આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (National Register of Citizens)ની ફાઇનલ યાદી (NRC Final List) આજે સવારે 10 વાગ્યે ઓનલાઇન જાહેર કરવામાં આવી છે.એનઆરસીના સ્ટેટ કોર્ડિનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું કે 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને એનઆરસીની ફાઇનલ યાદીમાં સ્થાન મળ્યું છે અને 19,06,657 લોકોને બહાર કરી દેવાયા છે. જે લોક તેનાથી સંતુષ્ટ નથી તેઓ ફોરેનર્સ ટ્રિબ્યૂનલમાં અરજી કરી શકે છે.
ફાઇનલ યાદીમાં નામ તપાસવા માટે nrcassam.nic.in પર જઈને ચેક કરી શકાય છે. આ ઉપરાંત assam.mygov.in અને assam.gov.in પર લોકો પોતાનું નામ ચેક કરી શકે છે.
આસામમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હિંસા અને સાંપ્રદાયિક ઝઘડાઓની આશંકાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલયએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં લોકોને અફવા અને ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરવામાં આવી છે. ગુવાહાટી સહિત 5 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગયા વર્ષે 21 જુલાઈએ જાહેર કરવામાં આવેલી NRCની યાદીમાં 3.29 કરોડ લોકોમાં 40.37 લાખ લોકોના નામ સામેલ નહતા. હવે અંતિમ યાદીમાં એ લોકોના નામ સામેલ કરવામાં આવશે જે 25 માર્ચ 1971 પહેલાથી આસામના નાગરિક છે અથવા તેમના પૂર્વજ આ રાજ્યમાં રહેતા હતા.
એનઆરસી લિસ્ટ જાહેર થવાની સાથે 4 વર્ષથી ચાલી રહેલી પ્રક્રિયા પૂર્ણ થશે. આ કામમાં 62 હજાર કર્મચારીઓ 4 વર્ષથી જોડાયેલા છે. આસામમાં એનઆરસી કાર્યાલય 2013માં બન્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં 2015થી કામ શરૂ થયું હતું. પહેલું લિસ્ટ 2017 અને બીજુ લિસ્ટ 2018માં શરૂ થયું હતું.