ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં 76 હજાર ક્યુસેક પાણીની આવક: ડેમ હજી 15 મીટર ભરાવાનો જ બાકી
સરદાર સરોવળ નર્મદા બંધ તેની મહત્તમ સપાટી 138.68 મીટર તરફ આગળ વધી રહી છે. શ્રાવણની શરૂઆતે જ નર્મદા ડેમની સપાટી સીઝનમાં પહેલીવાર 124 મીટરને પાર થઇ ગઈ છે. મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના વીજઉત્પાદન મથકોના ટર્બાઇન ચાલી રહયાં હોવાથી તેમજ કેચમેન્ટ વિસ્તારમાં થઇ રહેલાં વરસાદના પગલે કેવડિયા સ્થિત નર્મદા ડેમની સપાટીમાં ઝડપથી વધારો થઇ રહયો છે. રવિવારે રાત્રે 9 કલાકે ડેમની સપાટી 124.54 મીટર પર પહોંચી છે. રાત્રિના સમયે ડેમમાં 81 હજાર કયુસેક પાણીની આવક સામે પાણીની જાવક 45 હજાર કયુસેક નોંધાઇ હતી. નર્મદા ડેમના રીવરબેડ પાવરહાઉસના 5 ટર્બાઇન ચલાવવામાં આવી રહયાં છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 6 અને ઇન્દિરાસાગર ડેમના 8 ટર્બાઇન ચાલી રહયાં હોવાથી સરદાર સરોવરમાં પાણી આવી રહયું છે.રવિવારે રાત્રિના 1 વાગ્યે સરોવરમાં 1.40 લાખ કયુસેક પાણીની આવક નોંધાઇ હતી. ડેમના સુત્રોએ જણાવ્યું હતું કે, કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડી રહયો હોવાથી પાણીનો આવરો વધી ગયો છે. નર્મદા ડેમમાંથી 45 હજાર કયુસેક પાણી આવી રહયું હોવાના કારણે નર્મદા નદીની સપાટીમાં પણ વધારો થઇ રહયો છે. ડેમ 124 મીટરે પહોંચી ગયો છે ત્યારે હવે માત્ર 15 મીટર જેટલો ભરવાનો બાકી છે. આગામી વર્ષ માટે પીવાના પાણીની અને સિંચાઈ ના પાણીની આપવા સક્ષમ બની જશે. ડેમ હાલ 60.64 ટકા જેટલો ભરાયેલો છે.
નવસારીમાં ભારે વરસાદથી કાવેરી-અંબિકા નદીમાં ઘોડાપૂર
નવસારી અને વલસાડમાં ભારે વરસાદના પગલે મોટાભાગની નદી ભયજનક સપાટી વટાવી છે. જેના પગલે શાળા કોલેજમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.ગણદેવી,ચીખલી,ખેરગામ,બીલીમોરા,ધરમપુર, કપરાડામાં આજે શિક્ષણ કાર્ય બંધ રહેશે, બે મજબૂત વરસાદી સિસ્ટમના કારણે છેલ્લા ત્રણથી 4 દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. નવસારીની કાવેરી,અંબિકા, પૂર્ણા નદી ભયજનક સપાટી વહાવીને વહી રહી છે. નદીઓના પાણીથી બીલીમોરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. બીલીમોરા શહેરનો 40 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે.