ટંકારાના જબલપુરના ખેડૂત મગનભાઈ કામરિયાએ આગવી કોઠા સુઝ અને વિજ્ઞાનના સમન્વયથી પોતાની વાડીમાં ઉગાડયા થાઈલેન્ડ જામફળ
થાઈ જામફળમાં એન્ટી ઓક્સિડન્ટ, પ્રોટીન ફાઈબર, વિટામીન-સી સફરજન કરતાં ચારથી બસ્સો ગુણ વધારે
અબતક, રાજકોટ
સામાન્ય રીતે જામફળની સાઈઝ નાની અને વજન 150 થી 200 ગ્રામ આસપાસ હોય છે. પરંતુ તમને કોઈ કહે છે 1 કિલો 217 ગ્રામનું જામફળ ખેતરોમાં પાકે છે તો આ વાત તમને સાચી લાગશે ખરી ? પણ હા આ વાત સાચી છે ટંકારાના જબલપુર ગામના કોઠાસુઝ ધરાવતા ખેડૂતે વિજ્ઞાનની મદદથી પોતાના ખેતરમાં 1 કિલોથી પણ વધુ વજનના મહાકાય જામફળ ઉગાડયા છે.
માન્યામાં ન આવે એવડી મોટી સાઈઝના જામફળ મોરબી પંથકમાં ખેડૂતો અને ખાનાર વર્ગમાં ખુબ કૂતુહલ જગાડી રહ્યાં છે. ટંકારા તાલુકાના જલબપુર ગામના ખેડૂત મગનભાઈ ટપુભાઈ કામરીયાએ આઠ વર્ષ અગાઉ ‘થાઈલેન્ડ જામફળ’ તરીકે પ્રચલીત એક ખાનગી કંપનીના કલમી રોપાઓ વાવી નવી જ બાગાયતી ખેતીની શરૂઆત કરી હતી. શરૂઆતના વર્ષમાં આંતર પાકથી તેમની ખેતીની આવક બંધ તો નહોતી થઈ અને ત્રીજા વર્ષથી આ ખેડૂતને જે આવક આ થાઈ જામફળથી થઈ તે તેમના માટે અવિશ્ર્વસનીય હતી. શરૂઆતના વર્ષમાં તો મગનભાઈએ 100 થી 125 રૂપિયાનાં કિલો જામફળ રીટેઈલમાં અને 70-80 રૂપિયાના કિલો જામફળ હોલસેલમાં વેંચેલા સમય જતાં અને બીજા ખેડૂતો પણ આ પાક પધ્ધતિ અપનાવતાં આજે તેમને અડધા ભાવ મળે છે. પરંતુ ઉત્પાદન વધુ આવવાથી આજે પણ લાખ રૂપિયાનો વિઘો આ ખેતીથી શકય બને છે.સાદી ખેતીમાં અગાઉ મગનભાઈ કપાસ મગફળી જ વાવતા, હવે બાગાયતી ખેતી અપનાવ્યા બાદ તેઓ બીજા ખેડૂતોને પ્રેરણા આપે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના રસ્તે ચાલવું હોય અને ખરેખર ખેતીની આવક બમણી કરવઈ હોય તો નવા નવા ફળ અને શાકભાજી પાકોનું વાવેતર અનિવાર્ય છે અને દરેક ખેડૂતોએ તે અપનાવવું જ રહ્યું.
આ જામફળમાં કંપનીએ કરેલા લેબારેટરી રિપોર્ટ મુજબ એન્ટી ઓકસીડન્ટ 496 મીગ્રા, 100 ગ્રામ, પ્રોટીન 15 ટકા, ફાઈબર 69 ટકા અને વિઠામીન સી 299 મીગ્રા/100 ગ્રામ હોય છે. જે સફરજન કરતાં અનુક્રમે ચાર ગણુ, પાંચ ગણુ, સાત ગુણ અને બસો ગુણ વધારે છે ! આથી વૈજ્ઞાનિક અનેં ડાયેટ બન્ને દ્રષ્ટીએ આ જામફળ ખાવામાં શ્રેષ્ઠ ફળ છે. જણાવે છે કે આપણે ત્યાં વવાતા ફળપાકો પૈકી એક છોડ દીઠ જામફળ ઘણું ઉત્પાદન આપે છે. (અંદાજે 25 કિલો પ્રતિ છોડ) આથી જમીન માંથી થતું ન્યુટ્રીયન્ટ રીમુવલ પણ બીજા ફળ પાકોની સાપેક્ષે વધું હોય છે. આથી ફકત પ્રાકૃતિક કે ઓેર્ગેનિક ખેતી કે જેમાં ખાલી દેશી ખાતર કે જીવામૃતથી ખેતી કરવાની ખોટી માન્યતાં આજ કાલ ખેડૂત વર્ગમાં મોટા પ્રમાણમાં પ્રર્વતી છે, તે જામફળ માગે અપુરતી છે આથી તેઓ જીવામૃતની સાથે જરૂરીયાત મુજબના દ્રાવ્ય રાસાયણીક ખાતરો પણ તેમના જામફળનું ઉત્પાદન વધારવા આપે જ છે.
ખેડૂતો ‘ઓર્ગેનિક ખેતી’ અને ‘રેસીકયુ ફ્રી’ ખેતી વચ્ચેનો ભેદ સમજે જરૂરી માન્ય કેમીકલો પોતાની ખેતીમાં વાપરવા છતાં જ્યારે ફાઈનલ ફળો માર્કેટમાં આવે ત્યારે તેમાં કોઈ પણ પ્રકારનાં હાનીકારક કેમીકલો રેસીકયુ ન હોવા જોઈએ, તેને રેસીકયુ ફ્રી ખેતી કહેવાય. જે સમગ્ર વિશ્ર્વમાં સ્વીકાર્ય છે. આવી ખેતી અપનાવવા મગનભાઈ ખેડૂતોને આગ્રહ કરે છે. હા, તેઓ ડીએસપી જેવા ઓછા દ્રાવ્ય કે અદ્રાવ્ય ખાતરો બીલકુલ વાપરતા નથી આથી હાલ પ્રચલીત થયેલી અમુક ઓર્ગેનીક ખેતી પધ્ધતિઓ તરફ વિચાર્યા વગર અપનાવવા કરતાં વર્ષોથી સ્વિકાર્ય ‘ઈન્ટીગ્રેટેડ ખેતી પધ્ધતિ’ અપનાવવા ખેડૂતોને તેઓ રાહ ચિંધે છે.
સામાન્ય રીતે આ જામફળનું 12 X 8 ફુટે વાવેતર થાય છે અને એક ઝાડ અંદાજે વીસ પચીસ કિલો ઉત્પાદન આપે તો સારી એવી આવક આ પાકમાં તેમને થઈ રહી છે. વળી મગનભાઈની વાડી રાજકોટ-મોરબી હાઈવેના મધ્યમાં ટંકારાની બાજુમાં જ હોવાથી રોડ ઉપર જ તેઓ છુટક વેંચાણ કરે છે. જેથી રાજકોટ મોરબી અપડાઉન કરતાં ઘણા લોકો તેમનાં રોજનાં ઘરાક છે. હોલસેલમાં તેઓ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર તથા દીલ્હીમાં પણ જરૂર પડયે પોતાના જામફળ વહેંચે છે.પ્રવર્તમાન સમયમાં ‘તાઈવાન પીંક, જાપાનીઝ અને યોગી જેવી જામફળની વેરાયટીઓ વધુ પ્રચલીત થઈ છે. આથી હવે કોઈ ખેડૂતોને જામફળ જ વાવવા હોય તો નવી નવી વેરાયટી, વિશે પણ વિચારી, માર્કેટ સર્વે કરી અને પછી વાવેતર કરવું સલાહ ભર્ક્ષુ છે. જામફળ સિવાયના ઘણા પાકો છે જે આવતા સમયમાં ખુબ નફાકારક સાબિત થવાના છે. આથી હવે પછી કોઈ ફળપાકો વાવવા હોય તો પોતાના વિસ્તારમાં બાગાયત અધિકારી પાસે સલાહ ચર્ચા કર્યા બાદ જ ભવિષ્યનું આયોજન કરવું વધુ સારું છે. રાજ્ય સરકારનાં બાગાયત ખાતા દ્વારા તેમને ઘણી પ્રોત્સાહન યોજનાઓનો લાભ પણ મળ્યો છે.