વન-ડે મેચની છેલ્લી ઓવરમાં બેસ્ટમેન બોલર પર હાવી થાય તે રીતે એક માસના ટૂંકા સમયમાં ફોજદાર જયદેવ ગુનેગારો પર હાવી થયો: વાંકાનેરમાં સ્વતંત્ર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળનાર જયદેવની એક માસમાં બદલી
ધોરાજી ખાતે ફોજદાર જયદેવનો એક વર્ષનો અજમાયશી સમય પુરો થવામાં હતો. તેની સાથે જ જેતપુરના રાણા તથા ગોંડલ અને મોરબીના અજમાયશી ફોજદારોનો પણ સમય પુરો થતો હતો.
પોલીસ ખાતામાં પહેલા એવો નિયમ હતો કે પ્રોબેશન પીરીયડના એક વર્ષની કામગીરી અને દેખાવ મુજબ ફોજદારોને સામાન્ય સારા કે ઉત્કૃષ્ટ જે પ્રકારની કામગીરી હોય તે પ્રમાણે જે તે પોલીસ સ્ટેશનમાં સ્વતંત્ર્ય નિમણુંક આપવામાં આવતી પરંતુ હાલમાં અનુભવે એવું જણાય છે કે આ નિયમ મૃતપ્રાય: થઇ ગયો છે. હાલમાં સામન્ય રીતે કોઇ સક્ષમ અધિકારી આ નિયમ લાગુ કરવા ઇચ્છતા હોવા છતાં અન્ય પરિબળો જેવા કે રાજકીય ઇચ્છાઓ કોમી તૃષ્ટીગુણ જે તે અધિકારીઓની જ‚રીયાત અને અન્ય ભલામણોને કારણે અમલ કરી શકતા નથી. અને કાર્યદક્ષતાને બદલે આ પરિબળોની અસર તળે જ નિમણુંકો કરવી પડતી હોય છે.
જેથી પોલીસ અધિકારીઓ પણ જરુરી નિમણુંક મેળવવા માટે કાર્યદક્ષતા કેળવવાને બદલે આ ઉપર જણાવેલ ચાર પરિબળો પૈકી કોઇ એક કે વધારે પરિબળોનો પ્રેમ સંપાદન કરવાની હરીફાઇમાં લાગી જતાં હોય છે. આથી કાર્યકદક્ષતા કેળવવાની સામાન્યરીતે કોઇ પરવા કરતું નથી. તે તો ચાલ્યા કરે આવડુ મોટું પોલીસ દળ છે. આપણા એકથી શું ફેર પડવાનો તેમ માનીને !
અત્યારના સમયમાં સમાજના તમામ ક્ષેત્રોમાં આ પોલીસ સ્ટેશન અધિકારી ફોજદાર કે પોલીસ ઇન્સ્પેકટર નો હોદો સત્તાધારીઓ નું તૃષ્ટિગુણ સંતોષવાનું સાધન બની ગયેલ છે. આથી જે પોલીસ અધિકારીને જે વિસ્તારમાં નિમણુંક જોઇતી હોય તે ફોજદાર કે પી.આઇ.તે વિસ્તારના અસરકારક એક અથવા વધુ પરિબળો નો સંપર્ક કરી તેમની સાથે મીંટીગો કરી ભલામણો કરાવી તેમના તમામ તૃષ્ટિગુણ તથા ભવિષ્યની જ‚રીયાતો મુજબ તૃષ્ટિગુણ સંતોષવામાં આવશે; તેવી બાંહેધરીઓ આપીને પોતાની ઇચ્છીત જગ્યા ઉપર નિમણુંક મેળવતો હોય છે.
આવી નિમણુંક પછી નિયમીત કે પ્રસંગોપાત પોતાના પક્ષના કે વહાલા દવલાના પ્રસંગોએ આ પોલીસ અધિકારીને આ પરીબળો ટેલીફોનથી જ સલાહ અને સુચના આપી દે છે. આવા પ્રસંગેમાં ફરીયાદ લેવી કે નહિ, કેવી હળવી કે ભારે કલમો લગાડવી. ધરપકડ કરવી લોકઅપમાં કે બહાર રાખવા વિગેરે જેવી બાબતોમાં પણ આ પરિબળો હાવી થતા હોય છે. આથી કાર્યવાહી પક્ષપાતી અધકચરી અને શંકાસ્પદ થાય તેની નોંધ પણ સમાજ લેતો જ હોય છે. વળી આ બાબતની નોંધ મીડીયા અને પ્રેસવાળાના ઘ્યાનમાં આવે એટલે તેની બહોળી પ્રસિઘ્ધિ થતા પોલીસ ખાતાની છાપ ખરાબ પડે છે.
જો આ ફોજદાર કે પી.આઇ. ના હોદ્ાનો અધિકારી કાર્યદક્ષ અને કોઇની ભલામણ વગરનો હોય તો તે પોલીસ સ્ટેશન ની નિર્ણાયક કામગીરીઓ અવશ્ય તટસ્થ રીતે કરશે. અને કાયદેસરથી કાર્યવાહી થતા ગુન્હો કરવા કે ખોટું કરવા વાળા ભવિષ્યે ફરી વખત આવુ કરતા પહેલા સો વાર વિચાર કરશે. આ કાર્યદક્ષ તટસ્થ અધિકારીનું કાર્ય ખરેખર બહુજન હિતાય બહુજન સુખાય બની રહેશે. અને સમાજમાં એવી છાત ઉભી થશે કે ખરેખર ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’
ધોરાજી ખાતે જયદેવે એક વર્ષમાં તટસ્થ કાયદાકીય અને ઉત્સાહથી સફળ કામગીરી કરેલ હોય રાજકોટ જીલ્લાના પોલીસ વડાએ તેની કદર ‚પે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં નિમણુંક આપી રાજકોટ જીલ્લામાં સામાન્ય રીતે પ્રોબેશનલ ફોજદારોને સ્વતંત્ર નિમણુંકો ભાડલા વિછીંયા કે ટંકારા જેવા નાના પોલીસ સ્ટેશનોમાં આપવામાં આવતી હતી. જીલ્લાના પોલીસ દળમાં એવી છાપ ઉભી થઇ કે જયદેવની ધોરાજી ખાતેની કામગીરી ની કદર થઇ.
તે સમયે વાંકાનેરમાં પોલીસ ઉપર રાજકારણ અને અન્ય પરિબળોનો પ્રભાવ બહુ ખરાબ રીતે હતો. જયદેવે તેની સામે કાયદો અને નિયમો મુજબ કર્મવાહી કરી ભોગ પણ આપવાનો હતો. પોલીસ ખાતાના નિયમ મુજબ નવી નિમણુંક પછી હાજર થઇને ઉચ્ચ અધિકારીઓને ફર્સ્ટ ડ્રેસ પીકેપ ક્રોસબેલ્ટ પહેરીને મળવું પડે છે. જયાં ખાસ તો આ નિમણુંક વાળી જગ્યાની ખાસ બાબતો જેવી કે ક્રાઇમરેટ, ગુનેગારો અને કાયદો તથા વ્યવસ્થાના પ્રશ્ર્નોની ચર્ચા થતી.
પરંતુ જયદેવ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં હાજર થઇ પોલીસ વડાને મળ્યો ત્યારે પોલીસ વડાએ કહ્યું કે તમારી ધોરાજીની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે વાંકોનેર પડકાર ‚પ પોલીસ સ્ટેશનમાં નિમણુંક આપેલ છે. ત્યાંના પૂર્વ ફોજદાર પોલીસ સ્ટેશનનો સમગ્ર વહીવટ ત્યાંના રાજકારણીને પુછીને જ ચલાવતા હતા. અને ખુલ્લો પક્ષપાત થતો હોય જનતામાં પોલીસની છાપ ‘ચમચા’ની છે. તમારે હવે પોલીસનું મોરલ ઉંચુ આવે તેમ તટસ્થ અને લોકોમાં વિશ્ર્વાસ બેસે તેવું કામ કરવાનું છે. જયદેવે કહું ‘જીસર, પહેલું સ્વતંત્ર પોસ્ટીંગ છે. છતાં તે માટે મારા સંપૂર્ણ પ્રયત્નો રહેશે.’
જયદેવ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હાજર થતા પહેલા જ તેના પુરોગામી ફોજદારને અગાઉથી બદલીની ખબર પડેલ હોય સીકરજામાં ચાલ્યા ગયા હતા. પરંતુ જયદેવે નિમણુંક હુકમ મુજબ હાજર થઇ તેની કામગીરી ચાલુ કરી દીધી. જેમ સમાજમાં છે તેમ પોલીસ દળમાં પણ પેલુ સૂત્ર ‘પૂજે જનો સૌ ઉગતા રવિને’ મુજબ નવા આવનાર અમલદારની વાહ વાહ કરવામાં આવતી હોય છે. અને બદલીને જનારની બદબોઇ કરવામાં આવતી હોય છે. પરંતુ જયદેવના કીસ્સામાં તેવું કાંઇ થયું નહિ કેમ કે પુરોગામી ફોજદાર સીકમાં હતો અને રાજકીય આકાનો ખાસ ચમચો હતો. તેથી કર્મચારીઓ ને ખાત્રી હતી કે તે પાછો આવવા જ સીકમાં ગયેલ છે. પોલીસ દળ ને તે પણ ખબર હતી કે ફોજદાર જયદેવ આકરો છે અને રાજકારણીઓને શરણે જાય કે ખીદમદ કરે તેમ નથી, તેથી તેની પાછી બદલી પણ થશે.
આવા અસમંજસ સમયગાળામાં તથા સંજોગોમાં સામાન્ય રીતે પોલીસ દળના કાર્યદક્ષ કર્મચારીઓજ વ્યવસ્થીત કામગીરી કરતા હોય છે. જેની સંખ્યા ૨૦ થી ૨૫ ટકા જેટલી હોય છે. બાકીના ‚ટીન કામગીરી જ કરતા હોય છે અને બને ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં રોકાવાનું પણ ટાળતા હોય છે, તેમ માનીને કે સીક રજામાં રહેલ અધિકારી પાછા આવે તો તેમની આગળ પોતાની છાપ ખરાબ ન પડે !
જયદેવે આવા ૨૦% થી ૨૫% સ્ટાફમાંથી નકકી કરીને તેમના વડે જ પોતાની કાર્યશૈલીથી કામગીરી ચાલુ કરી દીધી. એક જ અઠવાડીયામાં વાંકાનેર પોલીસની રોનક ફરી ગઈ. જનતામાં ચર્ચા થવા લાગી કે હવે પોલીસ નિષ્પક્ષ કાર્યવાહી કરશે અને શાંતિ તથા સલામતી રહેશે. તો સામે પક્ષે રાજકારણીઓ અને ગુનેગારોમાં અતિ ઉકળાટ હતો. રાજકીય આકાને મોટુ દુ:ખ તો એ વાતનું હતું કે, ફોજદાર જયદેવ હજુ સુધી તેને મળવા પણ આવ્યો ન હતો. જયદેવે ખાનગીરાહે બાતમી મેળવી કે સીકમાં ગયેલ ફોજદાર સાથે તેનો રાયટર કોન્સ્ટેબલ તથા એક ખડુસ જમાદાર પણ સીકમાં ગયા છે અને તે તમામ તેમના રાજકીય આકાની ખીદમદ્માં નિયમિત રીતે જતા હતા.
જયદેવને વાંકાનેર હાજર થયાને પંદરેક દિવસ થયા હશે ત્યાં જીલ્લા પોલીસ વડા સાથે ટેલીફોન ઉપર વાતચીત થતા તેમણે જયદેવની કાર્યવાહીની સરાહના કરી તથા પ્રોત્સાહન આપ્યું. વાંકાનેર સી.પી.આઈ. તરીકે મનુભાઈ પટેલ હતા. જે આનંદી સ્વભાવના અને સ્પષ્ટ વકતા અને નિષ્ઠાવાન અધિકારી હતા. એક દિવસ પટેલે વાત વાતમાં જયદેવને કહ્યું કે કુંવારા લોકોને એક ફાયદો કે બદલી થાય તો કોઈ ચિંતા નહીં. જયદેવ કહેવાનો મતલબ સમજી ગયો છતા તેણે પટેલને પુછયું કેમ ? તો પટેલે કહ્યું કે એક તો તમે રાજકારણી પોઠીયાને મળવા નથી ગયા બીજુ તમારી આક્રમક કાર્યશૈલીને કારણે અને પુરો ગામી ફોજદાર આંસુ સારતો હોય તમારી બદલી ટુંક સમયમાં જ થવાની વાતો સંભળાય છે. જયદેવે કહ્યું તમે પણ બદલી સામે મનાઈ હુકમ મેળવેલ જ છે ને ? પટેલે કહ્યું, ‘જુઓ તો ખરા આગળ શું થાય છે.
જયદેવને બચપણમાં તેના કુટુંબ, સમાજ, ગામ અને શિક્ષણ માંથી જે સંસ્કારો મેળવેલા તેમાંથી તેણે પોતાની રીતે ૩-સી નો સિઘ્ધાંત તૈયાર કરેલો અને પોતાના કાર્યો તે રીતે જ કરવાનું નકકી કરેલું. જે ૩-સી માં હતા.1.confidence 2.courage 3.come what may એટલે કે ‘આત્મ વિશ્ર્વાસ, હિંમત અને પોતે જે કાર્ય કરે તે માટે જે થવું હોય તે થાય !’ પોતાના આ સિઘ્ધાંતને જયદેવ પોલીસ દળમાં જાનના જોખમના વિકટ સમયે પણ વળગી રહ્યો અને તાબાના માણસોને તે રીતે તૈયાર કરી કામ કરતો રહ્યો.
આથી જયદેવે નકકી કર્યું કે જો હવે બદલવાનું જ હોય તો પુરી તાકાતથી કામ કરવું જોઈએ. સામાન્ય રીતે જયારે પોલીસ અધિકારી અને રાજકારણીને વાંધો પડે ત્યારે આ ચડસાચડસી વખતે ધંધાદારી ગુનેગારો વધુ હડફેટે ચડતા હોય છે અને ડરી જવાથી તેઓ તેમની પ્રવૃતિ અને ગુન્હા કરવાનું પણ બંધ કરી દેતા હોય છે.
દરમિયાન મોરબીના નાયબ પોલીસ વડા વાંકાનેર આવ્યા. તેમને વાંકાનેરની રાજકીય, ખાતાકીય અને ગુનેગારોની ગતિવિધિની પુરી ખબર હતી તેમણે જયદેવને બોલાવીને કહ્યું દિકરા તારે હજુ ઘણી લાંબી નોકરી બાકી છે. આ રાજકારણીઓથી ઝઘડીને લાંબો સમય રહેવામાં સાર નહી. પોલીસને ઘણા કામ હોય છે. રાજકારણીઓનું તો સમજયા. જો બદલી થાય તો બદલી હુકમ સામે મનાઈ હુકમ લેવો નહી બીજી જગ્યાએ નિમણુક મળશે જ. તેમની વાત સાચી હતી. આટલી ઉંમરે અનુભવ ઘણો હોય. જયદેવને થયું કે ક્રિકેટની મેચમાં જેમ છેલ્લી ઓવરો રમવા મળે તેમ તેનો હવે વાંકાનેરમાં તેવો છેલ્લો સમય બાકી હતો.તેથી તેણે પણ ખંભે બેટ રાખીને ફટકા બાજી ચાલુ કરી બુટલેગરો, ગુનેગારો, માથાભારે દાદાઓને શોધી શોધીને ઠેકાણે પાડી દીધા અને નાસભાગ થઈ ગઈ.
એક બુટલેગર કમ દાદો કે જે રાજકીય આકાનો ખાસ ચમચો હતો. તેણે રેલવે પોલીસની હદમાં જઈને વાંકાનેર રેલવે સ્ટેશન ઉપર પોતાનો કારોબાર ચાલુ કર્યો. જયદેવને અગાઉનો જેતલસર જંકશનની રેઈડનો અનુભવ હતો જ. તેણે રેલવેની હદમાં જઈ વાંકાનેર રેલવે સ્ટેશનમાંથી ગુલાબ નામના દાદાના અડ્ડાને ધમરોળી નાખ્યો અને આ દાદાની યાદગાર પોલીસ સરભરા કરી. શહેર આખામાં આની ચર્ચા થઈ. સજ્જનો આનંદમાં આવી ગયા. બંધાણીઓ નિ:સાસા નાખવા માંડયા. જીલ્લા પોલીસ વડા સમક્ષ વિચિત્ર રીતે રજુઆત થઈ પરંતુ તેઓ તો આ સાંભળી વધુ ખુશ થયા અને બદલવાની તો વાત જ ન કરી.
આ રેલવે સ્ટેશનની રેઈડ પછી તમામ અસામાજીક તત્વો, રાજકારણીઓ, સીકમાં રહેલ ખડુસ જમાદાર વિગેરેએ ભેગા મળીને સમગ્ર પોલીસ તંત્રને ધંધે લગાડવાનું આયોજન કર્યું. એકબાજુ જયદેવને આઉટ ડોરની કામગીરી ઘણી વધારે હતી બીજીબાજુ રાયટર કોન્સ્ટેબલ તો ચમચાની ફોજમાં ભળી ખીદમદગાર તરીકે હજુરમાં હતો. તેથી જયદેવને ઘણો જ સમય માગી લે તેવી ઓફિસની ઈન્ડોર કામગીરી પણ જાતે કરવી પડતી હતી. આ તકનો લાભ લઈ ખડુસ જમાદાર જે પણ સીકમાં હતા તેમણે આ સંતુષ્ટોને સલાહ આપી કે જો વાંકાનેરમાં ચોરીઓનો ઉપદ્રવ વધારવામાં આવે તો જયદેવ આખી રાત રખડતો રહે તેથી દિવસે ગુનેગારો બુટલેગરોને રાહત રહે અને લીલા ચાલ્યા કરે વળી ચોરીઓ થવા લાગે તો પ્રજા પણ રાડ નાખી ત્રાસી જાય અને પોલીસ વિરુઘ્ધ દેકારો બોલે આથી ફોજદારની બદલી કરવી જ પડે તેવા સંજોગો ઉભા થાય. આથી આ ચંડાળ ચોકડી (રાજકારણી, સીકમાં રહેલ ફોજદાર, જમાદાર, કોન્સ્ટેબલ અને બુટલેગર ગુનેગારો)એ ચોરી કરતી ધંધાદારી ગેંગને વાંકાનેરમાં ઉતારી નવા આવેલ ફોજદારને પાઠ ભણાવવાનું કાવત્રુ કર્યું.
જયદેવ દિવસે આઉટડોર કામગીરી કરતો અને રાયટર સીકમાં ગયેલ હોય પોતે સાંજે વાળુ પાણી કરીને મોડીરાત સુધી ઓફિસમાં બેસીને કાગળોનું કામ કરતો. એક દિવસ રાત્રીના જયદેવ મોડે સુધી એકલો બેસીને લખતો હતો. ડ્રાઈવરનો દિવસે ઉપયોગ થઈ શકે માટે ઘેર જવા દીધો હતો. મોડી રાત્રે કામ પતાવીને જયદેવ પોલીસ સ્ટેશન બહાર રોડ ઉપર આવતા જ એક રાહદારી કે જે બજારમાંથી ચાલીને આવતો હતો તેણે જયદેવને કહ્યું કે સામે બજારમાં સોનીની દુકાનમાં ચોર આવ્યા લાગે છે અને દુકાન તુટી લાગે છે. આથી જયદેવ તુરંત જ ત્યાં દોડયો. પરંતુ જયદેવના દોડવાના પગલાનો અવાજ સાંભળીને ચોર ટોળકી દુકાનમાંથી નીકળીને ઝડપથી જેમ તેમ ભાગ્યા સામે એક ગલી હતી અને તેમાં અંધા‚ હતું તેમાં નાસ્યા. જયદેવને આ ગલીનો જેવો તેવો ખ્યાલ હતો કે ગલી પુરી થતા દિવાલ છે અને દિવાલની પછી મચ્છુ નદી છે. ગલીમાં સાવ અંધારુ હોવા છતાં થોડે સુધી જયદેવ ગયો પરંતુ કાંઈ જ દેખાતું નહી હોય તે ચોરો સાંભળે તે રીતે મોટેથી રાડ પાડીને બોલ્યો કે રીવોલ્વરમાંથી ફાયરીંગ કરુ છું, ત્યાં ઓચિંતો જ સાયકલો અથડાવાનાે અને જથ્થાબંધ સાયકલો પડવાનો અવાજ આવ્યો. જયદેવને આરોપીઓને જુલાબ આપવા રીવોલ્વરમાંથી ફાયરીંગ કરવુ હતુ પરંતુ રીવોલ્વર લોડેડ ન હતી અને અંધારામાં લોડ કરવામાં મુશ્કેલી પડે તેમ હતી.
દરમ્યાન પોલીસ સ્ટેશનમાંથી પણ જમાદાર દોડીને આવી ગયા અને જમાદારે જયદેવને કહ્યું, ‘સાહેબ પાછળ મચ્છુ નદી છે. તેમાં ચોરો નાસી ગયા છે. આથી જયદેવે પુછયું તો હવે આ ચોર નદીમાંથી બહાર કયાંથી નીકળે ?’ જેથી જમાદારે કહ્યું કે હવે પાછા મોરબી હાઈવે ઉપર કદાચ નીકળે અને ત્યાંથી નાસી જાય. જેથી જયદેવે પોલીસ લાઈનમાંથી તાત્કાલિક ડ્રાઈવરને બોલાવી પેટ્રોલીંગ ચાલુ કરી મોરબી હાઈવે ઉપર બે પોલીસ કોન્સ્ટેબલને નાકાબંધીમાં રાખીને પોતે બજારમાં આવ્યો તો બજારમાં બીજી એક જગ્યાએ પણ ચોરીની કોશીષ થઈ અને જયદેવ ત્યાં પહોંચ્યો તે પહેલા ચોર નાસી ગયા હતા.
જયદેવે જીપ લઈને વાંકાનેર શહેર સમગ્રમાં પોલીસ દળ અને જીપને ઘુમાવી ચોરોનો સખત પીછો કર્યો પરંતુ ચોર નાસવામાં સફળ થયા હતા. સવારે મચ્છુ નદીમાંથી એક સોનીની તીજોરી મળી આવી જે અકબંધ હતી. તોડવા કોશીષ કરેલ પરંતુ તુટેલ નહીં. આ ધંધાદારી ચોરો રીવોલ્વર ફાયરીંગમાંથી બચવા મચ્છુ નદીમાં ખાબકયા હતા. ચોરીમાં કોઈ મુદામાલ ચોરવામાં સફળ થયા ન હતા અને પકડાવામાંથી બચીને મહામહેનતે ભાગવામાં સફળ થયા હતા.
આ બનાવથી જયદેવ વધુ ચીડાયો અને વધારે આક્રમક બની બુટલેગરો અને ગુનેગારોની ખબર લેવા માંડયો. આથી ચંડાળ ચોકડી નિરાશ થઈ ગઈ. કોઈ કારી ફાવતી ન હતી. આ સંઘર્ષ અંગે પોલીસદળમાં તો ઠીક પણ સમાજના વિવિધ વિભાગો સરકારી કર્મચારીઓમાં પણ તરેહ તરેહની ચર્ચા થવા લાગતા અસંતુષ્ટ રાજકારણીઓ આ ચર્ચાઓથી નારાજ થઈ ગયા પરંતુ જીલ્લા પોલીસ વડા જયદેવની કોઈ હિસાબે બદલી કરતા ન હતા. તે સમયે ફોજદારની બદલી જીલ્લાના પોલીસ વડા કે રેન્જના પોલીસ વડા અથવા રાજયના પોલીસ વડા કરતા હતા. પરંતુ રાજયના ઈતિહાસમાં સૌપ્રથમ વખત રાજયના ગૃહ ખાતાએ ફોજદાર જયદેવને વાંકાનેરથી બદલતો હુકમ કર્યો. આમ જયદેવની એક જ મહિનામાં પાછી બદલી થઈ.
વાંકાનેરમાં જયદેવનું પ્રથમ સ્વતંત્ર પોસ્ટીંગ હતું અને પહેલી નિમણુકમાં જ ‘પ્રથમ ગ્રાસે મક્ષીકા’ એટલે કે પહેલે કોળીયે માખી આવવા જેવો ઘાટ થયો અને હવે જયદેવને તેની નિવૃતિ સુધી આ પરંપરા ચાલુ રહેવાની હતી. આમ તો જયદેવને બદલીથી કોઈ ફેર પડયો ન હતો. તે પાછો રાજકોટ ‚રલ કંટ્રોલ‚મમાં આવી ગયો ત્યારે પોલીસ વડા પાંચ દિવસની રજા ઉપર હતા. જયદેવે વળી પાછા કરણપરા સીટી ગેસ્ટ હાઉસમાં ધામા નાખ્યા!