જિલ્લામાં વધતા જતા કેસો વચ્ચે ડોક્ટરોની લ્હાણી હવે બંધ થશે: પ્રજા હિતાર્થે ‘અબતકે’ છેડેલી ઝુંબેશ રંગ લાવી

સૌરાષ્ટ્રની સૌથી મોેટી જી. જી. હોસ્પિટલમાં પર્યાપ્ત તબીબો થશે, કામનું ભારણ હળવું બનશે

કોરોના મહામારીમાં ગુજરાતનું અમદાવાદ હોટસ્પોટ બન્યું છે અને ત્યાં કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે જામનગરથી જી.જી. હોસ્પિટલના ડોક્ટરોને ડેપ્યુટેશન પર સેવા લેવાનો સીલસીલો ચાલતો હતો.

આ પ્રક્રિયામાં જામનગરના જ જુનિયર ડોક્ટરોને ફરીથી રોટેશનમાં ફરજ પર અમદાવાદ મોકલવાની કાર્યવાહી સામે તો વિરોધ થયો જ હતો… સાથે સાથે જામનગરની જી.જી. હોસ્પિટલ તથા છેલ્લા દસ દિવસથી જામનગરની કોવિડ હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાના કારણે સમગ્ર શહેરમાંથી વિવિધ સંસ્થાઓમાંથી આ પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ ઊઠવા પામ્યો હતો. અખબારોએ પણ જામનગરના ડોક્ટરોને નહીં મોકલવા સરકારનું ધ્યાન દોર્યું હતું અને વિભાગીય વડાઓ તથા ડીનના નામ મોકલવાની કામગીરી પ્રત્યે પણ પ્રશ્નો ઊઠવા પામ્યા હતાં.

અંતે આ તમમ બાબતોનો આજે ઉકેલ આવ્યો છે. જામનગરની મેડિકલ કોલેજના ડીનના જણાવ્યા પ્રમાણે હાલ જામનગરના જે બાર ડોક્ટરો અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા છે તેમનો ડેપ્યુટેશનનો પિરિયડ પૂરો થવાથી તેઓ આવતીકાલે જામનગર પરત આવી રહ્યા છે અને તેની સામે હવે જામનગરમાંથી કોઈ ડોક્ટરને અમદાવાદ મોકલવામાં આવશે નહીં. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અને અહીં દરરોજ તમામ પ્રકારના દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે, ત્યારે હોસ્પિટલની રોજબરોજની સારવાર સેવા તેમજ કોવિડ હોસ્પિટલમાં વધી રહેલા દર્દીઓની સારવાર માટે પર્યાપ્ત ડોક્ટરોની જરૃર હોય, અહીંથી કોઈ ડોક્ટરને નહીં મોકલવાના નિર્ણયથી કામકાજના ભારણમાં રાહત થશે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રાજયમંત્રીઓ દ્વારા આજ પ્રકારે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પાછલા દરવાજે આ ક્રિયા અવિરત પણે ચાલુ રહી હતી ત્યારે આ વખતે તંત્ર તથા સરકાર પોતાના નિર્ણય પર મક્કમ રહે અને જામનગર ના ડોક્ટરો હાલ વિકરાળ  કાલ બની રહેલ કોરોના સામે જામનગર ને રક્ષણ આપે તેવી લોકલાગણી ઊઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.