પત્ની રિસામણે જતા રોષે ભરાયેલા જમાઇએ પિસ્તોલ તાકી સાળાની હત્યા કરવાની ધમકી દઇ રૂ.૬ હજાર લૂંટી લીધા
પાટણવાવના કાથરોટા ગામના બસ સ્ટેશન પાસે સાસુ-સસરા પર જમાઇએ છરીથી હુમલો કરી પિસ્તોલ તાકી જમાઇએ સાળાની હત્યા કરવાની ધમકી દઇ રૂ.૬ હજારની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાટણવાવના કાથરોટા ગામે રહેતા અને બસ સ્ટેશન પાસે દુકાન ધરાવતા જશમતભાઇ વજાભાઇ કોળી અને તેમના પત્ની દુકાને હતા ત્યારે ચુડવા ગામે રહેતા જમાઇ હાર્દિક ભરત સિંધવ પાંચ જેટલા અજાણ્યા શખ્સો સાથે ઘસી આવ્યો હતો અને દંપત્તી પર છરીથી હુમલો કરી રૂ.૬ હજારની લૂંટ ચલાવ્યા બાદ પિસ્તોલ તાકી સાળાની હત્યા કરવાની ધમકી દઇ ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હાર્દિકની પત્ની હેતલ બે દિવસ પહેલાં રિસામણે પાટણવાવ આવી હોવાથી તે ઉશ્કેરાયો હતો અને પાંચ જેટલા અજાણ્યા શખ્સો સાથે આવી હુમલો કરી લૂંટ ચલાવ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
પાટણવાવ પોલીસે જસમતભાઇ કોળીની ફરિયાદ પરથી તેના જમાઇ હાર્દિક સિંધવ સહિતના શખ્સો સામે ગુનો નોંધી પી.એસ.આઇ. કે.કે.ગોહિલ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.