સંતોએ ચાંદ્રાયણ, ધારણા-પારણા, પારાકવ્રત, પયોવ્રત, દધિવ્રત, માસોપ્રવાસ, ખટરસ વગેરે વ્રત દ્વારા ભગવાન અને ગુરુવર્યને રાજી કર્યા
ચોમાસાનાં ચાર માસને ચાતુર્માસ કહ્યો છે. આ મહિનાઓમાં શાસ્ત્રકારોએ તપ વ્રત ભજન કરવાનું કહ્યું છે. તેની પાછળ શારીરિક અને આઘ્યાત્મિક સુખ સમાયેલું છે. તપ કહેતા માફક સરનું ઓછુ જમવાથી ચોમાસામાં પાચન વ્યવસ્થિત થાય છે, શરીરે સ્ફુર્તિ રહે છે અને નિરોગી પણ રહેવાય છે એ શારીરિક સુખ છે. જયારે ઉપરોકત શારીરિક સુખ મળતા આપણું મન પણ શાંત બને છે. ભગવાનનાં ભજન સ્મરણ, કથા કિર્તનમાં વધુ એકાગ્ર બને છે. સાત્વિકતા વધે છે. આ હેતુઓને ધ્યાનમાં રાખી દરેક ધર્મમાં તપ, વ્રત, અનુષ્ઠાન જેને ધર્મનાં અનુયાયીઓ કરતા હોય છે એમ વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુલ સુરત ખાતે પ્રભુસ્વામીએ કહ્યું હતું.
રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલ પૂજય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીનાં સંત શિષ્યોએ ચાતુર્માસનાં પ્રથમ મહિનામાં વિશેષ તપવ્રત કરેલા. તેઓને પારણા કરાવતા પહેલા ગુરૂકુલનાં મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ ઉધાપનવિધિ કરાવેલ. જેમાં ભગવાન સ્વામિનારાયણ તુલસી દલ, ચોખા તથા પુષ્પથી પુજન તથા અભિષેકવિધિ કરેલ. સુરત ઉપરાંત નવસારી ધર્મજીવન સંસ્કૃત પાઠશાળાનાં સંતો-પાર્ષદો તથા પોઈચા-નીલકંધામ, વડોદરા, વર્ણીન્દ્રધામ પાટડી, મુંબઈ, જસદણ, કેશોદ, ઉના વગેરે ધામોમાં સેવારત સંતો પારણા અર્થે પધારેલા. સંતોએ ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ સત્સંગીજીવન ગ્રંથમાં બનાવેલા તપ જેવા કે ચાંદ્રાયણ, ધારણા-પારણા, પારાકવ્રત, પયોવ્રત, દધિવ્રત, માસોપવાસ, ખટરસ વગેરે વ્રત દ્વારા ભગવાન અને ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી આદિ સંતોને રાજી કરવા કરેલ.
તપ-વ્રતની વધુ વિગત આપતા પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, ચાંદ્રાયણ વ્રતમાં જે દંડ ચાંદ્રાયણ છે તેમાં ૧ માસ સુધી રોજ બપોરે લીંબુ જેવડા માત્ર આઠ ગ્રાસ-કોળિયા જ જમવાના, ઋષિ ચાંદ્રાયણમાં રોજ ત્રણ જ ગ્રાસ, શીશુ ચાંપ્રાયણા સવાર સાંજ ચાર-ચાર ગ્રાસ લેવાના એ રીતે રાજકોટ, મોરબી, હૈદરાબાદ, જુનાગઢ, તરવડા, ભાવનગર, રતનપર, ભાયાવદર તેમજ વિદેશમાં લંડન, અમેરીકાનાં ન્યુજર્સી, ડલાસ, કેલીફોર્નિયા, શિકણો, લોસ એન્જલ્સ, અટલાન્ટા તેમજ ઓસ્ટ્રેલિયામાં સેવારત સંતોએ તપ વ્રત કરેલા. જેમાં દંડ ચાંદ્રાયણ-૩૭ સંતોએ ઋષિ ચાંદ્રાયણ-૪ સંતો, શીશુ ચાંદ્રાયણ-૮ સંતો, ધારણા પારણા વ્રત જેમાં ૧ દિવસ ઉપવાસ એક દિવસ જમવાનું એક મહિના સુધીમાં ૪૫ સંતો એક સમય જ ભોજન લેવામાં, ૪૦ સંતો, ફલાહાર-૮, સંતો, પારાક વ્રત-૧૨ દિવસનાં સતત ઉપવાસ કરનારા પાંચ સંતો જયારે ૩૦ દિવસ સુધી કેવળ જળપાન કરનારા, જે વ્રતને માસોપ્રવાસ કહે છે તે છ સંતોએ કરેલ. ભોજનમાં કેવળ બે વસ્તુ જ જમવાળા-૭ સંતો, પયોવ્રત-બે સંતો, દઘિવ્રત-૩ સંતો, કેવળ કાચુ ફ્રુટ જ લેનારા ૮ સંતો હતા. રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલથી ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સથી આશીર્વાદ પાઠવેલ જે સાંભળી સંતોએ ધન્યતા અનુભવેલ.