- ગીરની આ પાવન ભૂમિ પર રૂ.16 કરોડના ખર્ચે થશે વિકાસ કાર્યો: ભુપેન્દ્ર પટેલ
- શ્રીબાઈ આશ્રમ ખાતે કમ્પાઉન્ડ વોલ, સ્કલ્પચર, આર્ટ, પેવર બ્લોક, રિવરફ્રન્ટ, ઘાટ તેમજ પ્રવાસીઓ માટે અન્ય સુવિધાઓ વિકસાવાશે: મંત્રી મુળુભાઈ બેરા
- શ્રી બાઈ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટયો
Gujarat News
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પ્રજાપતિ સમાજના વિશ્વવિખ્યાત અને આરાધ્ય સ્થળ એવા તાલાલા ખાતે આવેલ શ્રીબાઈ માતાજીના ધર્મસ્થાન ખાતે આયોજીત નૂતન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતાં.
આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શ્રીબાઈ માતાજી પ્રજાપતિ સમાજના આરાધ્ય માતાજી છે. પ્રજાપતિ સમાજ સરળ અને મહેનતુ છે. એ ભલો અને કામ ભલુંનો મંત્ર અપનાવીને આ સમાજ સ્વમહેનતે આગળ આવ્યો છે.
દરેક ધાર્મિક સ્થળો માટે રાજ્ય સરકાર જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. તેમ જણાવી તેમણે જણાવ્યું હતું કે, એક મહિના પહેલા 22 તારીખે જ હિંદુધર્મના આસ્થાના પ્રતિક એવા અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાની સ્થાપના થઈ હતી અને આજે બરાબર એક મહિના બાદ 22 તારીખના રોજ શ્રીબાઈ માતાજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે.
આપણા વારસા અને વિરાસત પર ગૌરવ થાય તે રીતે વિકાસ કરીને અન્યોને પણ ગુજરાતે રાહ ચીંધ્યો છે. શ્રીબાઈ માતાજી ધર્મસ્થાનના રૂ.16 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે તેની વિગતો આપી મંદિર ખાતે સ્થાપિત 4000 કિ.ગ્રાના ઘંટનું મુખ્યમંત્રીશ્રીએ સ્ટેજ પરથી ડિજિટલી લોકાર્પણ કર્યું હતું.
વાઈબ્રન્ટ ગુજરાતની શૃંખલાના કારણે ગુજરાતમાં ધંધા-રોજગાર માટે દુનિયાભરમાંથી ઉદ્યોગો આવી રહ્યાં છે. આ ઉદ્યોગો માટે સ્કિલ્ડ મેનપાવરની જરૂર હોય છે. આ સમયે ઉદ્યોગને અનુકૂળ એવા સ્કિલ્ડ મેનપાવર માટે તે માટેનું શિક્ષણ જરૂરી છે. આપણા દીકરા-દીકરીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધી રહ્યાં છે. તેથી ચોક્કસ આ દિશામાં આપણે સફળ થઈશું તેની ભૂમિકા તેમણે આપી હતી.
પહેલા રૂ. એક લાખનું કામ કરવા માટે બહુ તકલીફ પડતી હતી. જ્યારે આજે રૂ.16 કરોડનું કામ સરળતાથી મંજૂર કરી દેવામાં આવે છે. રાજ્ય સરકારે પર્યાવરણની ચિંતા કરીને વિકાસ કરવાની નેમ લીધી છે. આ વર્ષે રૂ. 3.32 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ ગુજરાત સરકારે રજૂ કર્યુ છે. નીતિ આયોગ પ્રમાણે નાણાંકિય વ્યવસ્થાપનમાં ગુજરાત રાજ્ય દેશમાં નંબર 1 પર છે. ત્યારે, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા વિકસિત ભારત 2047 માટે ગુજરાતે લીડરશીપ લીધી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની જે રાહ ચીંધી છે તેના મીઠાં ફળ આજે આપણને મળી રહ્યાં છે. પ્રજાપતિ સમાજના આસ્થાના સ્થળ એવા શ્રીબાઈ ધામમાં દેશ-વિદેશમાંથી અનેક લોકો પધારે છે ત્યારે આ સ્થળ ખાતે શૈક્ષણિક સંકુલ માટે પણ જગ્યા ફાળવવામાં આવી છે.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આ ભૂમિ સંત શુરા અને સાવજની છે. સોરઠની આ શૌર્યભૂમિ પર 33 કરોડ દેવતાનો વાસ છે. ગરવો ગીરનાર અને હરિ અને હરનો સમન્વય ધરાવતી ભૂમિ પર આઈકોનિક ગ્રેટર ગીર યોજના હેઠળ શ્રીબાઈ ધામને વિકસાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
તેમણે જૂની સ્મૃતિઓ વાગોળતા જણાવ્યું કે, સને 1995માં એટલે કે 29 વર્ષ પહેલા મેં જ્યારે પ્રથમવાર મંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારે સૌ પ્રથમ આ મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો. આ સ્થળે જ્ઞાતિબંધુ અને પરિવારજનો મહત્વના પ્રસંગે એકઠા થઈ સુખ-દુ:ખ વહેંચે છે અને દીકરા-દીકરીઓને ધર્મસંસ્કાર આપે છે. અહીં યુવાઓ માટે તાલીમ વર્ગો સહિત શૈક્ષણિક અને સામાજીક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ થતી રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સાસણ, ગીર અને ગીરની આસપાસના ક્ષેત્રમાં ઐતિહાસિક સ્થળમાં પણ વિકાસ થાય તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે. આ માટે આઈકોનિક ગ્રેટર ગીર પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને આગામી સમયમાં શ્રીબાઈ આશ્રમ ખાતે કમ્પાઉન્ડ વોલ, સ્કલ્પચર, આર્ટ, પેવરબ્લોક, રિવરફ્રન્ટ, ઘાટ તેમજ પ્રવાસીઓ માટેની અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ માટે આર્કિટેક્ટની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.શ્રીબાઈ ધામના ટ્રસ્ટી મુકેશભાઈ દેવળિયાએ મુખ્યમંત્રીનું પ્રજાપતિ સમાજવતી અભિવાદન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ રાજ્યસભા સાંસદ સર્વ દિનેશભાઈ અનાવડિયા, ચુનીભાઈ ગોહેલ, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમાર, કલેક્ટર ડી.ડી.જાડેજા ,જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, આગેવાન સર્વ ઝવેરીભાઇ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, દિલીપભાઈ બારડ, વિનોદ ચાદેગરા, લીલુબેન જાદવ, અભયભાઈ ઉનડકટ, લલિતભાઈ ચાંદેગરા, સત્તાધાર મંદિરના મહંત વિજયદાસજી મહારાજ સહિત અધિકારીઓ, સ્થાનિક નાગરિકો તેમજ મોટી સંખ્યામાં શ્રીબાઈ માતાજીના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રીની સરળતા અને સહ્રદયતા
શ્રીબાઈ માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાનું પ્રાસંગિક પ્રવચન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ તેમની સરળતા અને સહ્રદયતાનો પરિચય કરાવતા પોતાના આત્મિયજન હોય તે રીતે ઉપસ્થિત જનમેદની વચ્ચે જઈને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
મુખ્યમંત્રી એ તેમના પ્રવચનમાં પણ લાંબા સમયથી બેઠેલા અનુયાયીઓની શિસ્ત અને શાંતિની પ્રશંસા કરી હતી.મુખ્યમંત્રી સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરી પરત જતા હતાં ત્યારે ગામની ભાગોળે ઉભેલા લોકોનો પોતાના પ્રત્યેનો ભાવ જોઈને મુખ્યમંત્રી તેમના કાફલાને રોકાવીને નીચે ઉતર્યા હતાં અને ગામલોકોના સ્નેહ અભિવાદનને સહર્ષ સ્વીકાર્યું હતું.
શ્રી બાઈ માતાજીનું સ્થાનક ભકત પ્રહલાદની કથા સાથે જોડાયેલું પૌરાણીક સ્થાન છે
સૌરાષ્ટ્ર સંત, શુરા, ભક્ત અને સતીઓની ભૂમિ છે. પ્રભાસ ક્ષેત્રમાં આવેલ તાલાલા સતયુગમાં હિરણ્યખંડના નામથી જાણીતું હતું. જેના રાજા દાનવ રાજ હિરણ્યકશીપુ હતાં. જંગલની વનરાઈથી ઘેરાયેલા પહાડોમાંથી વહેતી અને સોમનાથથી ત્રિવેણી સંગમમાં મળતી હિરણાવતી (હિરણ) નદીના પાવન તટ પર તાલાલામાં ધર્મને બચાવવા માટે પ્રજાપતિ શ્રીબાઇ માતા (સેજુબાઇ) અને પિતા રિધ્ધેશ્વરના ઘરે મહાસુદ બીજને દિવસે તેમનું પ્રાગટ્ય થયું હતું.
એક કથા અનુસાર સતયુગમાં રાજા હિરણ્યકશીપુને બ્રહ્માજીની તપસ્યાને કારણે અમર થવાનું વરદાન મળ્યું હતું. અમર થવાનું વરદાન મેળવી તેણે રાજ્યની જનતા પર અત્યાચાર શરૂ કર્યા અને ધર્મ કાર્ય અને ભગવાનના નામ પર પ્રતિબંધ લગાવ્યો.
એ સમયે શ્રીબાઈ માતાજીએ અને સિદ્ધેશ્વર (હરિદાસ) દંપતિએ ધર્મની રક્ષા કરવા જમીનમાં ભોંયરૂ ખોદાવી ધીમે-ધીમે ભક્તિ સાથે સત્સંગ અને ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો અને સતત સનાતન ધર્મની જ્યોતિને પ્રજ્જવલિત રાખી. એવું પણ કહેવાય છે કે, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય આ વિસ્તારમાં થયું હતું.
દંતકથા અનુસાર શ્રીબાઈ માતાજીએ સળગતા નિંભાડામાંથી બિલાડીના બચ્ચાને જીવનદાન અપાવી ભક્ત પ્રહલાદને શ્રી હરિની પ્રતિતિ કરાવી હરિનામનો મહામંત્ર આપ્યો હતો. ભક્ત પ્રહલાદના ગુરુ શ્રીબાઈ માતાજી સમસ્ત પ્રજાપતિ સમાજના આરાધ્ય ઇષ્ટ દેવી છે.