મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની કથળી સ્થિતિ તથા પેપરલીક કાંડના વિરોધમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં
પ્રથમ દિવસે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક પ્રસાર કરાશે: 27મીએ ઇમ્પેક્ટ ફી સુધારણા બીલ આવશે: બજેટનું કદ 2.90 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાની સંભાવના
15મી ગુજરાત વિધાનસભાનું ગઠન થયા બાદ આજથી નવી સરકારનું બીજુ સત્ર શરૂ થયું છે. રજાઓ સહિત 35 દિવસ ચાલનારા બજેટ સત્ર દરમિયાન આવતીકાલે નાણામંત્રી કનુભાઇ દેસાઇ પોતાના કાર્યકાળનું બીજી અંદાજપત્ર રજૂ કરશે. ગુજરાતનું વર્ષ-2023-2024ના બજેટનું કદ 2.90 લાખ કરોડની આસપાસ રહેવાનો અંદાજ છે. મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતી અને પેપરલીક કાંડ સહિતના મુદ્ે કોંગ્રેસ સરકાર પર તડાપીટ બોલાવશે. આજે પ્રથમ દિવસે જ સરકાર દ્વારા પેપરલીક કરનારાને આકરી સજા કરતું બીલ પસાર કરશે.
15મી ગુજરાત વિધાનસભાનું ગત 12મી ડિસેમ્બરના રોજ ગઠન થયું હતું. અત્યાર સુધીમાં માત્ર એક જ સત્ર મળ્યું છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. નવી સરકારનું આજથી બીજી સત્ર આરંભ થયો છે. બજેટ સત્ર આગામી 29મી માર્ચ સુધી ચાલશે. જેમાં નવ રજાઓ આવશે. અલગ-અલગ 16 બેઠકો યોજાશે. આજે સવારે વિધાનસભા સત્રનો આરંભ થયા બાદ દિવંગત સભ્યોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગૃહની કામગીરી આટોપી લેવામાં આવી હતી.
બપોરના સેશનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અભિભાષણ આપશે. તેઓના અભિભાષણ બાદ રાજ્ય સરકાર દ્વારા પેપરલીકની ઘટનાને અટકાવવા માટે આકરી સજા અને તોતીંગ દંડની જોગવાઇ સાથેનું ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક પસાર કરવામાં આવશે. જેમાં પેપર લીક કરનારા વ્યક્તિને 5 વર્ષથી લઇ 10 વર્ષ સુધી આકરી સજા, એક કરોડ રૂપીયાનો આકરો દંડ અને દોષિત વ્યક્તિને બે વર્ષ માટે પરીક્ષામાં બેસવા ન દેવા સહિતની જોગવાઇ કરવામાં આવશે. જો દોષિત દંડ ન ભરે તો તેની મિલકતો જપ્ત કરવામાં આવશે. કાવતરા ખોરને ઓછામાં ઓછી સાત વર્ષની સજાની પણ જોગવાઇ રાખવામાં આવી છે.
દરમિયાન આવતીકાલે નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વર્ષ-2023-2024નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષના બજેટનું કદ રૂા.2.43 લાખ કરોડનું છે. જેમાં 20 ટકા જેટલો વધારો કરવામાં આવે તેવી સંભાવના છે. નવા નાણાકીય વર્ષનું બજેટનું કદ રૂા.2.90 લાખ કરોડ આસપાસ રહે તેમ છે. બજેટમાં કેટલીક લોકાનુભાવન જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવામાં આવશે. આયુષ્યમાન ભારત કાર્ડની મર્યાદા વધારી બમણી કરવામાં આવે તેવી શક્યતા જણાય રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. ત્યારે સરકાર પણ ગુજરાતની જનતા પર મનમૂકીને વરસે તેવી સંભાવના જણાય રહી છે.
વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ થયા પૂર્વ ગૃહની સફાઇ કરવામાં આવી હતી. આગામી 27મી ફેબ્રુઆરીના રોજ ઇમ્પેક્ટ ફીની અવધી વધારતું અને નિયમોમાં છુટછાટ આપતુ ગુજરાત અનઅધિકૃત વિકાસ પરવાનગી વિધેયકને સુધારા સાથે પસાર કરવામાં આવશે. જ્યારે 28મી ફેબ્રુઆરીના રોજ પ્રાથમિક શાળામાં ધોરણ-1માં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ નિયત કરવાનું બીલ પસાર કરાશે.
વિધાનસભાનું સત્ર 29મી માર્ચ સુધી ચાલશે. જેમાં હોળી-ધૂળેટી, ચેટીચાંદ સહિતની 9 રજાઓ આવશે. ગૃહની કામગીરી 25 દિવસ સુધી ચાલશે. જેમાં અલગ-અલગ 8 થી 10 વિધેયક પસાર કરવામાં આવશે. 16 બેઠકો મળશે અગાઉ સત્ર દરમિયાન માત્ર સોમ થી શુક્ર એમ પાંચ દિવસ જ કામગીરી કરવામાં આવતી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ નવી પ્રણાલી શરૂ કરી છે. હવે પ્રથમ અને ત્રીજા શનિવારે સત્ર દરમિયાન ગૃહની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
અધ્યક્ષ દ્વારા કોંગ્રેસને વિરોધ પક્ષની સત્તાવાર માન્યતા આપવામાં આવી નથી. આવામાં કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક બને તેવી સંભાવના જણાય રહી છે. ગાંધીનગરમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.