પ્રશ્ર્નોતરી કાળના પ્રારંભે જ કોંગી ધારાસભ્યોએ ગૃહમાં સુત્રોચ્ચાર પોકાર્યા: કોંગી ધારાસભ્યો અને સાર્જન્ટો વચ્ચે ઝપાઝપી: ભારે ગરમાગરમી જેવો માહોલ
ગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં આજે ગૃહના આરંભે જ કોંગી ધારાસભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો. પ્રશ્ર્નોતરી કાળના આરંભે જ કોંગી ધારાસભ્યોએ બજેટની પુરતી ચર્ચા કરવામાં આવે તેવી માગણી સાથે સુત્રોચ્ચાર પોકાર્યા હતા અને અઘ્યક્ષની રેલ સુધી ધસી ગયા હતા. તમામ કોંગી ધારાસભ્યોએ આજે કાર્યવાહીમાં વોકઆઉટ કરતા ભારે ગરમા ગરમી જેવો માહોલ સર્જાયો હતો.વિધાનસભા ગૃહમાં આજે બજેટની ચર્ચા કરવાના અંતિમ દિવસે ગૃહ તોફાની બને તેવી સંભાવના પહેલેથી જ સેવાઇ રહી હતી. દરમ્યાન પ્રશ્ર્નોતરી કાળના આરંભે જ વિરોધ પક્ષે ગૃહમાં ભારે સુત્રોચ્ચાર પોકાર્યા હતા. વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં તમામ કોંગી ધારાસભ્યો રેલ સુધી ધસી જતા વિધાનસભાના અઘ્યક્ષ રમણલાલ વોરાએ કોંગી ધારાસભ્યોની ગૃહમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો. દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સામસામે નારાબાજી કરી હતી. એક તબક્કે સાર્જન્ટો સાથે કોંગી ધારાસભ્યોએ ઝપાઝપી કરી હતી. ગૃહની કામગીરીના વિરોધમાં તમામ કોંગી ધારાસભ્યોએ વોકઆઉટ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સાલ અંતમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે સંભવિત છેલ્લા વિધાનસભા સત્રમાં ભાજપ કે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રજાના પ્રશ્ર્નો અંગે તંદુરસ્ત ચર્ચા કરવા બદલે સમગ્ર સત્ર સામસામે આક્ષેપબાજી સિવાય કશી કામગીરી કરી નથી.