ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને આદેશ જારી કર્યા બાદ અનેક પેટ્રોલ પમ્પ પરથી 2000ની નોટ નહીં સ્વીકારવાના બોર્ડ હટ્યા
આરબીઆઇ દ્વારા રૂા.2000ની નોટ બંધ કરી દેવાનો નિર્ણય જાહેર કર્યો છે. આગામી 30મી સપ્ટેમ્બર બાદ રૂા.2 હજારની નોટ બંધ થઇ જશે. તેવી જાહેરાત તાજેતરમાં કરવામાં આવી હતી. આજથી બેઠકોમાં નોટ બદલી આપવાની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન બે દિવસથી રાજ્યમાં અનેક પેટ્રોલ પમ્પ પર 2000ની નોટ સ્વીકારવામાં નહી આવે તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા. દરમિયાન ગઇકાલે સાંજે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડિલર્સ એસોસિએશન દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તમામ પેટ્રોલ પમ્પના સંચાલકોને 30 સપ્ટેમ્બર સુધી નોટ સ્વીકારવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
આરબીઆઇ દ્વારા ગત શુક્રવારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 30મી સપ્ટેમ્બર બાદ સૌથી મોટી કરન્સી રૂા.2000ની નોટ ચલણમાંથી પરત ખેંચી લેવામાં આવશે. હજી ચાર મહિના જેટલો સમય બાકી છે. બેન્કોમાં ગમે તેટલી નોટ જમા કરાવી શકાય છે.
જ્યારે આજથી વ્યક્તિદીઠ રૂા.2000ની વધુમાં વધુ 10 નોટ બદલી આપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
દરમિયાન ગઇકાલથી કેટલાક પેટ્રોલ પમ્પના સંચાલકોએ રૂા.2 હજારની નોટ સ્વીકારવાનું બંધ કરી દીધું છે અને પોતાના પમ્પ પર આ પ્રકારના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. આવુ કરવા પાછળ તેઓની દલીલ પણ સાચી છે. અમૂક વાહન ચાલકો માત્ર રૂા.500 કે રૂા.100નું પેટ્રોલ પૂરાવ્યા બાદ રૂા.2 હજારની નોટ આપતા હોય છે. જેના કારણે તેઓને બાકીના પૈસા પરત કરવા માટે રૂા.100, રૂા.200 કે રૂા.500ની નોટ પર્યાપ્ત માત્રામાં હોતી નથી. જેના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ આદેશનું પાલન કરવું ફરજીયાત છે.
દરરોજ વેપાર મુજબ બેન્કોમાં રૂા.2000ની નોટ પણ જમા કરાવી શકાશે.