“વાઘેર, મેર અને ખારવાની વિવિધ ગેંગો ઉપર પોલીસે અંગ્રેજનીતિ ‘ભાગલા પાડો અને રાજ કરોની પધ્ધતી અખત્યાર કરી!
ફોજદાર જયદેવ એક વખતના પોરબંદર પોલીસ ખાતાના કર્તા હતા અને સમાહાર્તા જેવા જમાદાર અને હાલના ફોજદાર વીઠ્ઠલ ગોવિંદ ઉર્ફે વી.જી. રાવળ સાથે સરકીટ હાઉસમાં પોરબંદરની ખતરનાક ગેંગવોર કઇ રીતે શરુ થઇ તે સમયે શું સ્થિતિ હતી તે અંગે ચર્ચા કરતો હતો. જયદેવે ચા-પાણી મંગાવ્યા, ચા-સાથેજ સીગારેટની ચુસ્કી સાથે વિઠ્ઠલભાઇએ વાત આગળ ચલાવી.
સુરેન્દ્રનગર જીલ્લાી ખાસ કિસ્સામાં જમાદારનું પ્રમોશન લઇને જૂનાગઢ જીલ્લામાં ગયા જ્યાંથી તેમની નીમણૂંક પોરબંદર સીટી પોલીસ સ્ટેશનમાં થઇ. વીઠ્ઠલભાઇ બેગ બીસ્તરો લઇને જ પોરબંદર આવેલા તેથી તેમણે પોલીસ સ્ટેશનના ત્રીજા માળે આવેલ બેરેક માં ધામા નાખ્યા. પહેલી નીમણૂંક સ્ટેશન ચોકી (ભોજેશ્વર પાસે) ઉપર થઇ, બાદમાં કાયદો અને શીખલાઇ માણસોનો વહીવટ કેમ કરવો- તેની આગવી સૂઝને કારણે નીમણૂંક પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં થયેલી તે પછી તો ફોજદારના પ્રમોશન સુધી ડી-સ્ટાફ ડીવાયએસપી-એએસપી પોરબંદરના પર્સનલ સ્ટાફમાં જ રહ્યાં !
વીઠ્ઠલભાઇના જણાવ્યા પ્રમાણેતે સમયે હજુ સુધી વીધીવત કોઇ ગેંગો હતી નહી. પરંતુ આઝાદી પછી દેશનું ઔદ્યોગીકરણ તથા પોરબંદરમાં પણ કાપડની મહારાણા, મીલ, બીરલા કેમીકલ્સ, સીમેન્ટની એસીસી કંપની પ્રભાત સોલવન્ટ જેવી મહાકાય ઉદ્યોગો સ્પાયેલા. આથી ઓખા મંડળમાંથી વાઘેરો કામધંધા અંગે પોરબંદર આવેલા અને કડીયા પ્લોટ તથા બીજા અનેક વિસ્તારોમાં તેમની વસ્તી થઇ ગયેલી.
મહારાણા મીલના કર્મચારી યુનીયનના આગેવાનો વાઘેરો જ હતા. અને મીલમાં મુકાદમો વીગેરે પણ તેઓ જ હતા. પોરબંદરમાં એક જુગારની ક્લબ કે જે બારમાસી રીતે ચાલતી હતી. જેના ઉપર પોલીસ પણ રેઇડ કરી શકતી નહી કેમ કે તેના માલીક વાઘેર દેવુભાને સત્તાધારી રાજકારણનો સંપૂર્ણ ટેકો હતો.
આથી બીજી બાબત તો ઠીક પણ પોલીસ તે તરફ જોઇ પણ શકતી નહીં, પછી રેઇડની તે વાત જ ક્યા રહી ? અનુભવે એવુ જણાયું છે કે જ્યાં બંદર હોય ત્યાં દારુ અનીવાર્ય પણે હોય જ તે રીતે પોરબંદરમાં દારુના તમામ સ્ટેન્ડ અને વરલી મટકાના ઠેકા પણ મોટેભાગે વાઘેર ધધાર્થીઓના જ હતા. આથી વાઘેરો આર્થિક સધ્ધર અને મજબૂત તથા જેમ પોલીસને ગાંઠતા ન હતા તેમ હવે રાજકારણીઓને પણ ગાંઠતા નહી હોય, રાજકારણીઓએ જ પોલીસ અધિકારીઓને આ લોકોની ‘કાંઇક દવા કરવા’નું કહેતા પોલીસને તો આ ‘ભાવતુ હતું અને વૈદ્યે કહ્યું’ પ્રમાણે સત્તાધારી રાજકારણે જ આ બે નંબરી ધંધાદારીઓને સબક શીખવાડવાની પોલીસને તક આપી દીધી !
પોલીસ પાસે તો પેલી ‘ભાગલા પાડો અને રાજ કરો’- વાળી અંગ્રેજ નીતી તૈયાર જ હતી. પોલીસે વાઘેર બે નંબરી ધધાર્થીઓને માત આપવા માટે મેરના અમૂક યુવાનો કે જે આ બે નંબરી ધંધા ટેકઓવર કરવા માંગતા હતા તેમને તૈયાર કરી મેમણવાડામાં ઇચ્છુક યુવાનોને દારુના હાટડા શરુ કરવા મંજૂરી આપી અને તેઓ બરાબર જામી પણ ગયા, કેમ કે તેમને હવે રાજકારણ અને પોલીસ બંનેનું પાકુ પીઠબળ હતું.
આથી વાઘેર બે નંબરી ધધાર્થીઓના ‘પેટમાં તેલ રેડાયું’ તે સમયે વાઘેરોની પોરબંદરમાં એવી હાંક વાગતી અને એવી ઘાક હતી. તેમની સામે કોઇ આંખ ઉંચી કરીને જોઇ પણ શકતું નહીં પરંતુ મેરના બે નંબરી ધધાર્થીઓને પોલીસ અને રાજકારણનો ટેકો પણ મળતા વાઘેરો-સમસમીને રહી ગયા.
આવા કટોકટી કે સંક્રાંતીકાળમાં જ પોરબંદર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ વિઠ્ઠલભાઇની નીમણૂંક થઇ. વીઠ્ઠલભાઇએ ફોજદાર જયદેવને કહ્યું કે જ્યારે તેમની નીમણૂંક થઇ ત્યારે પોલીસ સ્ટેશનની પાછળી જ શરુ તથા ખારવાવાડમાં એકલ દોકલ પોલીસ જતી નહી.
અગાઉ કેટલાયે એકલ દોકલ પોલીસ વાળાઓને ખારવાવાડમાં છરીઓ વડે સ્ટેબીંગ કરવામાં આવેલા. અને બે હોમગાર્ડ જવાનોના તો ખૂન કરવામાં આવેલા, જો પોલીસ તપાસ કે અન્ય કાયદેસરની કાર્યવાહીમાં જતી તો હાલતા-ચાલતા જ પોલીસ ઉપર પથ્રમારો થઇ જતો. આવી હકીકત જાણીને વિઠ્ઠલભાઇને થયું કે ખાખી કપડા ઉપર આટલી નારાજગીનું કારણ તો જાણવું પડશે.
તેમને પૂછતા પૂછતા જાણવા મળ્યુ કે અગાઉના વર્ષોમાં કોઇક પોલીસ અધિકારીને ઘેર સાવ સામાન્ય ચોરી થયેલી, આ ગુન્હો શોધવાની લ્હાયમાં ડી-સ્ટાફ ખારવા જ્ઞાતીના એક જાણીતો ગુનેગાર કે જે નાની-મોટી ચોરીઓ અગાઉ કરી ચુકેલો તેને લઇ આવ્યા. પૂછપરછ કરી પણ તેમાં કાંઇ નહી મળતા તેને માર્યો હશે છતા મુદામાલ નહી મળતા આ જાણીતા ગુનેગારને પોલીસ સ્ટેશનેથી બંદર ચોકમાં લઇ જઇ ફેરવી ફેરવીને મારતા આનો ખારવા સમાજે વીરોધ કર્યો છતા પોલીસ નહીં ગાંઠતા આ વિરોધ આક્રમક રીતે તથા કે સમયના પોલીસ અધિકારીઓએ ફાયરિંગ કરતા ફાયરિંગમાં ત્રણ યુવાનોના મોત થયેલા.
આ ત્રણેયની હાલમાં પણ ત્યાં જ ખાંભીઓ આવેલી છે. આ બનાવ બનતા એક માાભારે અને દારુનો વેપાર કરતા ઇસમે પોતાની રીતે જ ફતવો બહાર પાડી દીધો કે ખાખી કપડુ જુઓ અને મારો, પોલીસની ખારવાવાડમાં પ્રવેશબંધીનું આ કારણ હતું.
સુરેન્દ્રનગરથી નવુ પ્રમોશન લઇને આવેલા જમાદાર વીઠ્ઠલભાઇ હજુ પોરબંદર શહેરના ભૌગોલિક, સામાજીક અને રાજકિય તેમજ ગુન્હાકીય બાબતોનો અભ્યાસ કરી તાગ મેળવી રહ્યા હતાં. આમ તો વીઠ્ઠલભાઇ જમાદાર ઝાલાવાડમાંથી તમામ પ્રકારની હોશિંયારી અને મુત્સદીગીરી શીખીને જ આવ્યા હતા. આ દરમ્યાન પેલા મેર અને વાઘેર બે નંબરી ધધાર્થીઓ વચ્ચે નાના-મોટા છમકલા અને ઘર્ષણો ચાલુ જ હતાં.
આ બે નંબરી ધંધાકીય ઝડફોમાં વાઘેરોએ એક મેર યુવાનનું ખૂન કર્યુ અને તે સાથે જ મહાભારત ચાલુ થઇ ગયુ ! રાજકીય અને પોલીસના પીઠબળ વાળા મેમણવાડાના મેર જૂથે વાઘેરોના બે નંબરી અડ્ડાઓ ઉપર વાહનોભરીને માણસો લઇ જઇ અડ્ડાઓ સાફ કરી નાખ્યા.
પોલીસ ફરીયાદો થઇ પરંતુ જ્યાં સુધી દિલ્લી મદદ ન મળે તો કાંઇ ન થાય. વાઘેરોથી રાજકારણીઓએ પણ ‘મોં ફેરવી લીધું’ આથી બે નંબરી ધંધાના વાઘેર નેતાએ વ્યુહાત્મક રીતે મેમણ વાડાના હરીફ જૂ સાથે સમાધાન કરી લેવા આયોજન કર્યુ. સમાધાન માટે બંને પક્ષો મેમણવાડામાં એકઠા થયા, પરંતુ સમાધાનને બદલે વાત વધુ વણસી જતા મેમણવાડા વાળાઓએ વાઘેરના નેતા કમ બે નંબરી મોટા ધધાર્થીઓનું ત્યાં જ ખૂન કર્યુ. આ વાઘેર નેતાનું વજન ચુંટણીઓમાં પણ પડતુ અને ધારાસભ્યો પણ તેમને ભલુ મનાવતા રહેતા ! આક્રમક બનેલી મેમણવાડા વાળી બે નંબરી ગેંગે તો પછી મહારાણા-મીલના ઝાંપા પાસે મીલ યુનિયનના નેતા કમ વાઘેરોના નેતાનું તેમની કારમાં જ ખૂન કર્યુ ! એક સાથે બે-બે નેતાઓના ખૂન થતા પોરબંદર તો ઠીક પણ રાજ્ય આખામાં સન્નાટો થઇ ગયો.
ખૂનના ગુન્હા નોંધાયા પણ વાઘેરોને રાજકારણ અને પોલીસ બંને ઉપરી વિશ્વાસ ઉઠી ગયેલો હોય તેવા સંજોગોમાં સલામતી નહી લાગતા તેઓ પોરબંદર છોડી પોતાના વતન ઓખા મંડળ-દ્વારકા તરફ માદરે વતન પરત જતા રહ્યાં. પોરબંદરમાં મેમણવાડાની બે નંબરી ગેંગ આઝાદ થઇ ગઇ. ઓલવેધર પોર્ટના કામ કાજી લઇ તમામ ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટ ઉપર પણ એક હથું સત્તાની જમાવટ થઇ ગઇ. પરંતુ પોરબંદરથી વાઘેરો ચાલ્યા ગયા પછી તેમનામાં પણ અંદરો અંદરની હરીફાઇ સ્પર્ધા થતા ગ્રામ્ય વિસ્તારોમાંથી મેરનું નવુ જૂથ ઉભુ થતા આંતરિક અડામણોમાં ઘણા ખૂન ખરાબા થતા રહ્યાં.
બીજી બાજુ પોલીસે સુરેન્દ્રનગરથી તૈયાર થઇ આવેલા જમાદાર વીઠ્ઠલભાઇની આગેવાનીમાં જ ખારવાવાડમાં અંગ્રેજ નીતી ભાગલા પાડો અને રાજકરો નો પ્રયોગ શરુ કર્યો.
ખારવાવાડ બંદર ચોકમાં જે માાભારે ગુનેગારે પોલીસ વીરુધ્ધ ફતવો બહાર પાડેલો તે પણ દેશી દારુનો ધધાર્થી જ હતો. ‘જર જમીન અને જોરુ આ ત્રણ કજીયાના છોરુ’ એ કહેવત મુજબ દેશી દારુના ધંધાની મબલખ કમાણી આ એક જ વ્યક્તિ કરતી હોય, ખારવાડમાં જ બીજુ જૂથ આ મબલખ આર્થિક કમાણીના સહેલા સસ્તા ધંધામાં પડવા આતુર થયું.
પોલીસે આ નવા જૂથને એ શરતે દેશી દારુના ત્રણ જગ્યાએ સ્ટેન્ડ કરવા મંજૂરી આપી કે આ પેઘી ગયેલા (ફતવો બહાર પાડનાર) જૂથના દેશી દારુના ધધાર્થી દારુનો જથ્થો કઇ જગ્યાએ સંગ્રહ થાય છે તેની બાતમી પોલીસને આપવી ! નવા જૂથને તો આ બાબત બહુ ગમી ગઇ કેમ કે તેઓને બાતમી આપતા ડબલ ફાયદો થાય તેમ હતો કે જૂની ગેંગનો માલ પકડાય જાય તો પછી પોતાનો માલ (દેશીદારુ) જ ઉપડવા નો હતો ને ?
નવા જૂથે પોલીસને બાતમી આપી કે બંદર ચોકમાં જે ભુગર્ભ ગટર છે. તેમાં રાત્રીના નવેક વાગ્યે ગટરનું ઢાંકણ ખોલી તેમાં જ દેશીના કેરબાઓ રાખી દેવામાં આવે છે. જેનો બીજા દિવસે વેપાર થાય છે. પોલીસે જનતા સુઇ ગયા બાદ રાત્રીના અઢી વાગ્યે કોઇ જુએ નહી તેમ-બંદર ચોકમાં આવેલ ભૂગર્ભ ગટરનું ઢાંકણ ખોલી તેમાંથી સોળ કેરબા દારુ મળ્યો તે જીપમાં જ ભરીને લઇ જઇને કેસ કર્યા સિવાય બારોબાર મેમણવાડામાં જઇ મેમણવાડાની ગેંગને માલ આપી રોકડી કરી લીધી. આ રીતે નિયમિત દેશીદારુની ચોરી થવા લાગતા બંદર ચોકના જૂના ધધાર્થીઓને નવી ધધાર્થીઓ ગેંગ ઉપર શક જતા બંને વચ્ચે ઘર્ષણ ચાલુ થયું. આ રીતે ખારવા વાડમાં બે જૂથો (ગેંગો)નું નિર્માણ થયું. પછી તો આ ગેંગોનું પણ રાજકીયકરણ થયું જૂની ગેંગને સત્તાધારી પક્ષનો ટેકો હતો.
તો નવી ગેંગને વીરોધપક્ષનો ટેકો હતો ! આ ગેંગો વચ્ચે વૈમનસ્ય વધતા જૂની ગેંગના બે નંબરી ધંધાદારી નેતાનું નવી ગેંગ દ્વારા ખૂન થયું. આમ હવે ખારવાવાડ પણ ભીષણ કુરુક્ષેત્રમાં ફેરવાયું ! દરરોજ ધાણીફૂટ, ગોળીબારો, ખૂનની કોશિષો થવા લાગી. જાણે નીત્યક્રમ થઇ ગયો. અને ઘમાસાણ ગેંગવોર ચાલુ થઇ. તો વળી આ ગેંગોમાં અમૂક ઇસમોને તો શરુઆતમાં પોલીસે જ રીવોલ્વર ફાયરિંગ કેમ કરાય ? તે શીખવાડેલુ ! જો કે પછી આજ ઇસમો એ જાતે પ્રેક્ટીસ કરી નિપૂણતા મેળવી શાર્પશૂટર બન્યા હતા.
અને તેમણે પછી ગેંગવોર તો ઠીક પણ પોલીસદળ ઉપર પણ ફાયરિંગ કરી હાથ અજમાવવા લાગેલા. દરરોજ જાણે દીવાળી ! ફટાકડાની જેમ હંમેશા ભડાકા થવા લાગતા-રાજકોટ રેન્જના પોલીસવડાએ ભાવનગર-અમરેલી-જુનાગઢની પોલીસ ઉપરાંત એસ.આર.પી.ની આખે આખી કં૫નીઓ પોરબંદરમાં ઉતારી દીધી અને ખારવાવાડમાં વારંવાર કોમ્બીગ કરવામાં આવ્યા.
છતા આ ગેંગવોરમાં કોઇ ફેર ન પડ્યો. પોલીસ જેવી જાય એટલે પાછળી ધબધબાટી બોલવાની ચાલુ થઈ જતી. ફાયરિંગ થાય એટલે પોલીસ આઇ.પી.સી.ની કલમ-૩૦૭ મુજબ અને ખૂન થાય તો કલમ ૩૦૨ મુજબ એફ.આઇ.આર. નોંધવા લાગી અને ઢગલાબંધ ધરપકડો પણ થવા લાગી.
પછી તો પોલીસ હોસ્પિટલમાં ફરિયાદ લેવા જાય અને ઇજા પામનાર જણાવે કે હરીફગેંગ વાળા હતા. એટલે પોલીસ સામેની ગેંગના જે ઇસમો જેલમાં નહોય તેના નામો એફ.આઇ.આરમાં જાતે જ લખીને ગેંગના સભ્યોને ફીટ કરવા લાગ્યા. પરંતુ ગેંગવોર- હવે પોલીસની પહોંચ બહાર જતી રહી હતી.
પોરબંદરની આ વિવિધ ગેંગવોર અને આંધાધૂંધીનો ફાયદો મુંબઇ અને દુબઇ જઇ બેઠેલા દેશદ્રોહી દાણચોરીએ ‘સુવર્ણતક’ રુપે ઉઠાવ્યો અને પોરબંદરને આ દેશદ્રોહી પ્રવૃતિ દાણચોરીનું મોટુ લેન્ડીંગ પોઇન્ટ બનાવ્યું. આમ મહાત્મા ગાંધીજીની જન્મૂભમિ જુદી-જુદી ગેંગો અને બાકી હતુ તે દાણચોરોએ મક બનાવતા અનેક પ્રકારની ગુન્હાહીત અને દેશદ્રોહી પ્રવૃતિઓ બનવા લાગતા પોરબંદર સુદામાપૂરી અને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાાં અશાંતિ ફેલાતા ગુજરાત તો ઠીક પણ સમગ્ર દેશમાં બદનામ થયું.
દાણચોરી તો છેક બાબરી ધ્વંશ બાદ મુંબઇ બોમ્બ ધડાકા સુધી સમયાંતરે ચાલુ રહેલી પરંતુ તે પછી તેના ઉપર અંકુશ આવ્યો હોય તેમ જણાય છે. પરંતુ આંતરિક ધુંધવાટ અને ખૂના મરકીનો ચીલો તો ચાલુ જ હતો. પરંતુ આ દાણચોરીને કારણે સધ્ધર થયેલી ગેંગોએ જે આંતરિક ખૂના મરકી કરી તે તો રાજકારણીઓ માટે પણ ઘાતક બની!