ભ્રષ્ટાચાર કેસમાં નવાઝ શરીફ, પુત્રી મરીયમ અને જમાઈને સજામાંથી મળી મુકિત
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેની પુત્રીને સજામાંથી મુકત કરાયા છે. પાક. અદાલતે નવાઝ શરીફ અને તેમની પુત્રી અને જમાઈને જેલમાંથી મુકત કરવાનો આદેશ આપ્યો છે. લંડનમાં અપસ્કેલ એપાર્ટમેન્ટની ખરીદીના મામલે જુલાઈમાં તેમને જેલની સજા ફટકારવામાં આવી હતી. ત્રણેયને ગત ૧૩ જુલાઈએ રાવલપડીની અદિયાલા જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.
ત્રણવાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનેલા શરીફ, મરીયમ અને સફદરને પોતાની સજાને હાઈકોર્ટમાં પડકારી હતી. કોર્ટની બે સદસ્યપીઠે પોતાના ચુકાદામાં કહ્યું, ‘અરજદારોને અદાલત દ્વારા અપાયેલી સજા તેમની અપીલ પર અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે.
આ ચુકાદાની સુનવણી વખતે શરીફનો ભાઈ શાહબાજ સહિત પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના મોટા નેતાઓ પણ હાજર હતા.ચુકાદા બાદ કોર્ટ પરીસરની બહાર એકઠા થયેલા શરીફના સમર્થકો અને પૂર્વ વિદેશ મંત્રી ખ્વાઝા આસિફે કહ્યું, હવે અમને ઈન્સાફ મળ્યો છે હું નવાઝ શરીફના સમર્થકોને શુભેચ્છા પાઠવું છું. આ દરમિયાન શરીફના સમર્થકોએ ચુકાદાને લઈ ઉજવણી કરી.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય જવાબદેહી બ્યુરોની કોર્ટે ગત ૬ જુલાઈએ લંડનના પોશ વિસ્તાર અવેનફીલ્ડમાં ચાર લકઝરી ફલેટ ખરીદવાના મામલે શરીફને દસ વર્ષની મરીયમને સાત વર્ષની અને શરીફના જમાઈ સફદરને એક વર્ષની સજા ફટકારી હતી અને ત્રણેય પાસેથી દંડ પણ વસુલવામાં આવ્યો હતો.
તો બીજી તરફ પનામા પેપર મામલે સુપ્રીમ કોર્ટે ગત વર્ષ જુલાઈમાં ૬૮ વર્ષીય શરીફને સવૈધાનિકપદ માટે અયોગ્ય ઠેરવ્યા હતા. જેના કારણે પ્રધાનમંત્રી પદથી તેમને રાજીનામું આપવુ પડયું હતું.નીચલી કોર્ટે એનએબીએ શરીફ અને તેના પરીવાર સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો.
એનએબીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણ કેસ દાખલ કર્યા હતા. જેમાં એકનો ચુકાદો આવી ગયો છે. જયારે અજીજીયા સ્ટીલ મિલ્સ અને હિલમેટલ કંપની સાથે જોડાયેલો ભ્રષ્ટાચારના કેસનો ચુકાદો હજુ આવ્યો નથી.