એસ્ટ્રાજેનેકાની રસી લીધા બાદ “લોહીના ગઠ્ઠા” થઈ જતા હોવાનો યુરોપીયન દેશોનો મત
વેક્સિન લીધા બાદ 49 વર્ષીય એક નર્સનું મોત થતા સૌ પ્રથમ ઓસ્ટ્રિયાએ મુક્યો હતો એસ્ટ્રાજેનેકા પર પ્રતિબંધ
કોરોનાના કપરાકાળમાંથી ઉગરવા ભારત સહિત વિશ્ર્વના મોટાભાગનાં દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં શરૂ થઈ ગઈ છે. વિશ્ર્વભરમાં અલગ અલગ ઘણી રસીઓ ઉત્પાદિત થઈ છે. અમુકને ઘણા દેશોમાં સ્વીકૃતિ મળી છે તો ઘણા દેશોએ મંજૂરી આપી નથી કોરોના વાયરસને નાથવા રસીની ‘રસ્સા ખેંચ’ ઉભી થઈ છે. કોવિડની સામે અમૂક રસી કારગત સાબિત થઈ છે. તો ઘણી રસી નિષ્ફળ પણ નીવડી છે. ત્યારે આ ‘રસ્સાખેંચ’માં એસ્ટ્રાજેનેકાની રસી નિષ્ફળ નીવડી હોય તેમ યુરોપના પાંચ દેશોએ રસીકરણ ઝુંબેશમાં આ રસીનો ઉપયોગ કરવાથી પ્રતિબંધ લાદી દીધો છે.
એસ્ટ્રોનિયા, લાતવીયા, લીથુઆનિયા, લકઝમબર્ગ અને ઓસ્ટ્રિયાએ એસ્ટ્રાજેનેકા વેકિસન પર રોક લગાવી છે. ગત સોમવારે સૌ પ્રથમ ઓસ્ટ્રિયાએ પ્રતિબંધ લાદયો હતો. જયાં 49 વર્ષની એક નર્સ કે જેને રસીનાં ડોઝ લીધા બાદ લોહી જામી જતા, પરિભ્રમણ અટકયું હતુ અને અંતે મોત નિપજયું હતુ. આ બનાવ બાદ ઓસ્ટ્રિયાએ પ્રતિબંધનો નિર્ણય લીધો હતો.
લોહીના ગઠ્ઠા થતા હોવાની ભીતિએ ઓસ્ટ્રિયા બાદ અન્ય ચાર દેશોએ પણ ડોઝ ન આપવાની જાહેરાત કરી યુરોપીયન સંઘના બાકીનાં દેશોને પણ પ્રતિબંધ લાદવા રજૂઆત કરરી છે. ગઈકાલે ડેન્માર્કે પણ રોક લગાવી છે જેણે જણાવ્યું કે, એસ્ટ્રાજેનેકા રસીપર કાયમી માટે પ્રતિબંધ નથી મૂકાયો પરંતુ ડોઝની ગંભીર આડઅસર પર કોઈ ચોકકસ પરિણામ રજૂ ન થાય ત્યાં સુધી મોકુફ રખાઈ છે. ડેનમાર્કનાં વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, એસ્ટ્રાજેનેકાનાં ડોઝ લીધા બાદ ત્યાં પણ એક વ્યકિતનું મોત નિપજયું છે. આ પાછળનાં કારણોની તપાસ ચલાવાઈ રહી છે.
જોકે, એસ્ટ્રાજેનેકાની રસી મુદે યુનાઈટેડ કિંગડમે કહ્યું છે કે, આ રસી સલામત અને અસરકારક છે. લોહી જામી જવાની બીમારી આ ડોઝને લીધે થતી હોવાનું અમને જણાતું નથી. ડેન્માર્કે જે ડોઝની ખેપ પરત મોકલી તેનો અમે અમારી રસીકરણની ઝુંયબેશમાં ઉપયોગ કરીશું.