રાજ્યના ગ્રામ્ય વિસ્તારના સડકોને ’ટનાટન’ બનાવવાની દિશામાં મહત્વના સમાચાર પ્રાપ્ત થયાં છે. રૂ. 4 હજાર કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારના 13,500 કિમીના માર્ગોને અધ્યતન આબોહવા સ્થિતિસ્થાપક માર્ગો બનાવવામાં આવનાર છે. જેના માટે નેશનલ ડેવલોપમેન્ટ બેંક દ્વારા રૂ. 4 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આબોહવા પરિવર્તનની ઘટનાઓનો સરળતાથી સામનો કરી શકે તેવા 13,500 કિમીના રસ્તાઓ તૈયાર કરવાનો લક્ષ્યાંક

બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા સ્થપાયેલી બહુપક્ષીય નેશનલ ડેવલપમેન્ટ બેંક (એનડીબી) ગુજરાતમાં ગ્રામીણ રોડ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવા માટે તૈયાર છે અને તેના માટે રૂ. 4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે તેવું એનડીબીના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર વ્લાદિમીર કાઝબેકોવે જણાવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં કાઝબેકોવે કહ્યું કે, એનડીબી આ તર્જ પર રાજ્ય સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરશે.

એનડીબી બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાતમાં અંદાજે 13,500 કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓના વિકાસ માટે 500 મિલિયન ડોલર એટલે કે રૂ. 4 હજાર કરોડની લોન મંજૂર કરી છે. આ રસ્તાઓ નવીન અને આબોહવા સ્થિતિસ્થાપક ડિઝાઇન સાથે બનાવવામાં આવશે. બાયો-એન્જિનિયરિંગ થકી બનાવવામાં આવનાર રસ્તાઓ આબોહવાની ઘટનાઓનો સામનો કરવાની ક્ષમતા સાથે બનાવવામાં આવશે તેવું કાઝબેકોવે જણાવ્યું હતું.

એનડીબીએ અત્યાર સુધીમાં 34 બિલિયન ડોલરની રકમ સાથે વૈશ્વિક સ્તરે 106 જેટલાં પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. જેમાંથી 18.5 બિલિયન ડોલરનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ભંડોળમાંથી એનડીબીએ ભારતમાં 8.7 બિલિયન ડોલરના કુલ મૂલ્યના 25 પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેમાંથી 4.23 બિલિયન ડોલરનું વિતરણ કરવામાં આવ્યું છે.

એનડીબી ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક-સિટી (ગિફ્ટ સિટી) થી તેની પ્રાદેશિક કચેરીનું સંચાલન કરે છે. કાઝબેકોવ એ પણ વાત કરી હતી કે એનડીબી કઈ રીતે ગિફ્ટ સિટી દ્વારા ક્લાઈમેટ ફાઇનાન્સ લાવવાનું વિચારી રહ્યું છે.

રસપ્રદ વાત એ છે કે, એનડીબી તેની પ્રથમ બોન્ડ ઓફરિંગ (મહારાજા બોન્ડ્સ) શરૂ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે, જે અંતર્ગત તે સ્થાનિક ચલણ સંસાધનોમાં રૂ. 2,000 કરોડ સુધી એકત્ર કરવા પર વિચાર કરશે.

આ એક મધ્યમ ગાળાનો કાર્યક્રમ હશે જેના દ્વારા એનડીબી આગામી પાંચ વર્ષમાં સ્થાનિક ચલણમાં રૂ. 25,000 કરોડ સુધીના સંસાધનો એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. અમે આ સંસાધનોનો ઉપયોગ મુખ્યત્વે ખાનગી ક્ષેત્રના પ્રોજેક્ટ્સને નાણાં આપવા માટે કરીશું તેવું કાઝબેકોવે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.