ગોંડલ: ચોરીની કેટલીક ઘટના એવી બનતી હોય છે કે, જેમાં તસ્કરોને મહેનત પણ ભારે પડે છે. આવો જ એક કિસ્સો ગોંડલના દેરડીકુંભાજી ગામે બન્યો હતો. દેરડીકુંભાજી ગામે વિવેકાનંદ વિદ્યાલયની ઓફિસને 6 તસ્કરોએ નિશાન બનાવી હતી. 6 ચોરે 6 કલાક સુધી ફાંફાફોળા કર્યા,પરંતુ 60 રૂપિયા જ હાથે લાગતા લોકોમાં હાસ્યાપદ કિસ્સો બન્યો છે. ચોરીની સમગ્ર ઘટના સ્કૂલના CCTVમાં કેદ થઇ છે.

સ્કૂલમાં ત્રાટકેલા 6 ચોરે પોતાના મોઢા પર રૂમાલ બાંધ્યા હોવાનું CCTVમાં દ્રશ્યમાન થાય છે. છ ચોર સ્કૂલના ટેબલ ખોલી ખોલીને વારાફરતી ફાંફાફોળા કરતા નજરે પડે છે. પરંતુ ચોરના હાથમાં કંઇ આવતું નથી. ઓફિસના ટેબલના ખાનામાં પડેલા માત્ર 60 રૂપિયા જ હાથમાં લાગ્યા હતા. આથી લોકોમાં હાસ્યનું મોજુ પ્રસરી ગયું છે અને લોકોમાં ચર્ચા થઇ રહી છે કે, 6 ચોરને ભાગમાં 10-10 રૂપિયા આવ્યા હશે.

દેરડીકુંભાજી ગામને તસ્કરોએ બાનમાં લીધુ હોય તેમ અવારનવાર ચોરી થઇ રહી છે. હજી થોડા દિવસ પહેલા જ દેરડીકુંભાજી ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને 6 દુકાનના શટર તોડ્યા હતા. આ ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં ભૂખ્યા 4 ચોરે નમકીન પણ છોડ્યું નહોતું. વારંવાર દેરડીકુંભાજી ગામને નિશાન બનાવતા તસ્કરો સામે પોલીસની નિષ્ક્રિયતા પણ સામે આવી છે. પોલીસ તસ્કરોને પકડી કડકમાં કડક સજા કરે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.