છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૫૭ તાલુકાઓમાં વરસાદ વડિયામાં પોણા બે ઈંચ, જુનાગઢમાં દોઢ, રાજુલામાં સવા ઈંચ વરસાદ

જુન માસ હજી પુરો પણ થયો નથી ત્યાં સૌરાષ્ટ્રમાં મોસમનો કુલ ૨૧.૭૪ ટકા વરસાદ વરસી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૫૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. વડિયામાં પોણા બે ઈંચ, જુનાગઢમાં દોઢ ઈંચ અને રાજુલામાં સવા ઈંચ વરસાદ વરસી ગયો છે. આજે સવારે  પોસીનામાં જોરદાર વરસાદી ઝાપટુ વરસી ગયું હતું. આગામી ૪૮ કલાક હજી સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૨૦ જિલ્લાઓનાં ૫૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. અત્યાર સુધી ગુજરાતમાં મોસમનો કુલ ૧૩.૮૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છ રીઝીયનમાં ૨૫.૦૮ ટકા વરસાદ પડયો છે તો ઉતર ગુજરાતમાં ૧૦.૧૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૩.૫૯ ટકા વરસાદ પડયો છે તો સૌરાષ્ટ્રમાં ૨૧.૭૪ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જયારે દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો ૭.૮૬ ટકા જેટલો વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આ વર્ષે મેઘરાજાએ સૌરાષ્ટ્ર-કચ્છ પર સવિશેષ હેત દાખવ્યું હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે ગુજરાતમાં ૧૫ જુન આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે અને જુન માસનાં અંત સુધીમાં વાવણીલાયક વરસાદ વરસતો હોય છે પરંતુ આ વર્ષે મેઘરાજાની વહેલી પધરામણી થવા પામી છે અને આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં મોસમનો કુલ ૨૧.૭૪ ટકા વરસાદ વરસી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૫૭ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીનાં વડિયામાં ૪૦ મીમી, જુનાગઢ શહેરમાં ૩૬ મીમી, રાજુલામાં ૩૨ મીમી, વાંકાનેરમાં ૨૦ મીમી, જસદણમાં ૧૯ મીમી, મોરબીમાં ૧૮ મીમી, મુડીમાં ૧૭ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. હાલ દક્ષિણ ગુજરાત પર ૨.૧ કિલોમીટરની ઉંચાઈ પર સાયકલોનીક સરકયુલેશન સક્રિય છે જેની અસરતળે આગામી ૪૮ કલાક સુધી સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

ગોંડલનું રાજાશાહી સમયનું વેરી તળાવ ઓવરફલો

ભર ચોમાસે નર્મદાનીરથી તળાવ ઓવર ફલો કરાતા ગોંડલની પાણીની સમસ્યા હલ

IMG 20200625 WA0006

ગોંહલનું રાજાશાહી સમયનું વેરી તળાવ આજે વહેલી સવારે છલકાય ગયુ હતું. હાલ વેરી તળાવ ૪૬ કયુસેકથી છલકાય રહ્યુ છે. ભર ચોમાસે નર્મદાના નીરથી તળાવને ઓવરફલો કરી દેવાતા ગોંડલની પાણીની સમસ્યા હલ થઇ જવા પામી છે. વિશાળ જળરાશી નીહાળવા આજે ગોંડલવાસીઓ ઉમટી પડ્યા હતા.

આ અંગે સિંચાઇ વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ભાદર-૧ ડેમમાં નર્મદાનાનીર છેલ્લા બે દિવસથી ઠાલવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વેરી ડેમમાં ૬૪.૯૮ એમસી એફટી નર્મદાનું નીર ઠાલવવામાં આવતા આજે સવારે ૬ કલાકે વેરી તળાવ ઓવર ફલો થઇ ગયુ હતું.વેરી તળાવમાં ૦૫૯ ફૂટ પાણીની આવક થવા પામી હતી. છેલ્લા બે દિવસ દરમિયાન ૬૪.૯૮ એમસીએફટી નર્મદાનું પાણી વેરી ડેમમાં ઠાલવવામાં આવ્યુ છે. આજે સવારે વેરી ડેમ ઓવરફલો થયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.