કુંદણી ગામની ત્રણ હત્યાના વોન્ટેડને ઝડપવાનું ઓપરેશન પણ પોલીસ ખાતાની કિન્નાખોરીથી જ નિષ્ફળ રહ્યું
ફોજદાર જયદેવે કોઈની પણ શેહ શરમ કે ભર ભલામણ ધ્યાને લીધા સિવાય ગુનેગારો અને બુટલેગરો ઉપર સખત ઘોંસ બોલાવતા અગાઉ જણાવ્યા પ્રમાણે સીપીઆઈ ઠાકુર અને જમાદાર અભયસિંહ જે વારંવાર ગુનેગારોની મહેફીલ માણતા તે બંધ થઈ ગયેલી.જેથી તેઓએ ખાનગીમાં ગુનેગારો તથા અસંતુષ્ટ રાજકારણીઓને મળી જયદેવ વિરૂધ્ધ ખટપટો ચાલુ કરતા જયદેવે જમાદાર અભયસિંહનો તેની પોલીસ વિરૂધ્ધની તથા કાયદો અને જનતા વિરૂધ્ધની પરંતુ ગુનેગારો તરફેણની પ્રવૃત્તિ અંગે રીપોર્ટ કરી પોલીસ વડાને જાણ કરી દીધી અને તેને બદલવા પણ ભલામણ કરી.
પરંતુ પોલીસ વડાએ તેને આટકોટ ઓ.પી.માંથી બદલી કરી જસદણ એલઆઈબીમાં જ મૂકયો. ખરેખર તેને અન્ય પોલીસ સ્ટેશનમાં બદલવાની જ‚રત હતી,હવે એલઆઈબીમાં તેને ઠાકુર સાથે રહેવાનો પૂરતો સમય મળવા લાગ્યો અને ખટપટ કપટ કરવાનું મોકળુ મેદાન મળી ગયું. આ હુકમથી તો ‘બળતામાં ઘી હોમાય’ જેવો ઘાટ થયો. પરંતુ જનતામાં જયદેવ કડક પણ અતિ લોકપ્રિયતા હોય અને જનતા અને રાજકારણીઓ જાણતા હતા કે ઠાકુર એન્ડ કુાં. ના’ ધંધા સાપ પકડવાના’ છે. જેથી તેમણેએટલે કે આ ઠાકુર એન્ડ કાું.એ જય જયદેવ વિ‚ધ્ધ પ્રવૃત્તિચાલુ રાખી અને જયદેવ સમક્ષ પોતે હવે સજજન અને સારા થઈ ગયા હોવાનો દેખાવ કરવા લાગ્યા. પરંતુ તેમના મનમાં પાપ હોય તેઓ સતત જયદેવથી ડરતા રહેતા. પરંતુ જયદેવને પોતાના કામ સિવાય કોઈ ખટપટમાં રસ હતો નહિ.
એક વખત બંદોબસ્તમાં જયદેવ અને તેનો મિત્ર ફોજદાર રાણા ભેગા થયા. તે અગાઉ ઠાકુરે માનસીક ભયને કારણે રાણા ને ફરિયાદ કે ભલામણ કરી હશે. તેથી રાણાએ જયદેવને કહ્યું ગમે તેવા તોય ઠાકુર આપણા અધિકારી કહેવાય. જનતામાંથી કાંઈ બબાલ કે ફરિયાદ થાય તો તેનો બચાવ કરવો. જો આમ નહિ કરો તો બીજા અધિકારીઓમાં આપણી છાપ એવી પડશે કે આપણે આપણા અધિકારીઓનો બચાવ પણ કરતા નથી અને વિ‚ધ્ધ કાર્યવાહી કરીએ છીએ. જયદેવે કહ્યું પણ તેમના ધંધા સાવ હલકટ છે. નગરપતિ રાષ્ટ્રવાદી પક્ષના છે તેમણે મને ઘણી વખત ફરિયાદ કરી તો મેં ફરિયાદ ઠેકાડી જ દીધી છે. ધારાસભ્ય રાષ્ટ્રીય પક્ષના છે.તેમણે મને કહેલ કે ‘તમારા સીપીઆઈને સમજાવો ને! પણ મેં કહેલ કે મારા ઉપરી અધિકારી છે હું શું કહી સમજાવું?’ જયદેવે રાણાને વધુમાં કહ્યું કે ‘ઠાકુરની રીતભાત જ શરમ જનક છે. તેમને જ સુધારો કરવાનું કહો તો સા‚’ જેથી રાણાએ કહ્યું કે ‘આપણે અહી કયાં તેમની સાથે આખી જીંદગી કાઢવી છે. જરા સાચવી લેજોને!’
પરંતુ ઠાકુરની રહનસહનમાં કોઈ ફેરફાર થયો નહિ, પરંતુ કાર્યક્રમના સ્થળો ફેરવી નાખ્યા. તેમના કાર્યક્ષેત્રમાં ભાડલા અને વિંછીયા પોલીસ સ્ટેશન પણ આવતા હતા. તેથી મહેફીલો તે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થવા લાગી.
એક વખત વિંછીયા ફોજદારે કોઈ ગામડામાં કોઈ ગઢ કે ડેલામાં ઠાકુર સાથે પાર્ટી યોજી. પાર્ટીમાં પીતા પીતા ઠાકુર કાંઈક રાજા પાટમાં આવી ગયા અને અપશબ્દો બોલ્યા અને બઘડાટી બોલી,પોલીસે જે તે હાલતમાં લૂંગીભેર નાસવું પડયું. વિંછીયા ફોજદાર ‘જીગર’ વાળો બધાને પોતાની જીપમાં લઈ ત્યાંથી ભાગી નીકળ્યો. પરંતુ સીપીઆઈ ઠાકુરની જીપ પડી રહી ! બધા ફૂલ નશામાં હતા પરંતુ કોન્સ્ટેબલ ડાડુ પીધા વગરનો હતો તેણે વિંછીયા આવી ટેલીફોનથી જયદેવને બનાવની વાત કરી અને જીપ ગામડે જ પડી રહેલ હોય અને તેનું જોખમ હોય લાવી આપવા વિનંતી કરતા જયદેવે ખાતા અભિમાન માટે તુરત પોતાની જીપ લઈ વિંછીયાની તપાસ બતાવી તે ગામે આવ્યો. જયદેવને જોતાજ ડેલામાં નાસભાગ થઈ પરંતુ સદનસીબે જીપને કાંઈ નુકશાન થયેલ નહતુ. જયદેવે જીપ લઈ વિંછીયા પોલીસ લાઈનમાં રાખી દીધી.
અઠવાડીયા પછી ઠાકુર અને જયદેવ ભેગા થઈ ગયા.ઠાકુરે આભાર માની પોતાનો જ ખરખરો કર્યો છે સાલા વિંછીયા ફોજદારે ભૂલ ખવડાવી દીધી’ જયદેવે કહ્યું ‘ઉંમરમાં તો તમે મોટા છો શરમાવું જોઈએ આ ઉંમરે! પરંતુ ‘પથ્થર ઉપર પાણી’ તેને કોઈ અસર થઈ નહિ.
એક દિવસ ધોરાજીથી ફોજદાર રાણાનો જયદેવ ઉપર ફોન આવ્યો કે ધોરાજી ખાતે વિરોધ પક્ષના વિધાનસભાના નેતા સમક્ષ પોલીસ વડાની હાજરીમાં ભાડલા ફોજદાર અને ઠાકુર વિરૂધ્ધ ગંભીર રજૂઆત રૂબરૂમાં લેખીતમાં થતા આ ઈન્કવાયરી ત્યાં હાજર જ ગોંડલના ડીવાયએસપી બલવાણીને આપેલ છે. અને બલવાણીને અત્યારે જ જસદણ રવાના કરી આવતીકાલ સુધીમાં અહેવાલ આપવાનો હુકમ કરેલ છે. આ બંનેને બચાવી લેવાના છે. આને બચાવવામાં જ તમારી ખરી શકિતનું માપ નીકળશે અને ખાતામાં નામ થશે. પરંતુ જયદેવને સ્થાનિક પરિસ્થિતિનો ખ્યાલ હતો એણે કહ્યું ‘આતો ઝેરી સાપને બચાવવા જેવું છે.’ પરંતુ રાણાએ મિત્રતાને દાવ ઉપર લગાડી દીધી!
થોડીવારમાં ઠાકુર જયદેવ પાસે આવ્યા અને રડમસ ચહેરે જયદેવને કહ્યું ભાડલા ફોજદારે ભૂલ ખવડાવી દીધી. જયદેવ ને તો એક પણ શબ્દ સાંભળવો ન હતો. પરંતુ રાણાની મિત્રતા દાવ ઉપર હતી. જયદેવે કહ્યું ‘બાળકો જ પીઢ અનુભવીને ભૂલ ખવડાવે છે?’ જયદેવે આ ડખાની વિગત ઠાકુર પાસેથી જ જાણી લીધી અને તેમને કહ્યું ‘કીડીને કોશ નો ડામ ન દેતા હોતો?’
જયદેવ છત્રીબજારમાં આવ્યો સભાપતિ તેમની દુકાન ઉપર જ હતા. જયદેવને જોઈ હસીને બોલ્યા લૂંગી ધારી માટે આવ્યા હશોને? જયદેવની પણ મજબુરી હતી. સભાપતિએ જયદેવ ઉપરની લાગણીને કારણે ભાડલા ફોન કરી શાંતુભાઈ દરબાર વિગેરેને જસદણ બોલાવી લીધા અને બધાને મનાવીને પોલીસ વિરૂધ્ધ કાંઈ નહિ લખાવવા સમજાવી દીધા
સાંજના બલવાણીએ વિશ્રામગૃહમાં તમામ ભોગ બનનાર અને અરજદારોના નિવેદનો લીધા પણ પોલીસ વિ‚ધ્ધ કોઈએ કાંઈ લખાવ્યું નહિ. મોડેથી બલવાણીએ જયદેવને જસદણ વિશ્રામ ગૃહમાં બોલાવ્યો અને નારાજગીથી કહ્યુંકે આ કામા તમારા જહોય! જયદેવે અજાણ્યા થઈ પૂછયું ‘શું સાહેબ?’ બલવાણીએ ખીજાઈ ને કહ્યું કે ધોરાજીમાં જાહેરમાં પોલીસ વિ‚ધ્ધ કેવી રજૂઆત થઈ અને મને પણ પોલીસ વડાએ ખખડાવી નાખ્યો ‘તમે શું જુઓ છો?’ મને ઈન્કવાયરી આપી હું તાત્કાલીક અહિ આવ્યો તેટલીવારમાં આ બંને ‘દુધે ધોયેલા’ થઈ ગયા. આ તમારા વગર શકય જ નથી. જયદેવે વગર આ સમાધાન થઈ જ ન શકે. જયદેવ ચુપચાપ મિત્રતાને મનમાં મમળાવતો ઉભો રહ્યો કે આજે મોટો ઘા ગયો અને વળતરમાં ઠપકો સાંભળવો પડયો.
ભાડલા પોલીસ સ્ટેશનના કમળાપૂર ગામે અગાઉ કાઠી અને આહિરો વચ્ચે ધીંગાણુ થયેલુ તેમાં આહિર પક્ષે ત્રણ ખૂન થયેલા કાઠી પક્ષે તેમના લીડર વલકુ જેઠસુરને જન્મટીપની સજા થયેલ આથી તે પેરોલ રજા લઈ ફરાર થઈ ગયેલ વલકુ જેઠસુર ફરારીમાં તો કુંદણી અને આજુબાજુનાં વિસ્તારોમાં જ તે રહેતો હતો પરંતુ આ વિસ્તાર અંતરીયાળ અને પહાડી સુકો અને બંજર હતો. અને વસ્તી પણ ઓછી ને ડરપોક અને પછાત હતી તેથી બાતમી પણ નહિવત મળતી.
રાજકોટ જીલ્લા પોલીસ વડા સમક્ષ કુંદણીના આ વલકુને પકડવા માટે ખૂબજ રજૂઆતો થતા ભાડલા ફોજદાર તથા સીપીઆઈ ઠાકુરને વલકુને પકડવા સખ્ત તાકીદ કરેલી પરંતુ પોલીસની મુઠભેડ કરવાની ઈચ્છા શકિતના અભાવે જ ખરેખર તે પકડાતો નહતો. આ ભાડલા ફોજદાર અને ઠાકુરે પોલીસ વડાને એવી રજૂઆત કરીકે ગોંડલના ફોજદાર ચાવડા અને જસદણના ફોજદાર જયદેવ ઓપરેશન કુંદણીમાં હોય તો જ વલકુ પકડાય તેમ છે. પોલીસ વડાએ આ બંને પોલીસ અધિકારીઓને ઓપરેશન કુંદણીમાં જવા હુકમ કર્યો.
રાત્રે બાર વાગ્યે જસદણ વિશ્રામ ગૃહમાં ઠાકુરની આગેવાનીમાં ગોંડલના ફોજદાર ચાવડા, જસદણ, તાલુકા વિંછીયાના ફોજદારો પોત પોતાની ટીમો શસ્ત્ર સરંજામ સાથે આવ્યા ચાવડાએ જયદેવને પૂછયું શું છે. આ બધું? જયદેવે કહ્યું પુછો સીપઆઈને માંડવો ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાખવાનો છે આપણે તો જાનૈયા છીએ. વહેલી સવારે ચાર વાગ્યે કુંદણી ગામને ઘેરો ઘાલવો તેમ નકકી થયું.
આ કુંદણી ગામનું જુનુ નામ કુન્દનપુર હતુ ઝાલા રાજપૂતો રાજસ્થાનથી સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે પ્રથમ મુકામ અહિં કરેલો ત્યારે ઝાલા મકવાણા કહેવાતા કુંદણી ગામે તેની યાદમાં ટેકરા ઉપર એક કોઠો હજુ ઉભો છે. ઝાલાઓએ ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ પ્રાંત નવોજ વસાવ્યો.
રાત્રીનાં બે અઢી વાગ્યે કાફલો પાંચ જીપો ભરીને ઉપડયો કમળાપૂર તરફ કમળાપૂરથી થોડે દૂર ચોટીલા અણંદપર રોડ ઉપર જ ઠાકુરે જીપો ઉભી રખાવી જીપોની લાઈટો બંધ કરાવી અને પગપાળા ચાલતાજ અંતરીયાળ કાચા રસ્તે બે ત્રણ કિલોમીટર માર્ચ કરતા કરતા વહેલી સવારે ચારેક વાગ્યે કુંદણી ગામે આવી પહોચ્યા. ભાડલા ફોજદાર તથા તેમના માણસોને વલકુનું ઘર બતાવવા આગળ કર્યા. ગામ બહાર નીકળતા મુખ્ય રસ્તાઓ ઉપર થોડા જવાનો ગોઠવી બાકીનાં માણસો અને અધિકારીઓ સાથે ઠાકુરની ફોજ વલકુના ઘરમાં ત્રાટકી પરંતુ વલકુ મળ્યો નહિ તેનો ભાઈ હમીર મળ્યો પણ તે કોઈ ગુન્હામાં હતો નહિ તેને સાથે રાખી વલકુના ઘરની ઝડતી તપાસ કરી પણ કાંઈ શંકાસ્પદ વસ્તુ કે વલકુના કોઈ સગડ મળ્યા નહિ દરમ્યાન સવાર પડી ગઈ તમામ પોલીસ સ્ટાફ અજવાળુ થતા ગામ વચ્ચેના ચોકમાં એકઠો થયો તમામ પોત પોતાની રીતે હમીરને વલકુ અંગે પૂછપરછ કરતા હતા.
દરમ્યાન વિંછીયા ફોજદારે હમીરને એક પછી એક અધિકારીની ઓળખાણ આપવા માંડી કે આ છે તે સીપીઆઈ ઠાકુર સાહેબ ભાડલા ફોજદારને તો તમે ઓળખતા જ હશો. ત્યાં જયદેવ ઉભો થયો અને ઓળખાણ બંધ કરાવી ટોનમાં જ બોલ્યો ‘હમીરભાઈ આ વિંછીયા ફોજદાર સજજન ભલા માણસ છે. તેણે કાંઈ ઓપરેશન કર્યું નથી. આ જે કાંઈ કર્યું છે તે આ હું જસદણ ફોજદાર જયદેવ અને આ રહ્યા તે ગોંડલના ફોજદાર એલ.એચ. ચાવડા તેમને માટે હાથી મંગાવો અને સીવીલો અને આ વિંછીયા ફોજદારની આરતી ઉતારો આથી વિંછીયા ફોજદાર ઝંખવાઈ ગયા! ચાવડાએ ડાયલોગ માર્યો શું વાત છે ઠાકુરને ઐસી ફોજ બનાઈ હૈ?
સભા ત્યાંજ વિખરાઈ ગઈ આ નિષ્ફળ ઓપરેશનની ચર્ચા ઘણી થઈ, પરંતુ આગળ જતા આ કુંદણીનો ગાળીયો ઠાકુર જયદેવના ગળે જ ભરાવવાના હતા!