વર્ચ્યુઅલ રિયાલીટી ઝોન, સ્ટીમ્યુલેશન ઝોન, સોલર ટેલિસ્કોપ તેમજ
બ્રહ્માંડના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ઝાંખી આપતા ત્રણ ઝોન
અવકાશ વિજ્ઞાનને સમજવા માંગતા અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ અને
યુવાનો સહિત સૌ માટે આ ગેલરી વિશેષ આકર્ષણરૂપ બનશે
અમદાવાદના સાયન્સ સીટી ખાતે 16,000 ચોરસ મીટર વિસ્તારમાં આધુનિક એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલરીનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે આ ગેલરીનું ભૂમિપૂજન કર્યું હતું.
વૈજ્ઞાનિક રસરૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ અને યુવાનો બ્રહ્માંડની ઉત્પતિ અને તેના વિકાસ અંગે જાણવામાં ઘણો ઉત્સાહ ધરાવતા હોય છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો હાલ એસ્ટ્રોફિઝીક્સ, કોસ્મોલોજી, સોલર સીસ્ટમ અને આઉટર સ્પેસ અંગે જાણવા માટે સંશોધનો કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના આંગણે આકાર લેનારી આ અત્યાધુનિક ગેલરી રાજ્યના વિદ્યાર્થીઓ અને યુવાનો સહિત સૌ કોઈ માટે વિજ્ઞાનના કોયડાઓ સમજવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ગેલરીની વિશેષતાઓ:
એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલરીને પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એમ ત્રણ ઝોનમાં વિભાજીત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ ભાગ અનુક્રમે બ્રહ્માંડના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યની ઝાંખી કરાવશે.
પેટા-ગેલરી 1 (પાસ્ટ): આ ગેલરીમાં અવકાશને સમજવાના માણસજાતના પ્રારંભિક પ્રયાસોથી લઈને આજ સુધીનો ઈતિહાસ જોઈ શકાશે. હજારો વર્ષ પહેલાં અવકાશમાં કુતુહલપૂર્વક નરી આંખે જોવાથી લઈને આજના ટેલિસ્કોપ અને સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા અવકાશને સમજવાની સમગ્ર સફર આ ગેલરીમાં જોઈ શકાશે.
પેટા-ગેલરી 2 (પ્રેઝન્ટ): આ ગેલરીમાં હાલના ડિજીટલ યુગમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની ઝાંખી મળશે. રોકેટ્સ, લોન્ચ વ્હીકલ્સ, સેટેલાઈટ્સ દ્વારા અવકાશને જાણવાના પ્રયાસોની ઝલક આ ગેલરીમાં મળશે.
પેટા-ગેલરી 3 (ફ્યુચર): આ ગેલરીમાં આવનારા સમયમાં અવકાશ વિજ્ઞાન અંગે થનારા સંભવિત સંશોધનોની ઝાંખી મળશે. સમાનવ સ્પેસ ફ્લાઈટ તથા ભવિષ્યમાં વિજ્ઞાનના માધ્યમથી હેલ્થકેર ક્ષેત્રમાં આવનારા પરિવર્તનોનો ખ્યાલ આ ગેલરીમાં મેળવી શકાશે.
પ્લેનેટોરિયમ/સ્કાય થિયેટર: 18 મીટરનો ડાયામીટર ધરાવતા પ્લેનેટોરિયમમાં અંદાજે 173 બેઠકની ક્ષમતા હશે. અહીં એક ડોમ આકારનો સ્ક્રીન અને ગેલેક્સી, તારા, સોલર સીસ્ટમ, બ્લેક હોલ, ગ્રહણ, બ્રહ્માંડની ઉત્પતિ જેવા વિષયોની થીમ પર તે આધારિત હશે.
વર્ચ્યુઅલ રિયાલિટી ઝોન: આ ઝોનમાં મુલાકાતીઓ વર્ચ્યુઅલ જગતનો અનુભવ લઈ શકશે. આધુનિક વી.આર એક્ટિવિટીઝ દ્વારા મનોરંજક રીતે બ્રહ્માંડ અને અવકાશનું જ્ઞાન અહીં મેળવી શકાશે. સ્પેસ એક્સ્પ્લોરેશન, બીગ બેંગ, સ્પેસ વોક, ચંદ્ર અને મંગળનું એક્સ્પ્લોરેશન, એસ્ટ્રોનોટ સ્ટીમ્યુલેશન જેવી થીમ અહીં રાખવામાં આવશે.
સ્ટીમ્યુલેશન ઝોન: આ ઝોનમાં 4-ડી / 5-ડી થિયેટરમાં રાઈડ સ્ટીમ્યુલેશન દ્વારા અવકાશી સફરનો રોમાંચક અનુભવ કરી શકાશે. તેમજ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સના સિદ્ધાંતોને જાણી શકાશે. મુલાકાતીઓને આધુનિક સ્ટીમ્યુલેશન ટેક્નોલોજી દ્વારા સ્પેસ ટ્રાવેલનો શ્રેષ્ઠ મનોરંજક અનુભવ આપવા ઉપર ભાર મૂકવામાં આવશે.
સોલર ટેલિસ્કોપ: બિલ્ડીંગના છતના ભાગે ડોમ આકારનો મોટો ટેલિસ્કોપ ઈન્સ્ટોલ કરીને આ સમગ્ર જગ્યા અભ્યાસુઓ માટે એક વેધશાળા બને તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. જેના લીધે મુલાકાતીઓ રાત્રિના સમયે અવકાશને નિહાળવાનો અદભુત અનુભવ લઈ શકશે. એક વિશાળ કદની આ વેધશાળા દ્વારા ગ્રેવીટેશનલ વેવ્ઝ પાછળનું વિજ્ઞાન અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સ્ટીમ્યુલેશન સહિતની ચીજોનો અનુભવ મેળવી શકાશે.