- વિકાસની મોટી વાતો કરવા સરકારે દિવ્યાગો અને સીનીયર સીટીઝન માટે રેલવે સ્ટેશને એસ્કેલેટર અને લીફટની સુવિધાની તાતી જરૂર: સોશ્યલ મીડિયા મારફત રોષ પ્રગટ કર્યો
ગુજરાતનાં જાણીતા હાસ્ય કલાકાર જય છનીયારાની વેદના સામે આવી છે. સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરતા જય છનીયારા મોટાભાગે રેલવેમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ રાજકોટ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 4 પર લિફ્ટ કે એસ્કેલેટરની સુવિધા નહીં હોવાને કારણે તેમના જેવા દિવ્યાંગ અને સિનિયર સિટીઝનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનો જણાવ્યું હતુ, રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રેન આવે ત્યારે બ્લડપ્રેશર વધી જાય છે, વિકાસની વાતો કરતા પહેલા સરકારે દિવ્યાંગો તેમજ સિનિયર સિટીઝનો માટે સરકારે એસ્કેલેટર કે લિફ્ટની સુવિધા કરવી જરૂરી છે.
દિવ્યાંગ વ્યક્તિને પગથિયાં ચડવા કે ઉતરવામાં કેવી મુશ્કેલી પડે છે તે દર્શાવતો વીડિયો જય છનીયારા દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા મારફતે રોષ પ્રગટ કર્યો, તથા દિવ્યાંગ વ્યક્તિ કે, સિનિયર સિટીઝન થોડા પગથિયાં ચડવા કે ઉતરવામાં કેટલા હેરાન થાય છે તે સ્પષ્ટ જોવા મળે છે. રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પર કોઈ પ્રકારની એસ્કેલેટર કે લિફ્ટની સુવિધા નથી. જેના કારણે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો ખૂબ જ પરેશાન થાય છે. છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ પરિસ્થિતિ છે. સરકાર મોટા ખર્ચ કરે છે. પણ લિફ્ટ કે એસ્કેલેટર જેવી નાનકડી સુવિધા અપાતી નથી. –
વેદના ઠાલવતા કહ્યું હતું કે, મારી રોજીરોટી અને આજીવિકા ચલાવવા માટે છેલ્લા ઘણા સમયથી રાજકોટ રેલવે સ્ટેશનથી અલગ અલગ સ્થળે મારા હાસ્યનાં કાર્યક્રમો કરવા માટે જતો હોવ છું. પણ જ્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રેન આવે ત્યારે અમારું બ્લડપ્રેશર વધી જાય છે. કારણ કે, ત્યાં જવા માટે દિવ્યાંગો કે સિનિયર સિટીઝનો માટે પણ લિફ્ટ કે એસ્કેલેટરની સુવિધા નથી. તેમજ કોઈ બેટરી કે બેબી કારની સગવડ પણ નથી.
વિકાસની વાતો કરતા સરકારી તંત્રને અને વારંવાર ભાડા વધારતા રેલવે તંત્રને જાહેર જનતાને સામાન્ય સુવિધા આપવામાં વર્ષો નીકળી જાય છે. છેલ્લા 3-4 વર્ષોથી રાજકોટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર આવતી ટ્રેનો દિવ્યાંગ અને સિનિયર સિટીઝન લોકોનું બ્લડપ્રેશર વધારતી રહે છે. લિફ્ટ કે એકસિલેટર વગર મહામુસીબતે ત્યાં પહોંચતા વડીલો અને દિવ્યાંગો કોઈ યુદ્ધ લડીને આવ્યા હોય એવી હાલત હોય છે.
- જેના કારણે દિવ્યાંગો તેમજ સિનિયર સિટીઝનોને અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
જોકે, હાલ અહીં જવા માટે લિફ્ટની કામગીરી કરવામાં આવી રહી. થોડા મહિનાઓમાં આ લિફ્ટ સંપૂર્ણપણે તૈયાર થઈ જવાની શક્યતા પણ જણાઈ રહી છે.
સુવિધા લાંબા સમયથી નહીં હોવાને કારણે તેમને અનેકવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સમસ્યા નિવારવા પ્લેટફોર્મ નંબર 4 પૂરતી સુવિધા ઉભી ન થાય ત્યાં સુધી બંધ કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.
- પ્લેટફોર્મ નંબર-4 પર નવી લિફ્ટની કામગીરી 40 % પૂર્ણ : ડી.આર.એમ અશ્વિનીકુમાર
અબ તક સાથેની વાતચીતમાં ડી આર એમ અશ્વિની કુમારે આ અંગે ખુલાસો આપતા જણાવ્યું હતું કે રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પર નવી લિફ્ટ ની કામગીરી શરૂ જ છે આ ઉપરાંત 40% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે દિવ્યાંગો કે સિનિયર સિટીઝનને કોઈ તકલીફ ન પડે તે માટે પાર્સલ ઓફિસ પાસેથી એક રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે જે સીધો પ્લેટફોર્મ નંબર ચાર
પર જાય છે આ ઉપરાંત સ્ટેશન માસ્ટર પાસેથી વીલ ચેર વીલ ચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તા.31 ની સુધી કામગીરી પૂર્ણ થઈ જશે, લાઇસન્સ તેમજ કાગળ તૈયાર થતા 5 -10 દિવસ વધી શકે છે પ્લેટફોર્મ નંબર 1 -2 પર તમામ સુવિધા છે માત્ર પ્લેટફોર્મ નંબર 4 પર દિવ્યાંગો તેમજ સિનિયર સિટીઝન વ્યવસ્થા કરવામાં આવી રહી છે