સવા અબજની વસતીનાં ભવિષ્ય સાથે બેહુદી ખિલવાડમાં રચ્યાપચ્યા રાજપુરૂ ષો: નાતાલ પૂર્વે બિહામણા ઘટનાઓનાં ઉતરતાં ઓળા !
ગઝલ સમ્રાટ શ્રી અમૃત ઘાયલે લખેલી એક ગઝલની આ પંકિત આપણા દેશની વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ આપે છે;
‘ભરી દરબાર બેઠો છું, છતાં ભેંકાર લાગે છે
સકળ સંસાર ભૂતાવળતણો ઓથાર લાગે છે…’
આપણા દેશની વર્તમાન સ્થિતિ ચોમેર ભૂતાવળનું જ પ્રતિબિંબ પાડે છે!
આજ ગઝલકારની એક બીજી પંકિત પણ આપણા દેશની વર્તમાન હાલતનું કરૂ ણ ચિત્ર ઉપસાવે છે.
‘કહે છે રંગમાં આવો,
પરંતુ રંગએ લાવી નથી શકતો
પડી છે બેડીઓ એવી કે-
ખખડાવી નથી શકતો’
આપણા દેશને મળેલી આઝાદી ૭૨ વર્ષનો લાંબો ગાળો વટાવી ગઈ છે, પરંતુ ગુલામી વખત પ્રજાની વેદના હજૂ ઘણે અંશે જેમની તેમ રહી છે, અને ૬૫ ટકાથી વધુ ગરીબ વસ્તીની, એટલે કે ૬૫ થી ૭૦ કરોડ ગરીબ પ્રજાની વેદના તો અગાઉ હતી તેવી જ રહી હોવાનો દયામણો અવાજ ચારેકોર પડઘાતો રહ્યો છે!
નાગરિકતા ખરડો આપણા દેશની હાલની બિહામણી અને બધી રીતે બગડતી રહેલી હાલતને કોણ જાણે કયાંથી કયાં ઘસડી જશે એનો અંદાજ સુધ્ધા આ દેશની ધરતી કાઢી શકતી નથી!
કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જુગલબંધીએ આખા દેશને ખળભળાવીયો છે. કોઈ જવાળામુખી અચાનક ફાટી નીકળે અને એનો લાવારસ આસપાસનાં તથા દૂરદૂર સુધી હાહાકાર સર્જે એવો ઘાટ ઘડાયો છે. અને તે આપણા રાજકીય ક્ષેત્રે જ નહિ પણ આપણા ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા અને વેદિક પ્રણાલીઓ સુધી પહોચ્યો છે.
આપણી સદીઓથી ચાલી આવતી જીવનશૈલી અને સામાજિક પરંપરા તથા વિવિધવતામાં એકતાની ફિલ્સુફી ટકી રહેવા માટે ફાંફા મારે છે, પણ એમાં મૂળભૂત જોમ કે જુસ્સો રહ્યા નથી…. આપણો દેશ છિન્નવિભિન્ન બન્યો છે. અને તે તૂટતો રહ્યો છે.
આપણા દેશની સામે જબરા પડકારો છે અને તેની એકતા મજબૂત બને એવું બધું જ કરવાનું અનિવાર્ય છે ત્યારે આ દેશની મૂળભૂત તાકાતને તોડવા ફોડવાની રાજકીય બાલીશતા આ દેશનું ભલું નહિ કરે એ નિર્વિવાદ છે.
આ ખરડાના વિરોધમાં એક બાજુ લશ્કરને બોલાવવું પડે એવા રમખાણો ચાલુ હતા આસામ ભડકે બળતું હતુ અને વિપ્લવની આંધી ચઢી હતી તે વખતે રાજયસભામાં નાગરિકતા-ખરડાને પસાર કરવાનો રાજકીય ખેલ ખેલાતો હતો, એમાં એકતા સંવાદિતાની વાત જ કયાં રહી ? આ ઠરાવ પસાર થયો છે. તે વિરોધની આંધી વચ્ચે થયો છે. હજુ ભારેલા અગ્નિની સ્થિતિ છે જબરો ઘુંઘવાટ છે. આગામી કલાકો-દિવસો કેવા બની રહેશે એ વિષે તર્ક વિતર્કો સિવાય ઘણું ઘણું કહી શકાય તેમ છે. આવી ગંભીર પરિસ્થિતિ દેશને કટોકટીની હાલતમાં ખેંચી જાય તો નવાઈ નહિ.
દેશની અત્યારની સ્ફોટક હાલત જોતા રાજકારણીઓ વહેલામાં વહેલી તકે શાંતિ-સુલેહના સંયુકત પ્રયાસો કરે તેમ કોણ નહિ ઈચ્છે?