ટેગિંગની મદદથી ગીધના સ્થળાંતર, વસવાટ, સ્થાન વગેરેને મળશે માહિતી
કેન્દ્ર સરકાર દ્વારા ગીધ પક્ષીના સંરક્ષણ માટેનો વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધીનો એક્શન પ્લાન ભારતના મહાન પક્ષીવિદ પદ્મ વિભૂષણ ડો સલીમ અલીની યાદમાં તેમની ૧૨૪ મી જન્મજયંતી ૧૨ નવેમ્બર ૨૦૨૦ ના બહાર પાડવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગુજરાત વન વિભાગ દ્વારા કૂલ ૬ ગીધ પક્ષીઓને સૌરઊર્જા સંચાલિત ટેગ લગાવવામાં આવ્યા છે. આ કાર્યમાં હાલમાં બે સફેદ પીઠ ગીધ, ત્રણ ગીરનારી ગીધ અને એક રાજગીધને ટેગ કરવામાં આવ્યા છે.
ગીધને ટેગ કરવાનું કાર્ય ૧૨ ઓકટોબર થી ૧૨ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન સાસણ અને મહુવા ખાતે કરવામાં આવ્યું હતુ. આ ટેગિંગ ની મદદથી ગીધના સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર વગેરે બાબતોની માહિતી મળી શકશે.
ભારત દેશમાં કુલ ૯ પ્રકારના ગીધ પક્ષીઓ જોવા મળે છે, જે પૈકી ગુજરાત રાજ્યમાં આઠ પ્રજાતિઓ નોંધાયેલી છે, જેમાં ચાર સ્થાનિક છે જ્યારે ચાર યાયાવર છે.
ગીધની વસ્તીમાં થઈ રહેલા તીવ્ર ઘટાડાને અને ભવિષ્યની તેના સંરક્ષણની બાબતને ધ્યાનમાં રાખતા; તેના ખોરાકના સ્થળો, પ્રવાસ ના માર્ગો અને તેની ચોક્કસ ઊંચાઈઓ, રાતવાસાના અને પ્રજનનના સ્થળો તેમજ તેના વ્યાપ વિસ્તાર અંગેની ઊંડાણ પૂર્વકની અને વૈજ્ઞાનિક માહિતી હોવી અત્યંત અનિવાર્ય છે. આથી, વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર, વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ગીધ પક્ષી પર સેટેલાઈટ ટેગ લગાડવા બાબતનો એક પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની મંજૂરી સાથે શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, ગીધ પક્ષીઓના આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞો સાથે આ બાબતની ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી તેમજ તેમનું માર્ગદર્શન મેળવી ગીધ માટે સુયોગ્ય હોય તેવા સૂર્યશક્તિ થી ચાલતા ટેગ કૂલ છ ગીધ પર લગાવવામાં આવ્યા છે.
આ કામગીરી શ્યામલ ટીકાદર, અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ગુજરાત રાજ્ય ડી. ટી. વસાવડા, મુખ્ય વન સંરક્ષક, જૂનાગઢ વન્યજીવ વર્તુળ અને ડો. મોહન રામ, નાયબ વન સંરક્ષક, વન્યજીવ વિભાગ સાસણ-ગીરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. પક્ષીના વિશેષજ્ઞ અને અગાઉ ટેગિંગ બાબતે અનુભવ ધરાવતા ધ કોર્બેટ ફાઉન્ડેશનના દેવેશ ગઢવીની તજજ્ઞ તરીકે મદદ લેવાઈ હતી. ભાવનગર ખાતે સ્થાનિક તજજ્ઞ તરીકે માનદ વન્યજીવ સંરક્ષક ડો. ઇન્દ્ર ગઢવી અને મહુવા ખાતે અગાઉ ગીધ પર કાર્ય કરી ચૂકેલા ડો.પી.પી.ડોડીયા પણ સહાયરૂપ થયા હતા. સમગ્ર કાર્ય દરમિયાન વૈજ્ઞાનિક માહિતીના એકત્રીકરણ અને અન્ય જરૂરી બાબતો અંગેની કામગીરી સાસણ વન્યજીવ વિભાગના સંશોધન કાર્ય સાથે જોડાયેલા ડો ધવલ મહેતા અને કરશન વાળા દ્વારા કરવામાં આવેલ તેમ સાસણના નાયબ વન સંરક્ષક ડો.મોહન રામે અખબારી યાદીમાં જણાવ્યું છે.