કાચિંડાની જેમ હવામાન રંગ બદલી રહ્યું છે
બેંગ્લોરમાં હવામાનનો અનોખો મિજાજ : શહેરની બહાર મેઘરાજાના દે ધનાધનથી ફ્લાઇટના શેડ્યુલ ખોરવાઈ ગયા, ત્યારે શહેરની મધ્યમાં ધૂળની ડમરી ઊડતી હતી
કાચિંડાની જેમ હવામાન રંગ બદલી રહ્યું છે. જેમાં ગઈકાલે બેંગ્લોરમાં હવામાનનો અનોખો મિજાજ જોવા મળ્યો હતો. શહેરના એક છેડે ભારે વરસાદથી વિમાનોને ડાયવર્ટ કરાયા હતા તો બીજા છેડે કોરૂ ધાકડ હતું. આમ ગ્લોબલ વોર્મિંગની અસર તળે હવે હવામાનમાં અવિશ્વસનીય પલ્ટા આવી રહ્યા છે.
કર્ણાટકમાં મંગળવારે ચક્રવાતી દબાણની અસર જોવા મળી હતી, જ્યાં ગત સાંજથી શરૂ થયેલ વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો.જેના કારણે કર્ણાટકની રાજધાની બેંગલુરુ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે બેંગલુરુ એરપોર્ટની નજીક ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ હતી, પરિણામે 14 ફ્લાઈટ્સ ડાયવર્ઝન અને 6 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને અસુવિધા થઈ હતી. લોકોના ઘરે પહોંચવામાં ઘણો વિલંબ થયો હતો.
મંગળવારે સાંજે 4 વાગ્યા પછી હવામાનમાં અચાનક પલટો આવ્યો અને ભારે વરસાદ અને પવન ફૂંકાવા લાગ્યો, જેના કારણે ફ્લાઈટ્સ ઉડી શકી નહીં. જે 14 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી તેમાંથી 12 ફ્લાઈટને ચેન્નાઈ, એક કોઈમ્બતુર અને એકને હૈદરાબાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે અચરજની વાત એ હતી કે બેંગ્લોરમાં બહારના છેડે એરપોર્ટ પાસે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેને કારણે ફ્લાઇટના શેડ્યુલ પણ ખોરવાઈ ગયા હતા. પરંતુ શહેરની મધ્યમાં કોરું ધાકડ હતું. આમ હવામાનનો અનોખો મિજાજ બેંગ્લોરમાં જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે ગ્લોબલ વોર્મિંગની અસર તળે વિશ્વભરમાં હવામાનમાં અનેક ફેરફારો આવી રહ્યા છે. જેનું ઉદાહરણ અત્યારે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. ભરઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે સમયે ધોમધખતા તાપ સાથે 40 ડીગ્રી ઉપર તાપમાન રહેવું જોઈએ ત્યારે વરસાદ અને કરા પડી રહ્યા છે.