એકની હાલત નાજુક: છ હુમલાખોરો દ્વારા છરી-ધોકા વડે હુમલો કરાયાનું સામે આવ્યું
જામનગરમાં જુની અનુપમ સિનેમા પાસે આવેલા માધવ રેસ્ટોરન્ટના સંચાલક બંધુઓ પર ગઈ રાત્રે 3.30 વાગ્યાના અરસામાં બાઈક પર આવેલા છ જેટલા હુમલાખોરોએ છરી- ધોકા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં એક ભાઈ પર છરીનો ઊંડો ઘા વાગ્યો હોવાથી તેની હાલત નાજુક છે, અને જી.જી. હોસ્પિટલમાં સર્જરી સાથેની સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જૂની અનુપમ સિનેમા ની જગ્યા ની બાજુમાં જ આવેલી માધવ રેસ્ટોરન્ટના સંચાલક બંધુઓ જીગ્નેશ જોગલ અને દર્શન જોગલ કે જેઓ પર ગઈ રાત્રે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હીચકારો હુમલો કરાયો હતો. પોતાના રેસ્ટોરન્ટ ની બહાર નીચેના ભાગે છ જેટલા શખ્સો બાઈકમાં આવ્યા હતા, અને છરી ધોકા વડે હુમલો કરી દેતાં જીગ્નેશભાઈ ને સાથળમાં છરી નો ઊંડો ઘા વાગ્યો હોવાથી રક્ત સ્રાવ થયો છે, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, અને તેના પર સર્જરી થઈ રહી છે.
ઉપરાંત તેના ભાઈ દર્શન ઉપર પણ આડેધડ હુમલો કરાયો હોવાથી તેને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. આ હુમલા ના બનાવની જાણ થતા મોડી રાત્રે પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
ઉપરાંત પોલીસને જાણ થવાથી સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો પણ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલ દોડી ગયો હતો. હોટલ રેસ્ટોરન્ટ ની આસપાસની દુકાનના સીસીટીવી કેમેરાઓની મદદથી પોલીસે હુમલાખોર આરોપીઓ ને પકડવા માટેની કવાયત શરૂ કરી છે. છ જેટલા શખ્સો બાઇકમાં બેસીને આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સમગ્ર મામલામાં હુમલા અંગેની ફરિયાદ નોંધવા તેમજ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.