શ્રી વર્ધમાનનગર જૈન દેરાસર ખાતે 42 વર્ષમાં દીક્ષાની પ્રથમ ઘટના
સૌરાષ્ટ્રનાં ગૌરવસમા વાંકાનેર માં રત્નકુક્ષિણી માતુશ્રી વિભાબેન હિતેનભાઈ શાહ તથા ધર્મ પરાયણ પિતા શ્રી હિતેનભાઈ કાંતિલાલ શાહ પરીવારના ખોરડે વર્ષ 2003માં એક બાળકનું અવતરણ થયું. શાહ પરિવારનાં ત્રણ સંતાનો જયેશભાઈ, હિતેનભાઈ તથા હરેનભાઈ પૈકી હિતેનભાઈનાં બે પુત્રો દેવેન તથા સૌથી નાના સૌનો વહાલો નિસર્ગ. પુત્ર નાં લક્ષણ પારણામાં તેમ આ બાલૂડાનો જન્મ થતાં જ સર્વત્ર આનંદ અને હર્ષ છવાઈ ગયો. ઘરનો સમગ્ર માહોલ વધારે ને વધારે ધર્મ મય બનતો ગયો. શાહ પરિવાર એટલે સુખી, સંપન્ન અને પૂણ્યશાળી પરીવાર.
કાળક્રમે આ પરિવાર ને વાંકાનેર છોડીને રાજકોટ વસવાનું થયું. રાજકોટ માં વર્ધમાનનગરની પવિત્ર ભૂમિ અને તેમાં પણ સિધ્ધાર્થનગર સોસાયટી એટલે સોનામાં સુગંધ ભળે તેવી જગ્યા, રાજકોટમાં આવ્યા બાદ નિસર્ગ નું જીવન વધારેને વધારે ધર્મમય બન્યું. વર્ધમાનનગરમાં આવેલ શ્રી સંભવનાથ દેરાસર જાણે તેનું બીજું ઘર બની ગયું. માતાશ્રી વિભાબેન હિતેનભાઈ શાહની પ્રેરણાથી દરરોજ પરમાત્માની પૂજા, જિન વાણીનું શ્રવણ તેમજ બે સમય પ્રતિક્રમણ અને જિન શાસ્ત્રોનો અભ્યાસ એ નિસર્ગનો જીવનક્રમ બની ગયો. ખૂબ જ ટૂંકા સમયમાં ચિ. નિસર્ગે પંચ પ્રતિક્રમણ , નવ સ્મરણ , ચાર પ્રકરણ , ત્રણ ભાષ્ય આદિ અનેક ધર્મ ગ્રંથો ના અભ્યાસ પૂર્ણ કર્યો.
પૂર્વ ભવની પ્રબળ સાધનાને લઈને અવતરેલો આ આત્મા, જન્મથી જ અર્હમનો ઉપાસક હતો. તેમાં વર્ષ 2019 માં વ્યાખ્યાન વાચસ્પતિ પ. પૂ. આચાર્યદેવ શ્રી હર્ષશીલ સૂરી મ.સા.નું ચોમાસામાં આગમન થયું અને જાણે કે નિસર્ગને જીવનનો ધ્યેય મળી ગયો. આચાર્યદેવ શ્રી હર્ષશીલ સૂરી.મ.સા.નાં વ્યાખ્યાનો ની નિસર્ગનાં મન પર ઉંડી અસર થવા લાગી અને જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ નિસર્ગનો સંસાર પ્રત્યે નો રાગ ઓછો થતો ગયો અને તેનું મન સંયમ લેવા પ્રત્યે ઢળવા લાગ્યું.
કોરોના કાળમાં નિસર્ગનો વધારે ને વધારે પ્રભુ મહાવીરનાં બતાવેલ રાહ પર ચાલવાનો નિશ્ચ્ય દ્રઢ બનતો ગયો. નિત્ય સેવા પૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધર્મમય જીવન વિતવા લાગ્યું. આખરે સુખ સાહેબીને ઠોકર મારી માત્ર 18 વર્ષની યુવાન વયે સ્વેચ્છાએ પ્રભુ મહાવીરના કઠોરતમ ત્યાગ માર્ગે સંયમ અંગીકાર કરવાનો સંકલ્પ જાહેર તેણે તેના માતા પિતા સમક્ષ જાહેર કર્યો જેનો માતા તથા પિતા દ્વારા ખૂશીથી સ્વીકાર કરવામાં આવ્યો.
ચિ. નિસર્ગ નું દિક્ષાનું મુર્હુત ગચ્છાધિપતિ ્પાસે કઢાવવામાં આવ્યું જે વૈશાખ સુદ 6 તા 7 નાં રોજ નક્કી થયું. આમ, આ પવિત્ર દિવસે ચિ. નિસર્ગ જે માર્ગને સ્વયં તીર્થંકરો ગ્રહે છે, જેને શકેન્દ્ર દિનરાત ઝંખે છે એ માર્ગ પર પોતનો ભવનિસ્તાર કરવા સજ્જ બનેલા , સૌરાષ્ટ્રની રાજધાની એવા રંગીલા રાજકોટ નગરે નિર્વેદ પથ સ્વીકાર કરશે. આ આનંદ ના ઉત્સવને નીચે મુજબનાં દિવસો એ વિવિધ પૂજનો, ધાર્મિક ઉત્સવો તેમજ અન્ય કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવશે.
આજે શ્રી નંદિશ્વર દીપ પૂજા,કાલે ભવ્યાતિભવ્ય સ્નાત્ર મહોત્સવ,બુધવારે શ્રી વિતરાગ સ્તવપૂજા તેમજ ભવ્યાતિભવ્ય મહાપૂજા,ગુરુવારે ભવ્યાતિભવ્ય અષ્ટોતરી સહ શક્રસ્તવ મહાભિષેક,શુક્રવારે અંતિમ રાત… વિરાગની વાત … ભવ્ય વિદાય સમારોહ,જયારે નિર્વેદ પથનો સ્વીકાર કરશે.
મહોત્સ્વ શ્રી સંભવનાથ સ્વામિ જીન પ્રાસાદ, શ્રી વર્ધમાન નગર જૈન સંઘ પેલેસ રોડ, રાજકોટ ખાતે યોજાશે. નિર્વેદપથ સ્વીકારનું સ્થળ વિજય રામચંદ્ર સૂરી નિર્વેદપથ ઉદ્યાન, ત્રિભૂવન ભૂવન, સ્થાનકવાસી બોર્ડિંગ, માલવીયા પેટ્રોલ પંપ સામે, ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રહેશે. જયારે સાધર્મિક ભકિતનું સ્થળ શેઠ ઝાંઝણશા ભોજન ખંડ, મોઢ વણીક વિદ્યાર્થી ભવન, સ્થાનકવાસી બોર્ડિંગની સામે, રજપૂત પરા, રાજકોટ ખાતે રહેશે. આ પ્રસંગ માટે ખાસ Http://www.nishudiksha.com ક્ષશતવીમશસતવફ. ભજ્ઞળ નામની ખાસ વેબસાઈટ પણ લોંચ કરવામાં આવેલ છે.
ઉપરોકત તમામ પ્રસંગે સર્વે ધર્માનુરાગી લોકોને પધારવા શ્રી દયાબેન કાંતિલાલ પ્રેમચંદ શાહ પરિવાર નું ભાવભર્યું આમંત્રણ છે.