Surat : પસાર થતા નેશનલ હાઇવે પર દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. તેમજ નેશનલ હાઇવે 48 પર લક્ઝરી બસ બેફામ બની હતી. આ દરમિયાન કામરેજ ટોલ પ્લાઝાથી ડ્રાઈવર વાહનોને ઉડાવતો કામરેજ સુધી આવ્યો હતો. જેમાં કાર, બાઈક, રિક્ષા સહિતનાં આશરે 7 થી 8 વાહનોને અડફેટે લીધાં હતાં.
મળતી માહિતી મુજબ, કામરેજ પાસે અકસ્માત સર્જનાર બસનું નામ કનૈયા ટ્રાવેલ્સ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બસ ગુંદા, જામનગર થઈ સુરત આવી રહી હતી. આ દરમિયાન સર્જાયેલ અકસ્માતમાં એક – બે લોકોના મોત થયા હોવાની આશંકા હાલ સામે આવી છે. ત્યાં હાજર લોકોએ ડ્રાઈવરને પોલીસને સોંપ્યો છે. તેમજ પોલીસ દ્વારા હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અકસ્માત સમયે કામરેજ 4 રસ્તા પાસે હાજર વ્યક્તિ કેતનએ જણાવ્યું હતું કે, બસવાળો ફુલઝડપે બ્રેક માર્યા વિના બસ ચલાવ્યે જાતો હતો. ત્યારે રસ્તમાં જે ઊભા હતા એને ઉડાવતો ગયો હતો. એક જણાનું મારી સામે જ મોત થયું હતું, તેમજ 2 મહિલાઓ મારી સામે ઘાયલ થઈ હતી, જેમના પગ ભાંગી ગયા છે. આ ઉપરાંત મારી ગાડીને ટક્કર મારતો ગયો, હું ભાગી ન શક્યો કેમ કે નજીક આવી ગયા પછી શું થાય. ત્યારે અમે તો ભગવાન ભાળી ગયા હતા.
અકસ્માતમાં જે બાઈકને લક્ઝરીએ અડફેટે લીધી તે બાઈકચાલકે જણાવ્યું હતું કે, હું સુરત બાજું જઈ રહ્યો હતો ત્યારે કનૈયા ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરીનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવતો આવતો હતો. મને સામે બાજું જવાની સાઈડ ન મળતા હું બાઈકને સ્ટેન્ડ ચડાવી કૂદકો મારીને બચી ગયો, પરંતુ મારી બાઈક સાવ પૂરી થઈ ગઈ હતી. આ દરમિયાન મારા અંદાજ પ્રમાણે આ અકસ્માતમાં 3 થી 4 લોકોના મોત નીપજ્યા છે.
ભાવેશ ઉપાધ્યાય