નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીએ આકરી કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસ સાથે જોડાયેલ એજેએલની અધધધ રૂ.750 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જેમાં હેરાલ્ડ હાઉસને પણ સીલ કરી દેવામાં આવ્યું છે.
કંપનીમાં રાહુલ અને સોનિયા ગાંધીની 76 ટકા ભાગીદારી, હેરાલ્ડ હાઉસ પણ સિલ કરી દેતું ઇડી
મની લોન્ડરિંગના મામલામાં કોંગ્રેસ સાથે જોડાયેલા યંગ ઈન્ડિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કંપનીમાં સોનિયા-રાહુલ ગાંધીની 76% ભાગીદારી છે. આ કેસમાં ઇડીએ 3 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસને સીલ કરી દીધી હતી. ગયા વર્ષે 2 અને 3 ઓગસ્ટના રોજ ઇડીની ટીમે દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત નેશનલ હેરાલ્ડનાં 16 સ્થળે સવારથી મોડી સાંજ સુધી દરોડા પાડ્યા હતા. સોનિયા અને રાહુલની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેણે સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરીને તેમનાં નિવેદનો નોંધ્યા, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ઇડીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે યંગ ઈન્ડિયા પાસે દિલ્હી, મુંબઈ અને લખનઉમાં એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડની માલિકીની રૂ. 661.69 કરોડની ગેરકાયદે મિલકતો છે. આ સિવાય એજેએલએ એમાં 90.21 કરોડ રૂપિયાની ગેરકાયદે આવકનું રોકાણ કર્યું છે. આ મિલકત એટેચ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડનો મામલો સૌપ્રથમવાર 2012માં ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ ઉઠાવ્યો હતો. ઑગસ્ટ 2014માં ઇડીએ આ બાબતની સ્વતઃ સંજ્ઞાન લીધી હતી અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિઝ, સેમ પિત્રોડા અને સુમન દુબેને આરોપી બનાવવામાં આવ્યા હતા.