જોવા મળી રહી છે. જેમાં ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ તો એવા છે કે જેઓને પ્રવેશ મળ્યા પછી પણ ક્ન્ફર્મ કરવાની તસ્દી લીધી નથી.
ડિગ્રી એન્જીનિયરીંગમાં પ્રથમ રાઉન્ડમાં કુલ ૩૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જેમાં ફાળવણી બાદ ૨૩,૪૮૮ બેઠકો ખાલી પડી હોવાની વિગતો બહાર આવી હતી.
આજે પહેલા રાઉન્ડમાં ફી ભરીને રીપોર્ટીંગ કરવાની સમય મર્યાદા પુરી થઈ ચુકી છે ત્યારે અત્યારસુધીમાં માત્ર ૨૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરીને પોતાનો પ્રવેશ મેળવી લીધો છે. જેમાં સરકારી કોલેજોની ૧૦,૭૭૭ અને સ્વનિર્ભર કોલેજોની ૪૪૫૪૫ બેઠકોનો સમાવેશ કરાયો હતો.
જોકે કુલ ૫૫ હજારમાંથી પણ માત્ર ૨૦ હજાર બેઠકો ભરાતા ખાલી બેઠકોનો આંકડો ૩૫ હજાર સુધી પહોંચી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પ્રથમ રાઉન્ડમાં જ આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડવાના કારણે હવે રિશફલિંગ રાઉન્ડમાં પણ આ આંકડો સતત વધે તેવી શકયતા છે. આમ ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ જેમને કોલેજ મળી છે પરંતુ પ્રવેશ લેવા તૈયાર નથી.