લોકોના આરોગ્ય ઉપર જોખમી ફિકસ ડોઝ કોમ્બીનેશન ધરાવતી દવાઓ ઉપર પ્રતિબંધ મુકાતા ૬ હજાર બ્રાન્ડને માઠી અસર
કેન્દ્ર સરકારે પેઈનકિલર સેરેડોન, સ્કીન ક્રિમ પેન્ડેર્મ તેમજ ડાયાબીટીસમાં ઉપયોગમાં લેવાતી ગ્લુકોનોર્મ પીજી સહિતની ફિકસ ડોઝ કોમ્બીનેશન ધરાવતી ૩૨૮ દવાઓ ઉપર પ્રતિબંધ મુકયો છે. આ દવાઓનું ઉત્પાદન તેમજ વેચાણ ઉપર રોક લગાવી દેવાયો છે.
અત્યાર સુધી આવી દવાઓનો તાત્કાલિક આરામ મેળવવા માટે ઉપયોગ થઈ રહ્યો હતો. કેટલીક દવાઓ માથાઓના દુખાવા, શરદી, ઉધરસ, ઝાડા અને પેટમાં દુખાવા જેવી બિમારીઓમાં તાત્કાલિક રાહત માટે લેવાતી હતી. જોકે આવી દવાઓ ખતરનાક હોવાથી ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. હવે ભારત સરકારે દવાઓ ઉપર રોક લગાવી છે.
સરકારે પ્રતિબંધિત કરેલી દવાઓમાં એન્ટીબાયોટીકસ, પેનકિલર અને સુગર તથા હૃદયના રોગમાં ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી ૬ હજાર જેટલી બ્રાન્ડને અસર થશે તેવું માનવામાં આવી રહ્યું છે. અગાઉ વર્ષ ૨૦૧૬માં કેન્દ્ર સરકારે ફિકસ ડોઝ કોમ્બીનેશનવાળી ૩૪૪ દવાઓ ઉપર પ્રતિબંધ મુકયો હતો.
ત્યારબાદ આવી દવાઓના ઉત્પાદકોએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેથી વડી અદાલતે તા.૧૫ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડને આવી દવાઓની સમીક્ષા કરવા કહ્યું હતું. જેના રીપોર્ટ પરથી જાણવા મળ્યું હતું કે, ૩૨૮ એવી દવાઓ છે જેમાં વપરાતા પદાર્થ લોકો માટે ઘાતક નિવડી શકે છે અને આવી દવાઓ ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી છે.
ફિકસ ડોઝ કોમ્બીનેશન એવા પ્રકારની દવાઓ છે જેમાં વધુ પ્રમાણમાં દવાઓનું મિશ્રણ કરવામાં આવે છે આ વાત અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અનેક વખત આ મામલે સવાલો ઉઠી ચુકયા છે. અમેરિકા, જાપાન, ફ્રાંસ, જર્મની અને બ્રિટન સહિતના ઘણા દેશોમાં આ પ્રકારની દવાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં હજુ આવી દવાઓનું વેચાણ થાય છે જોકે એકમાત્ર પોંડીચેરીમાં જ ચીફ ડોઝ કોમ્બીનેશન ધરાવતી દવાઓને પ્રતિબંધ કરાઈ છે.
સરકારે જે ૩૨૮ એફડીસી દવાઓ ઉપર પ્રતિબંધ મુકયો છે તેનો કુલ કારોબાર રૂ.અઢી હજાર કરોડનો છે. આ આંકડો મોટો દેખાય છે પરંતુ ભારતીય ફાર્મા સેકટરના કુલ ટર્નઓવરમાં માત્ર ૩ ટકાનો જ હિસ્સો ધરાવે છે. અગાઉ પણ સરકારે આ પ્રકારનો નિર્ણય લઈ લોકોના આરોગ્ય બાબતે ચિંતા વ્યકત કરી હતી.