કુવાડવા રોડ, જૂનો મોરબી રોડ અને 80 ફૂટ રોડ પર વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ડિમોલીશન: 21 બિલ્ડીંગોના પાર્કિંગ લેવલ ઝીરો કરાયા, 2100 ચો.ફૂટ જગ્યા ખૂલ્લી કરાવાઇ
માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા દર મંગળવારે શહેરના અલગ-અલગ ઝોનમાં મુખ્ય રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત આજે શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ થતા વોર્ડ નં.4ના 50 ફૂટ રોડ, 80 ફૂટ રોડ, જૂનો મોરબી રોડ અને કુવાડવા રોડ પર ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત 95 સ્થળોએ માર્જીનની જગ્યામાં ખડકાયેલા ઓટલા, છાપરા અને પતરાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
જ્યારે 21 બિલ્ડીંગોના પાર્કિંગ ખૂલ્લા કરાવવામાં આવ્યા હતાં.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે સવારે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના વોર્ડ નં.4માં ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીમાર્ટ (કુવાડવા રોડ)થી 50 ફૂટ સુધીના રોડ, જૂનો મોરબી રોડ અને 80 ફૂટ રોડ પર પાર્કિંગ અને માર્જીનમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 21 બિલ્ડીંગોમાં પાર્કિંગ લેવલ ઝીરો કરવામાં આવ્યા હતાં. જ્યારે 95 બિલ્ડીંગોમાં માર્જીનની જગ્યામાં ઉભા કરી દેવામાં આવેલા છાપરા, ઓટલા અને પતરા સહિતના દબાણો દૂર કરાયા હતાં.
અગાઉ જ નોટિસ આપી દેવામાં આવી હોય કેટલાક આસામીઓએ સ્વેચ્છાએ માર્જીન અને પાર્કિંગની જગ્યા ખૂલ્લી કરી દીધી હતી. આજે ડિમોલીશન દરમ્યાન 2100 ચોરસ ફૂટ જગ્યા ખૂલ્લી કરવવામાં આવી હતી.
શ્રીજી બેકરી, શિવ બેકર્સ, શ્રીજી ફેન્સી ઢોસા, ઇઝી બેકરીમાંથી અખાદ્ય ખોરાક મળી આવ્યો
દિવેલનું ઘી અને ગાયના ઘીના નમૂના લેવાયા
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગમાં શ્રીજી લાઇવ બેકરીમાંથી પાંચ કિલો વાસી પીઝા બેઝ, ત્રણ કિલો વાસી પફ, એક કિલો વાસી બ્રેડ અને એક કિલો બ્રેડ પાવડરનો નાશ કરાયો હતો. જ્યારે શ્રીજી બેકર્સ એન્ડ જનરલ સ્ટોર્સમાં પાંચ કિલો વાસી બ્રેડ, શ્રીજી ફેન્સી ઢોસામાંથી પાંચ કિલો વાસી અખાદ્ય બટેટાનો મસાલો, નુડલ્સ રાઇસ, ઇઝી બેકરીમાંથી મળી આવેલો વાસી બર્ન અને બ્રેડનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશન નજીક એક દુકાનમાંથી દિવેલનું ઘી અને ગાયનું શુદ્વ ઘીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ગંદકી કરનાર આઠ દંડાયા, 9.5 કિલો પ્લાસ્ટીક જપ્ત
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આજે જાહેરમાં કચરો ફેંકવા અને ગંદકી કરવા સબબ આઠ આસામીઓ પાસેથી રૂ.4 હજારનો વહિવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીક રાખવા સબબ 15 આસામીઓ પાસેથી 14,250નો દંડ વસૂલ કરાયો હતો. 9.5 કિલો ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું છે. દબાણ હટાવ શાખા દ્વારા પાંચ રેંકડી જપ્ત કરવામાં આવી હતી. જ્યારે 329 બોર્ડ-બેનરો કબ્જે કરી રૂ.7 હજારનો દંડ વસૂલ કરાયો હતો.
શહિદ ઉધમસિંહ ટાઉનશીપ સહિત છને ફાયર એનઓસી મામલે નોટિસ
ફાયર એન્ડ ઇમરજર્ન્સી શાખા દ્વારા મોરબી રોડ પર 6 હાઇરાઇઝ બિલ્ડીંગ, એક કોમર્શિયલ બિલ્ડીંગ, બે સ્કૂલ, એક હોસ્પિટલ સહિત 10 સ્થળે ફાયર એનઓસી અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બોમ્બે સુપર હાઇટ્સ-3 સહિત ઉધમસિંહ ટાઉનશીપ, શ્રી હાઇટ્સ, ક્રિસ્ટલ સિટી, શાંતિ સદન-2ને એનઓસી રિન્યૂ કરવા અને ક્રિસ્ટલ સિટી-2માં ઇમરજન્સી માટે રખાયેલું માર્જીન ખૂલ્લુ કરવા નોટિસ આપવામાં આવી છે.