માંગરોળના ઢેલાણા ગામે દિનદહાડે એક મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી છે. મર્ડર પાછળ આડા સબંધ કારણભૂત હોવાની શંકા સેવાઇ રહી છે. હત્યારાએ મહિલાને તેના જ ઘર પાસે કુહાડીના ઘા મારી લોથ ઢાળી દેતા ગામમાં ચકચારી મચી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના ઢેલાણા ગામે રહેતા ભારતીબેન નરેન્દ્રભાઈ સોલંકી પર ગઈ કાલે બપોરના અરસામાં તેમના જ ઘર પાસે હત્યારાએ માથામાં કુહાડીના ઘા ઝીકી ઢીમઢાડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. ઘર પાસે જ માતા પર હુમલો થતા બાળકોએ તુરંત ઘરમાં રહેલી અન્ય મહિલાઓને ઉઠાડી હતી. જેના કારણે જ મહિલાઓ બહાર આવીને જોતા ભારતીબેન લોહિયાળ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.
પરિવાજનોએ મહિલાને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી ભારતીબેનને મૃત જાહેર કર્યા હતા. મહિલાની હત્યા પાછળ આડા સબંધ હોવાની શંકા સેવાઇ રહી છે. તો બીજી તરફ મનસુખ પીઠા પરમાર સામે હત્યાની શંકા વ્યક્ત કરતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.